સુરત: જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી પહોંચી. આજે સવારે 11.30 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ હબ બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કર્યું હતું. આ સાથે જ સુરતના હીરાવાળાઓનો એક દાયકાથી ચાલી રહેલાં પરિશ્રમનો અંત આવ્યો હતો. સફળતાનો આનંદ તેમના ચહેરા પર દેખાઈ રહ્યો હતો. વડાપ્રધાને સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાનટ પ્રસંગે બુર્સની ઈમારતની ખાસિયતોની ઝીણવટભરી માહિતી મેળવી હતી.
ઉદ્દઘાટન બાદ વડાપ્રધાન ઉપસ્થિત જનમેદનીને સંબોધવા મંચ પર પહોંચ્યા ત્યારે લોકોએ મોદી..મોદી..ના નારા પોકારી તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગમાં દેશ વિદેશના મહેમાનો સહિત અંદાજે 30 હજારથી વધુ લોકો ભેગા થયા હતા.
વડાપ્રધાને કહ્યું.. દુનિયાની મોટી ઈમારતોની ચમક સુરત સામે ફિક્કી પડી
હૂરટ એટલે હૂરટ… સુરત પાસે ઈતિહાસનો અનુભવ, વર્તમાનના રસ્તા અને ભવિષ્યની દૂરંદેશી તેનું નામ સુરત. અમારું હૂરટ એવું કે ગામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં… ગમે તેટલી ઉતાવળ હોય ખાણીપીણીની દુકાને અડધી કલાક ઉભા રહેવાની ધીરજ સુરતીઓમાં જ. શરદપૂનમે દુનિયા આખી ધાબા પર જાય હુરતી પરિવાર સાથે ઘારી ખાતો રહે. અને મોજીલો એવો કે નાકાના સર્કલ પર આંટો મારવા ન જાય પણ વિશ્વ આખું ફરે.
મને યાદ છે 40-45 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના ભાઈઓ સુરત તરફ વળ્યા ત્યારે પૂછ્યું તો સૌરાષ્ટ્રના ભાઈઓ કે અમારા કાઠિયાવાડ અને હૂરતમાં ભારે અંતર. કાઠિયાવાડમાં મોટર સાયકલ ટકરાય તો તલવાર ઉછળે હુરટમાં એવું થાય તો કહે જો ની ભાઈ તારી પણ ભૂલ છે અને મારી પણ ભૂલ છે. છોડ ની.
સુરતની ભવ્યતામાં વધુ એક ડાયમંડ જોડાયો. વિશ્વનો સર્વશ્રેષ્ઠ ડાયમંડ જોડાયો છે. તેની ચમક સામે દુનિયાની મોટી ઈમારતોની ચમક ફીક્કી પડી રહી છે. દુનિયા ભરના આર્કિટેક્ચરના સ્ટુડન્ટ્સને બોલાવી બતાવો કે આધુનિક સમયમાં ઉત્તમ બિલ્ડિંગ કેવી બનાવી શકાય? લેન્ડસ્કેપની રચનામાં પંચતત્વનો સામેલ કેમ કરાય તે સમજાવો.
દુબઈ બાદ હોંગકોંગની ફ્લાઈટ પણ શરૂ થશે: મોદી
સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. આજે સુરતનું સપનું પુરું થયું છે. મને યાદ છે હું પહેલાં આવતો હતો ત્યારે સુરતનું એરપોર્ટ કરતા બસસ્ટેશન સારા હતા. ઝૂંપડી જેવું હતું. આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. તે સુરતનું સામર્થ્ય દર્શાવે છે. સુરતથી દુબઈની ફ્લાઈટ આજથી શરૂ થઈ છે. ખૂબ વહેલી હોંગકોંગની ફ્લાઈટ શરૂ થશે. હવે ગુજરાતમાં ત્રણ ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા છે. તેના લીધે હીરા ઉપરાંત ટેક્સટાઈલ, ટુરિઝમ, એજ્યુકેશન, સ્ટીલ સહિત દરેક ઈન્ડસ્ટ્રીને લાભ થશે.
અંગ્રેજો પણ સુરતના વૈભવથી અંજાયા હતા: મોદી
સુરતના વખાણ કરતા મોદીએ કહ્યું કે, સુરતનો વૈભવ જોઈ અંગ્રેજો અંજાયા હતા. અહીં આવ્યા હતા. મોટા સમુદ્રી જહાજ સુરતમાં જ બનતા હતા. અનેક સંકટ આવ્યા પણ સુરતીઓએ એકસંંપ થઈ સામનો કર્યો. એક જમાનામાં 84 દેશના વાવટા અહીં ફરકતા હતા પરંતુ હવે 125 દેશના વાવટા ફરકશે.
