જે લોકો આઈડિયા ઓફ ઇન્ડિયા અર્થાત્ સહિયારા અને ન્યાયી ભારતની કલ્પનાને વરેલા છે તેમની પાસે રાજકીય વિકલ્પ નથી અને જે લોકો હિંદુ ભારતની કલ્પનાને વરેલા છે તેમની પાસે મજબૂત રાજકીય વિકલ્પ છે. જે લોકો આઈડિયા ઓફ ઇન્ડિયાને વરેલા છે એ લોકો બહુમતીમાં હોવા છતાં બહુમતી કામમાં નથી આવતી અને જે લોકો હિંદુ ઇન્ડિયાને વરેલા છે એ લોકો લઘુમતીમાં હોવા છતાં પણ મજબૂત બહુમતી સાથે શાસન કરે છે.
અનેક લોકો સવાલ કરે છે કે આ સમસ્યાનો ઉકેલ શું?
ઉકેલ બે છે. એક ટૂંકા ગાળાનો ઉકેલ છે અને બીજો લાંબા ગાળાનો. કદાચ કાયમી પણ હોઈ શકે. એક ઝડપી ઉકેલ છે અને બીજો વખત લેનારો. એકમાં ઓછી મહેનત છે અને બીજામાં મહેનત ખૂબ છે. ટૂંકા ગાળાના ઝડપી ઉકેલની વાત પહેલાં કરીએ. એ ઉકેલ છે તમામ સેક્યુલર રાજકીય પક્ષો એક થાય. સાથે મળીને ચૂંટણી લડે અને સહિયારા તેમ જ ન્યાયી ભારતનો વિનાશ ઇચ્છનારા રાજકીય પક્ષ કે પક્ષોને પરાજીત કરે.
આમાં શરત એ છે કે ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવી જોઈએ. બીજી શરત સમાન દરેક પ્રતિસ્પર્ધી પક્ષ સંસાધનોની દૃષ્ટિએ એક સમાન સ્થિતિમાં હોવા જોઈએ. એકના ગજવામાં ચૂંટણી લડવા માટે લાખ રૂપિયા હોય અને બીજાના ગજવામાં હજાર રૂપિયા હોય તો પણ ચૂંટણી ન્યાયી અને મુક્ત રીતે ન લડી શકાય.
અત્યારના હિંદુ રાષ્ટ્રવાદી શાસકો બન્ને રીતે ચૂંટણીકીય સ્પર્ધા અસમાન બને એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ ચૂંટણીપંચ ઉપર દબાણ લાવે છે અને સંસાધનમાં પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષ બરાબરી ન કરી શકે એની પણ તજવીજ કરે છે. ઈલેકશન બૉન્ડ આ માટે દાખલ કરવામાં આવ્યા છે.
જો કોઈ બૉન્ડ ખરીદીને બીજેપી વિરોધી રાજકીય પક્ષને આપે તો સરકારને ખબર પડી જાય અને સરકાર તેને સતાવે. ડરના માર્યા કુબેરપતિઓ બીજેપી સિવાયના અન્ય રાજકીય પક્ષોને નાણાંકીય સહાય કરતા નથી. આજે લગભગ ૮૦ ટકા ચૂંટણીભંડોળ એકલા બીજેપીના ગજવામાં છે અને ૨૦ ટકામાં બાકીના બધા રાજકીય પક્ષો છે. આ સિવાય કાળું નાણું અને બીજાં સંસાધનો જુદાં.
એક પછી એક સરકારી એકમો વેચવામાં આવી રહ્યાં છે એનું પણ આ જ કારણ છે. ખૂબ ધન હાથમાં હોવું જોઈએ કે જેથી પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોને દબાવી શકાય, ચૂંટણીના મેદાનમાં પૈસા દ્વારા પ્રતિસ્પર્ધીને ચિત્ત કરી શકાય, જે તે પક્ષોના સંસદસભ્યો-વિધાનસભ્યોને ચૂંટણી પહેલાં અને પછી ખરીદી શકાય, મીડિયાને ખરીદીને અનુકૂળ કરી શકાય, ટ્રોલ્સ દ્વારા અપપ્રચાર, કુપ્રચાર અને જુઠાણાં ફેલાવી શકાય અને બીજી અનેક રીતે ચૂંટણીને પ્રભાવિત કરી શકાય.
