માડ્રીડ, તા. ૨૨: એક આશ્ચર્યજનક ઘટનામાં સીગલ નામના એક સમુદ્રી પક્ષીએ એક એર-શોમાં ભાગ લઇ રહેલા એક મોંઘાદાટ યુદ્ધ વિમાનની કોકપીટનો કાચ તોડી નાખ્યો હતો. સ્પેશના સાન જેવિઅર એર બેઝ ખાતે યોજાયેલ એર-શોમાં યુરોફાઇટર નામનું આ યુદ્ધ વિમાન ભાગ લઇ રહ્યુ઼ હતું અને ભરઆકાશે કરતબ બતાવી રહ્યુ઼ હતું તે સમયે એક સી-ગલ પક્ષી જોશભેર તેના તરફ ધસી આવ્યું હતું અને તેની કોકપીટ સાથે ભટકાયું હતું. ટક્કરને કારણે કોકપીટનો કાચ તૂટી ગયો હતો. ત્યાં હાજર એવિએશન ફોટોગ્રાફર જેવીઅર અલોન્સો ડી મેડીનાએ આ દ્રશ્ય પોતાના પાવરફૂલ કેમેરા વડે આબાદ ઝડપી લીધું હતું જેમાં આ યુરોફાઇટર નજીકથી ઉડી રહેલા કાટમાળ અને પક્ષીના પીછા જોઇ શકાતા હતા. સદભાગ્યે મોટી દુર્ઘટના થઇ ન હતી અને પાયલોટે વિમાનને સલામત રીતે નીચે ઉતાર્યું હતું. પાયલોટને પણ કોઇ મોટી ઇજા થઇ ન હતી.