Columns

સેબીનાં અધ્યક્ષ માધબી પુરી બુચ સરકાર માટે માથાનો દુખાવો બની ગયાં છે

ભારતમાં કેટલાક ઉચ્ચ સરકારી હોદ્દા જેઓ લાગવગ લગાવી શકતા હોય અને ભ્રષ્ટાચાર કરી શકતા હોય તેમના માટે જ અનામત રાખવામાં આવે છે. સેબીનાં અધ્યક્ષનો હોદ્દો પણ તેવો જ છે. જો કોઈ ઉદ્યોગપતિ તેના શેરોના ભાવોમાં ગરબડ કરીને રોકાણકારોને લૂંટવા માગતા હોય તો તેણે પહેલાં માર્કેટ રેગ્યુલેટરની ગંભીર જવાબદારી ધરાવતા સેબીના અધ્યક્ષને ફોડવા પડે છે. સેબીના અધ્યક્ષને તેની સામે કરોડો રૂપિયાની કટકી મળે છે. તે હિસાબે સેબીનાં વર્તમાન ચેરપર્સન માધબી પુરી બુચનું નસીબ ખરાબ છે, કારણ કે હિન્ડનબર્ગ રિપોર્ટમાં તેમનો ભાંડો ફોડી કાઢવામાં આવ્યો છે. માધબી પુરી બુચની મુશ્કેલીઓ વધી રહી છે. સરકારી ખર્ચ પર નજર રાખતી સંસદીય સંસ્થા પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ સેબીની કામગીરીની સમીક્ષાનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. હિંડનબર્ગ રિસર્ચ દ્વારા માધબી પુરી બુચ વિપક્ષી પાર્ટીઓના નિશાના પર છે.

હિંડનબર્ગ રિસર્ચે ૧૯ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ એક અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સેબીના વડા અને તેમના પતિ ધવલ બુચનો અદાણી જૂથ સાથે જોડાયેલી વિદેશી ઓફશોર કંપનીઓમાં હિસ્સો છે. ફર્મે એવો પણ દાવો કર્યો હતો કે માધવી અને તેના પતિની મોરેશિયસ ઓફશોર કંપની ગ્લોબલ ડાયનેમિક ઓપોર્ચ્યુનિટી ફંડમાં પણ હિસ્સો છે. હિંડનબર્ગે ગંભીર આક્ષેપો કર્યા હતા અને દાવો કર્યો હતો કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ આ ફંડમાં કથિત રીતે અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ સાથે જ કોંગ્રેસે માધવી પુરી બુચ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ ૨ સપ્ટેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે સેબી સાથે સંકળાયેલા હોવા છતાં માધબી પુરી બુચ ICICI બેંક સહિત ત્રણ જગ્યાએથી પગાર લેતાં હતાં. કોંગ્રેસના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે સેબીના પૂર્ણ સમયના સભ્ય હોવા છતાં માધબી પુરી બુચે ૨૦૧૭ અને ૨૦૨૪ વચ્ચે ICICI બેંકમાંથી રૂ. ૧૬.૮૦ કરોડનો પગાર વસૂલ્યો હતો. આ ઉપરાંત તે ICICI બેંકમાંથી ICICI પ્રુડેન્શિયલ, ESOP અને ESOP નો TDS પણ લેતાં હતાં.