વન સ્ટોપ સેન્ટર બન્યું સુરત ડાયમંડ બુર્સ: મોદી
સુરત ડાયમંડ બુર્સમાં તમામ સુવિધા છે. રિટેલ જ્વેલરી મોલ, ઈન્ટરનેશનલ બેન્કિંગ તમામ પ્રકારની સુવિધા છે. રત્નકલાકારો, વેપારી, કારખાનેદારો, હીરા ખરીદનારા વેચનારા તમામ માટે આ સ્થળ વન સ્ટોપ ડેસ્ટિનેશન બન્યું છે. સુરતે દેશને ઘણું આપ્યું છે. પરંતુ સુરતમાં હજુ ઘણું સામર્થ્ય છે. આ હજુ શરૂઆત છે. હજુ આગળ વધવાનું છે. પાછલા 10 વર્ષમાં ભારત 10માં નંબર પરથી 5 મા નંબરના વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર તરીકે ઉભર્યું છે. હવે મોદીએ દેશને ગેરન્ટી છે કે આગલા વર્ષોમાં ભારત ટોપ થ્રી ઈકોનોમી બનશે.
સુરત ધારે તો જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ ડબલ ડિજીટમાં પહોંચી શકે
મોદીની ગેરન્ટીથી સુરતના લોકો પહેલાથી જ વાકેફ છે. સુરત ડાયમંડ બુર્સ મોદીની ગેરન્ટીનું જ પરિણામ છે. આ બુર્સ ડાયમંડ, જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે અવસર પણ અને પડકાર પણ છે. નેચરલ અને લેબગ્રોન ડાયમંડમાં સુરત અગ્રણી છે. પરંતુ સમગ્ર જેમ એન્ડ જ્વેલરી સેક્ટરની વાત કરીએ તો ટોટલ એક્સપોર્ટમાં ભારતનો હિસ્સો માત્ર સાડા ત્રણ ટકા છે. સુરત ધારી લે તો ખૂબ જ જલ્દી જેમ જ્વેલરી એક્સપોર્ટમાં ભારત ડબલ ડિજીટમાં પહોંચી શકે છે. તમારા દરેક પ્રયાસમાં સરકાર તમારી સાથે રહેશે તેની મારી ખાતરી છે.
સરકાર દ્વારા અપાતા પ્રોત્સાહનોનો હીરા ઉદ્યોગે વધુમાં વધુ લાભ ઉઠાવવાનો છે. વિશ્વનો માહોલ વર્તમાન સમયમાં ભારતના પક્ષમાં છે. આજે પુરી દુનિયામાં ભારતની શાખ બુલંદી પર છે. દુનિયાભરમાં ભારતની ચર્ચા છે. મેક ઈન ઈન્ડિયા સશક્ત બ્રાન્ડ બન્યો છે. તેનો લાભ જ્વેલરી ઈન્ડસ્ટ્રીને ચોક્કસ મળશે. તેથી સંકલ્પ લઈ તેને સિદ્ધ કરો.
સુરતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનું વિશેષ ધ્યાન
સુરત પાસે આજે ઈન્ટરનેશનલ એરપોર્ટ, કાર્ગો પોર્ટ સહિત અનેક સુવિધા છે. સુરત સતત આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર બની રહ્યું છે. બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, વેસ્ટર્ન કોરિડોર સહિત અનેક સુવિધા મળી રહી છે. આટલી સુવિધા મેળવનારું સુરત દેશનું એકમાત્ર શહેર છે. સુરત પ્રગતિ કરશે તો ગુજરાત પ્રગતિ કરશે અને ગુજરાત પ્રગતિ કરશે તો મારો દશ આગળ વધશે.
સુરત ગ્લોબલ સિટી બનશે
સુરત મિની ભારત બન્યું છે, પરંતુ આટલી સુવિધાઓ અને વેપારના વધારાને પગલે સુરત ધીમે ધીમે ગ્લોબલ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. ડાયમંડ બુર્સમાં વિશ્વભરના વેપારીઓ આવશે. ભાષાની દ્રષ્ટિએ કોઈ મદદ જોઈતી હોય તો ભારત સરકાર મદદ કરશે.
