સોશ્યલ મિડિયાનાં બાળકો પરના દુષ્પ્રભાવને ધ્યાને લઈને ઓસ્ટ્રેલિયાની સરકારે લીધેલ નિર્ણય બાળકોના હિતમાં હોઈ અભિનંદનીય છે. આ કાયદા અનુસાર હવેથી બાળકો સોશ્યલ મિડિયા એકાઉન્ટ ન બનાવે તેની જવાબદારી માતા-પિતાની રહેશે. ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ દ્વારા રચવામાં આવેલી નિષ્ણાતોની સમિતિ દ્વારા 13 વર્ષ સુધી બાળકોને સ્માર્ટ ફોન ન આપવા અને 18 વર્ષની વય સુધી સોશ્યલ મિડિયાથી દૂર રાખવાની સલાહ આપેલ છે. એક અભ્યાસમાં સોશ્યલ મિડિયાને કારણે 68 ટકા લોકોને ડરામણાં સપનાં આવે છે. 60 ટકા લોકોમાં ચિંતાનું સ્તર વધેલ છે અને 55 ટકા લોકો પૂરતી ઊંઘ લઈ શકતા નથી. આ વળગણને અંગ્રેજીમાં ‘સ્ક્રીન એડિક્શન’કહેવાય છે.
આ સ્ક્રીન એડિક્શન ગંભીર ચિંતાનો વિષય બનેલ છે. મુંબઈની કેઈએમ હોસ્પિટલના એક અભ્યાસમાં એવું તારણ બહાર આવેલ છે કે ડીપ્રેશનથી પીડાતાં અથવા પોતાના વિશે હિણપતની લાગણી ધરાવતાં લોકો પર સ્ક્રીન એડિક્ટ બની જવાનું જોખમ વધુ હોય છે. લગભગ 70 ટકા માતાપિતા એવાં છે કે જેમને બાળકોના વધી રહેલ સ્ક્રીન ટાઈમ કે મોબાઈલ વળગણને કારણે થતા નુકસાનની કોઇ ચિંતા નથી. તેનું કારણ એ છે કે તેઓ આ સમસ્યા વિશે જાગૃત નથી અથવા તો તેમને આ સમસ્યા ગંભીર છે તેવી ખબર નથી. આજે વિશ્વના દેશો સોશ્યલ મિડિયાના પ્રભાવથી ચિંતિત છે અને જરૂરી કડક પગલાંઓ લેતાં થયા છે. આવાં કડક પગલાંઓ આપણા દેશે સત્વરે લેવાનો એ સમય આવી ગયો છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.