આમ છતાંય ભારતીય સેક્યુલર લોકતંત્ર ટકી રહેવા માટે જદ્દોજેહાદ કરી રહ્યું છે અને ધારેલી ઝડપે અને ધારેલી માત્રામાં તૂટતું નથી એનું કારણ પેલા ૬૦ ટકા ભારતીય નાગરિકો છે જેઓ આઈડિયા ઓફ ઇન્ડિયાને વરેલા છે. તેઓ પ્રતિબદ્ધ છે અને હિંમત ધરાવે છે.
સૌથી મોટી વાત એ છે કે તેઓ વિખરાયેલા હોવા છતાંય બહુમતીમાં છે. તેઓ બુદ્ધિમાન છે, તેમને વિચારતા શંકા કરતા અને પ્રશ્ન કરતાં આવડે છે. ટ્રોલ્સ અને ગોદી મીડિયા તેમને પ્રભાવિત કરી શકતા નથી. ભારતીય સેક્યુલર લોકતંત્ર ઉપર ઘેરાયેલાં કાળા વાદળ ફરતે રૂપેરી કોર હોય તો એ આ ૬૦ ટકા સહિયારા ભારતને વરેલાં નાગરિકો છે. તેમની સામેની શાસકોની અને આંગળિયાતોની લાચારી પણ તમે જોઈ શકતાં હશો. તેમને નથી ડરાવી શકાતા કે તેમને નથી વટલાવી શકાતા. ટ્રોલ્સ અને ગોદી મીડિયાની બધી મહેનત પાણીમાં જાય છે.
હવે તેમને રાજકીય વિકલ્પ જોઈએ છે અને વિકલ્પ હમણાં કહ્યું એમ બે છે; એક ટૂંકા ગાળાનો પણ ઝડપી અને બીજો લાંબા ગાળાનો પણ મહેનતવાળો અને ઘણે અંશે કાયમી. પહેલા પહેલા વિકલ્પને તપાસીએ તો રાજકીય વાસ્તવિકતા શી છે?
૧. ગેર-બીજેપી રાજકીય પક્ષો નખશીખ અને પ્રતિબદ્ધ સેક્યુલર છે એવું નથી. એમાંના મોટાભાગના અવસરવાદી છે.
૨. જે પક્ષો વિચારોથી ખરેખર સેક્યુલર છે તેમની અંદર સત્તાનો મોહ છે અને તેમની સામે રાજકીય અસ્તિત્વનો પ્રશ્ન છે. ગયા નવેમ્બર મહિનામાં બિહારમાં આપણે જોયું કે રાષ્ટ્રીય જનતા દલ, જનતા દલ (યુનાઇટેડ) અને લોક જનશક્તિ પાર્ટી એક જ વિચારધારા ધરાવે છે અને તેના નેતાઓ એક જ ગુરુ (ડૉ. રામમનોહર લોહિયા)ના શિષ્યો છે. તેમને એ પણ ખબર છે કે તેઓ એકબીજા સામે લડીને ક્ષીણ થઈ રહ્યા છે અને તેમને એ પણ ખબર છે કે તેમની વચ્ચેની લડાઈમાં અંતિમ ફાયદો બીજેપીને થવાનો છે જે તેમની કલ્પનાના ભારતનો વિરોધી છે. આમ છતાંય તેઓ સાથે આવતા નથી, કારણ કે કોણ કોના હિતમાં પોતાની જમીન છોડે? દરેક રાજકીય પક્ષ વર્તમાનમાં પોતાનો ફાયદો જુએ છે, પછી પોતાનું, પોતાના પક્ષનું અને ભારતનાં ભવિષ્યનું જે થવાનું હોય તે થાય.