સેબીનાં અધ્યક્ષ માધબી પુરી બુચ પર તેના હુમલાને વેગ આપતાં કોંગ્રેસે શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે તેણીએ તેની એક મિલકત મુંબઈ સ્થિત કંપનીને ભાડે આપી હતી જે સેબી દ્વારા તપાસ કરાયેલી કોઈ કંપની સાથે સંબંધ ધરાવતી હતી.માધબી પુરી બુચ ૨૦૧૮-૧૯માં પૂર્ણ સમયનાં સભ્ય હતાં ત્યારે તેમણે તેની એક મિલકત ભાડે આપી હતી. ૨૦૧૮-૧૯માં આ પ્રોપર્ટીનું ભાડું ૭ લાખ રૂપિયા હતું, ૨૦૧૯-૨૦માં તે વધીને ૩૬ લાખ રૂપિયા થઈ ગયું હતું. ૨૦૨૩-૨૪માં તે વધીને ૪૬ લાખ રૂપિયા થશે.આ મિલકત કેરોલ ઇન્ફો સર્વિસિસ લિમિટેડ નામની કંપનીને ભાડે આપવામાં આવી હતી, જે વોકહાર્ટ લિમિટેડ કંપની સાથે જોડાયેલી છે.સેબી વોકહાર્ટના મામલાની તપાસ કરી રહી છે. વોકહાર્ટ સામે ઇનસાઇડર ટ્રેડિંગના કેસ છે.સેબી વતી આ કેસોની તપાસ માધબી પુરી બુચ કરી રહ્યાં છે. આ માત્ર હિતોનો ટકરાવ નથી, પરંતુ ભ્રષ્ટાચારનો મામલો છે.

સેબીના ટોચના મેનેજમેન્ટની પ્રેસ રિલીઝનો વિરોધ કરી રહેલા કર્મચારીઓએ રેગ્યુલેટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ચેરપર્સન માધબી પુરી બુચ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં ઘણી બધી બાબતો ખોટી રીતે કહેવામાં આવી છે. તેમાં ઘણી ભૂલો છે. કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓને વિકૃત કરવામાં આવી રહી છે. અમારી માંગણીઓના સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું કે આ સંપૂર્ણ નાણાંકીય માંગ છે, જ્યારે વર્કિંગ કલ્ચર જેવા મુદ્દાઓને બાજુ પર રાખવામાં આવ્યા છે.

વિરોધ કરી રહેલા કર્મચારીઓનું કહેવું છે કે સેબીના ટોચના મેનેજમેન્ટ દ્વારા ૪ સપ્ટેમ્બરે જારી કરવામાં આવેલી પ્રેસ નોટમાં એન્ટ્રી લેવલ ગ્રેડના અધિકારીઓના પગાર વિશે સાચી માહિતી આપવામાં આવી નથી. આ ઉપરાંત સમગ્ર મામલાને બહારના તત્ત્વોનાં કાવતરાં સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રેસ રિલીઝ સ્પષ્ટપણે દર્શાવે છે કે રેગ્યુલેટરમાં ટોચના મેનેજમેન્ટ દ્વારા માઇક્રો મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે. આજ સુધી સેબીના ઈતિહાસમાં આવી ઘટના બની નથી.

વિરોધ કરી રહેલા કર્મચારીઓએ અધ્યક્ષ બૂચનાં રાજીનામાંની માંગણી કરી છે અને ૪ સપ્ટેમ્બરે જારી કરાયેલી પ્રેસનોટ પાછી ખેંચી લેવા જણાવ્યું છે.વિરોધ કરી રહેલાં કર્મચારીઓએ એમ પણ કહ્યું કે માધબી પુરી બુચ પહેલાં પણ સેબી સારી રીતે કામ કરી રહી હતી અને દેશ અને વિશ્વમાં તેની ટોચની વિશ્વસનીયતા હતી. સેબી દ્વારા ૪ સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટ હાલના કર્મચારીઓ અને ભૂતપૂર્વ અધ્યક્ષોના અપમાન સમાન છે. સેબી મેનેજમેન્ટ તેના કર્મચારીઓ પ્રત્યેના ચેરપર્સનના વર્તનથી વાકેફ છે. સેબીના કર્મચારીઓ યલો કાર્ડ અને રેડ કાર્ડ વિશે બરાબર જાણે છે. આ પ્રકારનું વર્તન તેમની નેતૃત્વક્ષમતા પર સવાલો ઊભા કરે છે.