50 કેરેટ હીરાથી જડિત સ્મૃતિ ભેંટ વડાપ્રધાનને ભેંટ આપ્યું
ઉદ્દઘાટન પ્રસંગે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લાખાણી સહિતના મહાનુભાવોએ 50 કેરેટ હીરામાંથી બનેલું સુરતના ઈતિહાસને દર્શાવતું સ્મૃતિ ભેંટ વડાપ્રધાનને ભેંટ ધર્યું હતું.
સુરતના ખજોદ ખાતે 35.54 એકર વિશાળ જગ્યામાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટ(CBD) અને સામાજિક, વ્યાપારિક તથા શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે અતિમહત્વકાંક્ષી ‘સુરત ડ્રીમ સિટી’ પ્રોજેક્ટના ભાગરૂપે સાકાર થયેલા બુર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે તા.૧૭મી ડિસેમ્બરે ખૂલ્લું મુક્યું છે.
અંદાજિત રૂ.3400 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લખાણી, ડિરેક્ટર મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેન દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ સહિત દેશ વિદેશના 30 મહેમાનો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું… સુરત મિની ઈન્ડિયા બન્યું છે
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સુરત મિની ઈન્ડિયા બન્યું છે. વડાપ્રધાનના વિઝનના પરિપાકરૂપે સુરતમાં ડ્રીમ સિટીના ભાગરૂપે સુરત ડાયમંડ બુર્સ બન્યું છે. આ વિશ્વના સૌથી વિશાળ ઓફિસ કોમ્પલેક્સ સાથે આધુનિક ભારતની મોદીની પહેલ છે.
એક જમાનામાં જ્યાં 84 દેશના વાવટા ફરકતા હતા તે સુરતમાં હવે 125 દેશોના વાવટા ફરકશે
એક જમાનામાં સુરતના તાપી કિનારે 84 દેશોના વાવટા ફરકતા હતા, પરંતુ હવે સુરત ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં 125 દેશના વાવટા ફરકશે એમ કમિટી મેમ્બર લાલજી પટેલે જણાવ્યું હતું. એસડીબીના ચેરમેન વલ્લભ લાખાણીએ સપનું સાકાર થયાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મનિલનું લોકાર્પણ કર્યું
વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ (SDB) અને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના (SuratInternationalAirport) ટર્મિનલ બિલ્ડિંગના લોકાર્પણ માટે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) સુરત આવી પહોંચ્યા છે. મહિલાઓ શંખનાદ સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ સુરત એરપોર્ટ પર રૂપિયા 350 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવા પહોંચ્યા હતા. તેઓએ અહીં ટર્મિનલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, સાંસદ અને કેન્દ્રના રાજ્ય કક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ સુરત એરપોર્ટ પર નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.
ડુમસ રોડ પર વડાપ્રધાનનો મીનિ રોડ શો
બીજી તરફ સુરત ડાયમંડ બુર્સમાં વડાપ્રધાનને આવકારવા અને વિશ્વના સૌથી મોટા બિલ્ડિંગને ખુલ્લું મુકવા માટે હીરાવાળાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. અહીં દેશ વિદેશના મોટા ગજાના હીરા ઉદ્યોગકારો સવારથી પહોંચી ચૂક્યા હતા.
લોકલાડીલા વડાપ્રધાનના સ્વાગત માટે ડુમસ રોડ સુરત એરપોર્ટથી ખજોદ રોડ સુરત ડાયમંડ બુર્સ સુધી રોડ શો જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી લોકો રસ્તાની બંને તરફ ગોઠવાઈ ગયા છે. અહીં વડાપ્રધાન રોડ શો યોજે તેવી શક્યતા છે. રોડ-શોના રૂટ પર બનાવાયેલા સ્વાગત પોઈન્ટ પર મહિલાઓ ઢોલ અને કરતાલ સાથે મોદીના ભજનની રમઝટ બોલાવી રહી છે. તેમજ શંખનાદ કરી રહી છે.
ઠેરઠેર સ્વાગત પોઈન્ટ પર ભાજપના નેતા, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ એક્સ આર્મીમેન પહોંચી ચુક્યા છે. રોડની બંને તરફ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઠેરઠેર સ્કેનિંગ મશીન મુકાયા છે. લોકોનું સ્કેનિંગ કરી તેઓને રોડની સાઈડ પર ઉભા રાખવામાં આવી રહ્યાં છે.
