Columns

સુખની શોધ

એક રાજા ધન, યશ બધું હોવા છતાં હંમેશ ઉદાસ રહેતો. તેણે રાજ્યના વિદ્વાનોને બોલાવ્યા અને કહ્યું: મને એ માણસ લાવી આપો જે સાચું સુખ ભોગવે છે. હું એને ખૂબ ધન આપીશ અને તેની પાસેથી સુખ મેળવવાનું રહસ્ય શીખીશ. વિદ્વાનો રાજ્યમાં ફર્યા. ઘણા ધનિકો, સાધુઓ, વ્યાપારીઓ, સેવકો મળ્યા, પણ દરેકને કોઈ ને કોઈ દુઃખ હતું. અંતે એક નાનકડા ગામમાં એક ખેડૂત મળ્યો -દિવસભર ખેતરમાં મહેનત કરે, સાંજે પરિવાર સાથે બેઠો હસે, પાંજરામાં પાળેલી મેના સાથે વાત કરે… જાણે એકદમ સુખી! વિદ્વાનોએ આ ખેડૂતને પૂછ્યું, તારે કોઈ દુઃખ નથી? શું તું એકદમ સુખી છે ખેડૂતે કહ્યું, હા, હું એકદમ સુખી છું. દુઃખ આવે તો સ્વીકારું છું, સુખ મળે તો આનંદ માણું છું. મારે જીવનથી કોઈ ફરિયાદ નથી. વિદ્વાનો એ ખેડૂતને રાજા પાસે લઈ ગયા અને જણાવ્યું કે આ એકદમ સુખી માણસ છે.

રાજાને નવાઈ લાગી આ ગરીબ ખેડૂત એકદમ સુખી! રાજાએ ખેડૂતને પૂછ્યું, તને કોણ સુખ આપે છે? ખેડૂતે હસીને કહ્યું, મારું કામ, મારી સરળતા અને આવતી કાલની અપેક્ષા વિના જીવી લેવાનો ભાવ અને હંમેશા અન્યને મદદરૂપ થવાનો પ્રયત્ન મને સુખ આપે છે. રાજા આશ્ચર્યમાં પડ્યા. ભવ્ય મહેલો, સંપત્તિ હોવા છતાં એ સુખથી દૂર હતો અને અહીં એક ખેડૂત દીનદયાળ જીવનમાં શાંતિ અને સુખ ભરી બેઠો હતો. એ દિવસથી રાજાએ ખેડૂત પાસેથી સાચી જીવન રીત શીખી પોતાનું જીવન બદલવાનું શરૂ કર્યું. રાજા સમજી ગયા કે સુખ દૂર ક્યાંય નથી, એ આપણી અંદર છુપાયેલું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top