ચેન્નાઈ: કોસ્ટ ગાર્ડ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) (DRI) અને કસ્ટમ્સના સંયુક્ત ઓપરેશનમાં પકડાઈ જવાના ડરથી દરિયામાં (sea) ફેંકી દેવામાં આવેલું 11 કિલો સહિત રૂ. 20.20 કરોડની કિંમતનું 32 કિલો સોનું (Gold) રિકવર કરવામાં આવ્યું છે. અહીં એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે, શ્રીલંકાથી ભારતમાં સોનાની દાણચોરી કરવામાં આવી રહી હતી. આ જપ્તી શ્રીલંકા અને ભારત વચ્ચે પ્રતિબંધિત પદાર્થોની દાણચોરી સંબંધિત ડીઆરઆઈને મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના પરિણામે સંભવ બની હતી. આ ચોક્કસ માહિતીના પગલે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ડીઆરઆઈ દ્વારા 30 મેના રોજ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ”ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ડીઆરઆઈ અને કસ્ટમ્સ સાથે શરૂ કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનના પરિણામે તમિલનાડુના મન્નાર ખાડી વિસ્તારમાં બે માછીમારી બોટમાંથી આશરે રૂ. 20.20 કરોડની કિંમતનું 32.689 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ માલ શ્રીલંકાથી ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવી રહ્યો હતો.”
કોસ્ટ ગાર્ડ અને ડીઆરઆઈ દ્વારા તૈનાત સંયુક્ત ટીમોએ મન્નારના અખાતમાં ખાસ કરીને ભારત-શ્રીલંકા ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (આઈએમબીએલ) પાસે કાર્યરત ફિશિંગ જહાજો પર નજીકથી દેખરેખ રાખી હતી. 30 મેના રોજ સંયુક્ત ટીમે રામનાથપુરમ જિલ્લાના મંડપમ ફિશિંગ બંદર નજીક એક શંકાસ્પદ બોટ શોધી કાઢી હતી. પ્રકાશનમાં જણાવ્યું હતું કે, ”જ્યારે દાણચોરોને પડકારવામાં આવ્યા ત્યારે બોટમાં સવાર દાણચોરોએ બોટ ભગાવીને બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે મન્નારના ઉત્તરના અખાતમાં તેને પકડી લેવામાં આવી હતી. પીછો કરતી વખતે શંકાસ્પદ લોકોએ અટકાવતાં પહેલાં 11 કિલો સોનું સમુદ્રમાં ફેંકી દીધું હતું. 3 શંકાસ્પદ શખસો સાથે બોટને પકડવામાં આવી હતી અને તપાસ માટે કસ્ટડીમાં લેવામાં આવી હતી.”
પ્રકાશનમાં ઉમેર્યું હતું ”તેની સાથે જ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં ફેંકી દેવામાં આવેલા ગેરકાયદે સોનાને શોધવા માટે એક મોટું ડાઇવિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.” દરમિયાન ડીઆરઆઈની એક અલગ ટીમે મંડપમની દક્ષિણે આવેલા વડાલાઈ ગામમાં બીજી શંકાસ્પદ બોટને પકડી પાડી હતી. બોટમાં આશરે 21.269 કિલોગ્રામ દાણચોરીનું સોનું હતું, જેને ડીઆરઆઈ દ્વારા બે શકમંદો સાથે જપ્ત કરવામાં આવ્યું હતું, જેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ‘મંડપમના દરિયાકાંઠે બે દિવસના અવિરત ડાઇવિંગ ઓપરેશન પછી સ્થાનિક ડાઇવર્સ સાથેના સંકલનમાં આસીજી ડાઇવિંગ ટીમે 1 જૂનની સવારે સમુદ્રના તળિયેથી સોનાનો માલ સફળતાપૂર્વક પાછો મેળવ્યો હતો.