175 દેશોને સુરતમાંથી પોલિશ્ડ ખરીદવાનું પ્લેટફોર્મ મળશે
સુરતમાં વૈશ્વિક કક્ષાનું ડાયમંડ બુર્સ બનાવવાનો મુખ્ય આશય ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત નિકાસ અને વ્યાપારને પ્રોત્સાહન આપવાનો છે તેમજ ડાયમંડ પ્રોડક્શન અને બિઝનેસ સાથે સંકળાયેલી નાની મોટી કંપનીઓ, MSMEને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાયમંડ ટ્રેડીંગનું ગ્લોબલ પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો છે. ૧૭૫ દેશોના વેપારીઓને સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવાનું આગવું પ્લેટફોર્મ મળશે.
સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ બનશે. ડાયમંડ બુર્સ સાકાર થવાથી દુનિયાના દેશો પોલિશ્ડ ડાયમંડની ખરીદી માટે સુરત આવતા થશે જેથી સુરતનું નામ વિશ્વસ્તરે પ્રસ્થાપિત થશે. અહીં 4200થી વધુ ઓફિસો બની છે. સુરત, મુંબઈ સહિત વિદેશના હીરા વેપારીઓએ ઓફિસો ખરીદી છે. જેના કારણે હવે એક જ જગ્યાએ રફ ડાયમંડનું ટ્રેડિંગ અને પોલિશ્ડ ડાયમંડનું ટ્રેડિંગ થશે, ઉપરાંત 1.5 લાખ લોકોને રોજગારીની તકો મળશે. વૈશ્વિક નેતા અને વિઝનરી લીડર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બુર્સ ખૂલ્લું મૂકાશે, જે ભારતીય અને વિશ્વના વ્યાપારી જગત માટે ઐતિહાસિક કદમ તરીકે અંકિત થશે.
ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક સિદ્ધિ બાદ હવે સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બનશે એનો આનંદ વ્યક્ત કરતા આ બુર્સ પ્લેટિનમ, સિલ્વર ડાયમંડ, લેબગ્રોન ડાયમંડના વન સ્ટોપ ડેસ્ટીનેશન તરીકે ઉભરી આવશે. વિશ્વના ખૂણે ખૂણાથી બાયર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
વેપારીઓએ ભેગા મળી વર્લ્ડક્લાસ બિલ્ડિંગ બનાવ્યું
વિશેષ વાત એ છે કે, કોઈ એક વ્યક્તિએ કે કંપનીએ નહીં, પરંતુ 4200 વેપારીઓએ ભેગા મળીને SDBનો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો છે. અગાઉ વિશ્વનું સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાનું પેન્ટાગોન હતું, જે 65 લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે, પરંતુ હવે દુનિયાના સૌથી મોટા બિલ્ડીંગનું સ્થાન ગુજરાતના સુરતમાં 67 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા ડાયમંડ બુર્સ બિલ્ડીંગે લઈ લીધું છે. નવ ટાવરમાં પથરાયેલું આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે, અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સવલતો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સુરતમાં હીરાનો વેપાર 4 લાખ કરોડ પર પહોંચે તેવી ધારણા
ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ છે. બુર્સની 4500થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે. અહીં 27 ઈન્ટરનેશનલ જવેલરી શો-રૂમ નિર્માણ પામશે જેમાં દેશવિદેશથી આવતા વ્યાપારીઓ, તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી શકશે. સુરતના હીરાઉદ્યોગમાં 2 લાખ કરોડનો વેપાર થાય છે, ડાયમંડ બુર્સ સાકાર થતા તે વધીને 4 લાખ કરોડ થવાની સંભાવના છે, એટલે કે માત્ર SDB થકી જ વર્ષે ૨ લાખ કરોડનો વ્યાપાર થશે. જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં મોટો લાભ થશે.
બુર્સમાં 131 હાઈસ્પીડ લિફ્ટ, 3 મિનીટમાં 16માં માળે પહોંચાડશે
બુર્સ 131 હાઈ સ્પીડ લિફ્ટનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જેની સ્પીડ પ્રતિ સેકન્ડ 3 મીટરની છે. લિફ્ટનું મેનેજમેન્ટ અત્યાધુનિક ડેસ્ટીનેશન કન્ટ્રોલ સિસ્ટમ વડે થશે. જેથી કોઈપણ વ્યક્તિને 16માં માળ સુધી પહોંચવા માટે ત્રણ મિનિટ લાગશે. ૩૫.૫૪ એકરના સમગ્ર બુર્સ પરિસરમાં 15 એકરમાં પંચતત્વ થીમ આધારિત ફક્ત ગાર્ડન એરિયા છે. આ બગીચો વાસ્તુશાસ્ત્ર મુજબ નવ ગ્રહોને આધિન બનાવાયો છે. એક પણ ઓફિસને સૂર્ય પ્રકાશ ન મળે એવું નહીં બને. આદર્શ આર્કિટેક્ચર મુજબ પૂરતું ગણાય એટલું બે ટાવર વચ્ચે અંતર હોવાથી તમામ ઓફિસોને પૂરતો હવા ઉજાસ સૂર્યપ્રકાશ મળી રહે છે. કોઈ પણ વ્યક્તિ વેપારી, મુલાકાતી બુર્સના 9 ટાવર પૈકી કોઈ પણ ટાવરમાંથી એન્ટ્રી કરશે તો પણ કોઈ પણ ઓફિસમાં પહોંચવા માટે માત્ર 3 મિનિટ લાગશે.
વૈશ્વિક નજરાણા સમાન સુરત ડાયમંડ બુર્સની એક ઝલક
- ૬૭,૦૦૦ લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે, આવ-જા કરી શકે એટલી
- ક્ષમતા
- હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ, એન્ટ્રીગેટ પર કાર સ્કેનર્સ
- ૬૭ લાખ સ્કવેર ફુટ બાંધકામ અને ૪૫૦૦ થી વધારે ડાયમંડ ટ્રેડીંગની ઓફિસ
- બિલ્ડીંગ યુટિલીટી સર્વિસીસને મોનિટરીંગ અને કંટ્રોલ કરવા માટે બિલ્ડીંગ મેનેજમેન્ટ
- સિસ્ટમ (BMS)
- ૩૦૦ સ્કવેર ફુટ થી ૧,૦૦,૦૦૦ સ્કવેર ફુટ સુધીની અલગ અલગ સાઈઝની ઓફિસો
- દરેક ટાવરને દરેક ફલોરથી કનેકટ કરતું સ્ટ્રકચર “સ્પાઈન”ની લંબાઈ ૧૪૦૭ ફુટ અને
- પહોળાઈ ઓછામાં ઓછી ૨૪ ફુટ
- ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની સુવિધા
- સ્પાઈનમાં ૪ અલગ અલગ સેફ (લોકર) વોલ્ટની સુવિધા
- દરેક ઓફિસમાંથી ગાર્ડન વ્યુ
- સ્પાઈનના કોમન પેસેજને ઠંડો રાખવા માટે- રેડિયન્ટ કુલીંગ સિસ્ટમ (૩,૪૦,૦૦૦ રનીંગ મીટર પાઈપ)
- ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે સુવિધાઓ
- સંપુર્ણ એલિવેશન: ચારે બાજુથી ગ્રેનાઈટ અને કાચથી કવર
- ફલોર હાઈટ: ગ્રાઉન્ડ ફલોર-૨૧ ફુટ, ઓફિસ-૧૩ ફુટ
- મેઈન સેરમેનીયલ એન્ટ્રીની હાઈટ: ૨૨૯ ફુટ
- ઈલેકટ્રીકલ સિસ્ટમમાં કેબલના સ્થાને BBT (બઝ બાર ટ્રંકિંગ)નો ઉપયોગ
- યુટિલીટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા
- સેન્ટ્રલાઈઝ કુલિંગ સિસ્ટમ (ચીલર અને કુલીંગ ટાવર)
- પ્રત્યેક બે ટાવર વચ્ચે ૬,૦૦૦ સ્કવેર મીટર (૩ વિઘા) જેટલું ગાર્ડન: સ્પાઈનમાં દરેક ફ્લોર પર ગાર્ડન સાથેનું એટ્રીયમ
- દરેક ટાવરમાં લકઝુરીયસ એન્ટ્રન્સ ફોયર
- એક્સેસ કંટ્રોલ સિસ્ટમ – ટચ લેસ અને કાર્ડ લેસ
- ૫૪,૦૦૦ મેટ્રીક ટન લોખંડના સળીયાનો ઉપયોગ
- ૫ લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ
- ૧૧.૨૫ લાખ સ્કવેર ફુટ એલિવેશન ગ્લાસ
- ૧૨ લાખ રનીંગ મીટર, ઈલેકટ્રીકલ અને આઈ.ટી ફાઈબર વાયર, ૫.૫૦ લાખ રનીંગ મીટર
- HVAC, ફાયર ફાઈટીંગ અને પ્લમ્બિંગ પાઈપ
- ૫ એન્ટ્રી, ૫ એક્ઝીટ અને ૭ પેડેસ્ટ્રીયન ગેટ