૩. ડાબેરીઓને છોડીને ભારતના લગભગ તમામ રાજકીય પક્ષોનો તેમની મૂળ વિચારધારા સાથેનો સંબંધ ખતમ થઈ ગયો છે. કાર્યકર્તાઓનું વૈચારિક પ્રશિક્ષણ થયું નથી એટલે પ્રતિબદ્ધ કેડર નથી. ચૂંટણીમાં ટીકીટ એવા લોકોને આપવામાં આવે છે જે ચૂંટણી જીતી શકવાની ક્ષમતા ધરાવતાં હોય. આને કારણે પક્ષમાં જે નેતાઓ આવે છે એ સત્તાવાંછુ આવે છે અને તેઓ વેચાઈ જાય છે. નેતા સમાધાનો કરે તો સંસદસભ્ય કે વિધાનસભ્ય સમાધાન કેમ ન કરે? ચૂંટણી જીતવા માટેનું મૂડીરોકાણ તેનું પોતાનું હોય છે અને તેને વસૂલવાનું હોય છે.
૪. દેશમાં એક માત્ર કોંગ્રેસને છોડીને કોઈ પક્ષ આખા ભારતમાં હાજરી ધરાવતો હોય એવો રાષ્ટ્રીય સ્તરનો પક્ષ નથી. બીજું અનેક પક્ષો બાપીકી દુકાન જેવા પક્ષો છે.
૫. મોટા ભાગના રાજકીય પક્ષો અને તેના નેતાઓ ભ્રષ્ટ છે, તેમની મથરાવટી મેલી છે, તેમની વચ્ચે એકતા સ્થપાય અને સ્થપાય તો જળવાય એની ખાતરી હોતી નથી એટલે ૨૦ ટકા કોમવાદી અને ૬૦ ટકા સેક્યુલરની વચ્ચે જે ૨૦ ટકા મતદાતાઓ છે તેમનો તેઓ વિશ્વાસ સંપાદિત કરી શકતા નથી.
૬. કેટલાક નેતાઓના કબાટમાં હાડપિંજરો છે એટલે તેઓ ડરે છે અને તેઓ વિપક્ષી એકતા વચ્ચે ફાચર મારવાનું કામ કરે છે.
૭. કેટલાક રાજકીય નેતાઓ ચૂંટણી ટાણે નિર્ણાયક મતદારક્ષેત્રોમાં ઉમેદવારો ઊભા રાખીને જે તે પક્ષના મત તોડીને કોઈને ફાયદો કરાવી આપવાનો ધંધો કરે છે. ધંધો જ, રીતસરનો ધંધો.
હવે કહો કે વિરોધ પક્ષોનું ચરિત્ર જ્યારે આવું હોય ત્યારે વિપક્ષી એકતાવાળો વિકલ્પ સાકાર થઈ શકે ખરો? કોઈક રાજ્યમાં થાય તો તે ટકાઉ નીવડે ખરો? આમાં રાષ્ટ્રીય સ્તરે એકતા સાધવી અને તેને ટકાવી રાખવી એ તો નેવાંનાં પાણી મોભે ચડાવવાં જેવું થયું. આમાં કોંગ્રેસ મોખરે હોય કે કોંગ્રેસ હાંસિયામાં હોય, કોંગ્રેસમાં ગાંધી પરિવારનું નેતૃત્વ હોય કે ન હોય; થીંગડાં મારવાથી લોકતાંત્રિક સેક્યુલર ભારત બચવાનું નથી. એને માટે ધીરજવાળો, ખૂબ મહેનત માગી લેનારો લાંબા ગાળાનો જ વિકલ્પ અપનાવવો પડે એમ છે. કોણ આ શિવધનુષ ઉઠાવશે? અને એને માટે કેવી લાયકાત જોઈએ?
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

You must be logged in to post a comment Login