વડોદરા: આજે એસએન્ડડીટી કોલેજ ખાતે ઈવીએમ મશીનને સીલ કરવાની કાર્યવાહી માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા.ઈવીએમ મશીન ચેક કરી સીલ કર્યા બાદ તેને પતરાની પેટીમાં મુકવામાં આવે છે અને એ પેટીને તરત સીલ કરવામાં આવવી જરૂરી છે. પરંતુ ચૂંટણી અધિકારીઓએ પેટીને સીલ નહીં કરતા આપ પાર્ટીના વોર્ડ નં. દસના ઉમેદવારે ભારે બબાલ કરી હતી. અધિકારીઓ વચ્ચે અને ઉમેદવારો વચ્ચે તડાફડી બોલી હતી.
મંગળવારે એસએન્ડડીટી કોલેજ ખાતે ચૂંટણીના એવીએમ મશીનને સીલ કરવાની કાર્યવાહી જોવા માટે ઉમેદવારોને અથવા તેમના પ્રતિનિધિઓને બોલાવ્યા હતા. તેમની હાજરીમાં ઈવીએમ મશીનો સીલ કરી પતરાની પેટીમાં મૂકાયા હતા.
પરંતુ પતરાની પેટી ખુલ્લી રાખવામાં આવી હોવાથી વોર્ડ નં. દસના આપ પક્ષના ઉમેદવાર હેમંત પ્રજાપતિએ ભારે વિરોધ કરી હોબાળો મચાવી તાત્કાલીક પેટીઓને સીલ મારવાની માંગણી કરી હતી. પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સીલ મારવાનું બાકી છે. બંને વચ્ચે જીભાજોડી થઈ હતી. અધિકારીઓએ મોબાઈલ લઈ લેવા સુચના આપી હતી.
પરંતુ ઉમેદવારે સ્પષ્ટ શબ્દોમાં કહયું હતું કે, મને મારી નાંખો પછી જ હું મોબાઈલ આપીશ. ઉમેદવારની ઉગ્રતા જોઈને અધિકારીઓ ટાઢા પડયા હતા અને ફટાફટ પતરાની પેટીઓને સીલ મારવાની કાર્યવાહી કરવા લાગ્યા હતા.