IPL 2025 માટે ખેલાડીઓની મેગા ઓક્શનનો આજે બીજો દિવસ હતો. પ્રથમ દિવસે પંત, શ્રેયસ અને વેંકટેશ પર રેકોર્ડ બિડ લગાવવામાં આવી હતી, જ્યારે વોર્નર અને પડ્ડિકલ જેવા ખેલાડીઓને ખરીદદારો મળ્યા ન હતા. તમામ 10 ટીમોએ સોમવારે બાકીની 132 જગ્યાઓ માટે બોલી લગાવી હતી. હરાજીના પ્રથમ દિવસે તમામ 10 ટીમોએ મળીને કુલ 72 ખેલાડીઓને ખરીદ્યા હતા. જેમાં 24 વિદેશી ખેલાડીઓ પણ સામેલ હતા. RCB પાસે બીજા દિવસે હરાજીમાં સૌથી વધુ 30.65 કરોડ રૂપિયા બાકી છે.
આજે ફ્રેન્ચાઈઝી 132 સ્પોટ માટે 493 ખેલાડીઓ પર બિડ કરી હતી. આજે સૌથી મોટી બોલી હૈદરાબાદના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પર લગાવવામાં આવી હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આજે ભુવનેશ્વર 10 કરોડની કમાણી પાર કરનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. અફઘાનિસ્તાન તરફથી રમતા 18 વર્ષના મિસ્ટ્રી સ્પિનર અલ્લાહ ગઝનફરને મુંબઈએ મૂળ કિંમત કરતાં 6 ગણી વધુ કિંમતે ખરીદ્યો હતો. ગઝનફર જેની મૂળ કિંમત 75 લાખ રૂપિયા હતી તેને મુંબઈએ 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
છ છગ્ગા મારનાર પ્રિયાંશને 3.80 કરોડ
દિલ્હીના બેટ્સમેન પ્રિયાંશ આર્યને પંજાબે મૂળ કિંમતથી લગભગ 13 ગણી એટલે કે 3.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી. આ તેનું આઈપીએલ ડેબ્યુ હશે. પ્રિયાંશે દિલ્હી પ્રીમિયર લીગમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી.
13 વર્ષનો વૈભવ સૂર્યવંશી કરોડપતિ બન્યો
રાજસ્થાને 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. વૈભવ બિહારના સમસ્તીપુરનો રહેવાસી છે. તેણે બે મહિના પહેલા અંડર-19 ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી.
ઓલરાઉન્ડર વિલ જેક્સને મુંબઈએ 5.25 કરોડમાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. બેંગલુરુએ તેમના માટે તેના RTM કાર્ડનો ઉપયોગ કર્યો નથી. ગત સિઝનમાં તે બેંગલુરુ તરફથી રમ્યો હતો. તેણે 8 મેચમાં 230 રન બનાવ્યા હતા. તેણે ગુજરાત સામે સદી ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 175 છે. આ ડીલ બાદ MI ફ્રેન્ચાઈઝીના આકાશ અંબાણીએ RCB ડેસ્ક પર જઈને હાથ મિલાવ્યા હતા.
દિલ્હીએ ફાસ્ટ બોલર મુકેશ કુમારને RTM કાર્ડનો ઉપયોગ કરીને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. દિલ્હી પહેલા પંજાબે મુકેશ પર 6.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી પરંતુ દિલ્હીએ તેના RTM કાર્ડનો ઉપયોગ કર્યો હતો. આ પછી પંજાબને તેની અંતિમ બિડ માટે કહેવામાં આવ્યું, જેના પર ટીમે 8 કરોડ રૂપિયાની બોલી લગાવી અને દિલ્હીએ હા પાડી. ગત સિઝનમાં તેણે દિલ્હી માટે 10 મેચમાં 17 વિકેટ ઝડપી હતી. 2023માં ભારત માટે ડેબ્યૂ કરનાર મુકેશે ત્રણેય ફોર્મેટમાં 26 મેચમાં 32 વિકેટ ઝડપી છે.