તૌકતે વાવાઝોડાએ હાલ પશ્વિમભારતના કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતની ઊંઘ ઉડાવી દીધી છે. વાવાઝોડાના કારણે વ્યાપક નુકસાનની સંભાનના છે. આ વખતે તૌકતે નામ મ્યાનમારે આપ્યું છે જેનો અર્થ ત્યાની સ્થાનિક ભાષામાં મોટા અવાજ વાળી ગરોળી થાય છે. વાવાઝોડાને નામ આપવાનો પણ અનોખો ઇતિહાસ છે.1953 સુધી, ઓસ્ટ્રેલિયામાં ચક્રવાતનાં નામ ભ્રષ્ટ નેતાઓ અને અમેરિકામાં સ્ત્રીઓના નામ જેમ કે કેટરિના, ઇરમા વગેરેના નામ પર રખાતા હતાં, પરંતુ 1979 બાદ એક પુરુષ અને પછી એક સ્ત્રીનું નામ રાખવામાં આવે છે. અમેરિકા દર વર્ષે તોફાનના 21 નામની યાદી તૈયાર કરે છે. જેમાં Q, U, X, Y, Z અક્ષરો પર તોફાનનું નામ રાખવાની પરંપરા નથી. વર્ષમાં 21થી વધુ તોફાન આવે તો અલ્ફા,બીટા,ગામા આધારિત રાખે છે. જે નામોમાં ઓડ-ઈવન પ્રથા અપનાવે છે.
ઓડ વર્ષોમાં તોફાનના નામ સ્ત્રીના નામ પર રાખવામાં આવે છે, જ્યારે ઈવન વર્ષોમાં તોફાનના નામ પુરુષો પર આધારિત હોય છે. ઉત્તર પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાં આપેલા મોટાભાગના નામ વ્યક્તિગત નામો નથી. જોકે કેટલાક નામો ચોક્કસપણે પુરુષો અને સ્ત્રીઓના નામ પર રાખવામાં આવ્યા છે, પરંતુ મોટાભાગના નામ ફૂલો, પ્રાણીