SURAT

સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીનું મેજિક બોક્સ આજે ખુલશે

સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની વ્યવસ્થાપક સમિતિની 18 બેઠક પૈકી 13 બેઠકો પર ગુરુવારે મતદાન યોજાયું હતું. કુલ 13 મતદાન મથક પર 97.60 ટકા મતદાન થયું હતું. આવતીકાલે શનિવારે શહેરમાં રાંદેર રોડ, નવયુગ કોલેજ પાસે આવેલી બેંકની શાખાના પ્રથમ માળે આવેલા હોલમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. બેંકના ડિરેક્ટર થવા માટે સાંસદ, ધારાસભ્યો, માજી ધારાસભ્યો, સુગર ફેક્ટરીઓના ચેરમેન, ભાજપના જિલ્લા સંગઠનના આગેવાનો સહિત મોટાગજાના ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવતા ચૂંટણી રોચક બની છે.

ખાસ કરીને માંડવી, વ્યારા, ઓલપાડ અન્ય મંડળી, પલસાણા, માંગરોળ, મહુવા, બારડોલી અન્ય મંડળી, સોનગઢ-ઉચ્છલ અને તાપી જિલ્લાની અન્ય મંડળીઓની બેઠક પર મતદાનના દિવસે ભારે રસાકસી જોવા મળી હતી. તે જોતાં 13 પૈકીની આ 9 બેઠકો પર હાર-જીતનું માર્જિન ખુબ ઓછું રહી શકે છે. ત્રણેક બેઠક પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોએ સીધી ટક્કર આપી હતી. 18 પૈકી 5 બેઠક બિન હરીફ થઇ છે.

જેને સત્તાધારી સહકાર પેનલ પોતાની જીત માની રહી છે. જ્યારે પાંચ બેઠકો પર ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો હોવાથી કોઇ મોટો ઉલટફેર નહી થાય તો સત્તા ભાજપ પાસે જ રહેવાની શક્યતા છે. 13 બેઠકો પર સાંસદ પરભુ વસાવા, ધારાસભ્ય પુનાજી ગામિત, સુનીલ ગામિત, સુમુલના ચેરમેન માનસિંહ પટેલ, નેશનલ સુગર ફેડરેશનના વાઇસ ચેરમેન કેતન પટેલ, વ્યારા એપીએમસીના ચેરમેન પ્રવીણ ગામિત,અશેષ ભક્ત સહિતના દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે

બેંકની 18 પૈકી 5 બેઠકો બિનહરીફ થઈ છે

ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની વ્યવસ્થાપક સમિતિની ગઈકાલે ચૂંટણી યોજાઇ હતી. વ્યવસ્થાપક સમિતિની કુલ 18 બેઠકો પૈકી પાંચ બેઠકો બિનહરીફ થઈ હતી. જેમાં સહકાર પેનલમાંથી વર્તમાન પ્રમુખ નરેશ પટેલ અને ઉપપ્રમુખ સંદીપ દેસાઇ, બારડોલી બેઠક પર દીપક પટેલ (અપક્ષ), નયન ભરતીયા અને ઓલપાડ બેઠક પર ધારાસભ્ય મુકેશ પટેલ બિનહરીફ જાહેર થયા હતા. બીજી તરફ 13 બેઠક પર 28 ઉમેદવારોનું ભવિષ્ય દાવ પર લાગ્યું હતું. સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની ચૂંટણીને લઈને ભાજપનું આંતરિક રાજકારણ પણ ગરમાયું હતું.

કેટલીક બેઠકો પર ભાજપ સામે ભાજપના જ અસંતુષ્ટો હોવાથી ચૂંટણી જંગ રોચક બન્યો છે

ખાસ કરીને કેટલીક બેઠકો પર ભાજપ સામે ભાજપના જ અસંતુષ્ટોએ ઝંપલાવતાં આ ચૂંટણી વધુ રસપ્રદ બની હતી. ગઇ કાલે 97.60 ટકા મતદાન થયું હતું. જેમાં ઓલપાડ, માંગરોળ, બારડોલી, ચલથાણ (પલસાણા), વાલોડ, સોનગઢ અને નિઝર તાલુકામાં 100 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે કામરેજમાં 98.36 ટકા, માંડવીમાં 98.02 ટકા, વ્યારામાં 98.29 ટકા, મહુવામાં 97.17 ટકા, જે.પી.રોડ 1 પર 95 ટકા અને જે.પી.રોડ 2 પર 92.01 ટકા મતદાન થયું હતું. કુલ 1418 મતદારોમાંથી 1384 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં 97.60 ટકા મતદાન નોંધાયું હતું. સેવા સહકારી મંડળીઓની આઠ બેઠક પર તેને લીધે 100 ટકા મતદાન થયું હતું. જ્યારે દૂધમંડળીની એક બેઠક પર 98.38 જેટલુ મતદાન થયું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top