સેબીના અધિકારીઓએ પણ માધબી પુરી બુચ પર ટોક્સિક વર્ક કલ્ચરને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. સેબીના અધિકારીઓ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે સેબીના વડાની મીટિંગમાં બૂમો પાડવી, ઠપકો આપવો અને કર્મચારીઓને જાહેરમાં અપમાનિત કરવું સામાન્ય બની ગયું છે. સેબી એક સરકારી સંસ્થા છે. શેરબજારનાં રોકાણકારોનાં હિતોના રક્ષણ માટે વર્ષ ૧૯૯૨માં તેની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં સેબીમાં ગ્રેડ A અને તેનાથી ઉપરના (આસિસ્ટન્ટ મેનેજર અને તેનાથી ઉપરના) લગભગ એક હજાર અધિકારીઓ છે.

આમાંથી અડધા એટલે કે ૫૦૦અધિકારીઓએ સેબી ચીફ વિરુદ્ધ મોકલેલી ફરિયાદ પર હસ્તાક્ષર કર્યા છે.અ કોલ ફોર રિસ્પેક્ટ નામના આ પત્રમાં સેબીના અધિકારીઓએ જણાવ્યું છે કે ટીમનાં સભ્યો પ્રત્યે બૂચનું વલણ કઠોર છે અને તેમની સાથે અનવ્યાવસાયિક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેબીના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે તેના અધિકારીઓએ કર્મચારીઓ સાથેના દુર્વ્યવહાર અંગે ચિંતા વ્યક્ત કરી હોય અને અધ્યક્ષ ઉપર આક્ષેપો કર્યા હોય.

આ બધું એવા સમયે બન્યું છે જ્યારે ભારતીય શેરબજારમાં તેજી આવી રહી છે અને તે આ વર્ષે વિશ્વનું શ્રેષ્ઠ બજાર રહ્યું છે.વિદેશી રોકાણકારોએ અંદાજે ૬ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. કરોડો નવાં રોકાણકારો આવ્યાં છે જેઓ ઓછા અનુભવી છે. આ નવાં રોકાણકારોએ ઝડપથી ઈલેક્ટ્રોનિક એકાઉન્ટ ખોલીને મ્યુચ્યુઅલ ફંડ અને આઈપીઓમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે.વૈશ્વિક રોકાણકારો જોશે કે સરકાર આ મુદ્દા બાબતમાં કેટલી ઝડપથી પગલાં લઈ રહી છે.

અગ્રણી મિડિયા કંપની ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસના માનદ અધ્યક્ષ સુભાષચંદ્ર ગોયલે માધબી પુરી બુચ પર તેમની કંપની અને સોની એન્ટરપ્રાઇઝિસ વચ્ચેના મર્જરને મંજૂરી ન આપવાનો આરોપ મૂક્યો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે હું નિશ્ચિતપણે માનું છું કે સેબીનાં અધ્યક્ષ ભ્રષ્ટ છે.સુભાષ ચંદ્રા ગોયલ હાલમાં ભંડોળના દુરુપયોગના આરોપમાં સેબીની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.

આ કારણે તેમના પર લિસ્ટેડ કંપનીઓમાં મુખ્ય હોદ્દા પર રહેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.સેબીની અંદર અને બહારથી વધતા દબાણ વચ્ચે માધબી પુરી બુચ હવે તેમના પદ છોડવાના મુશ્કેલ પ્રશ્નનો સામનો કરી રહ્યાં છે. માધબી પુરી બૂચનું તેમના પદ પરથી રાજીનામું અથવા સરકાર દ્વારા તેમની હકાલપટ્ટી થવી એ ગુનાની કબૂલાત સમાન હશે. માધબી પુરી કે સરકાર તેવું ઈચ્છશે નહીં.ઓછામાં ઓછા ત્રણ નિષ્ણાતોએ જણાવ્યું છે કે સમગ્ર વિવાદનું સંભવિત પરિણામ એ આવશે કે સરકાર માધબી પુરી બૂચને એક્સ્ટેંશન આપશે નહીં. તેમનો વર્તમાન કાર્યકાળ જાન્યુઆરી ૨૦૨૫માં સમાપ્ત થઈ રહ્યો છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top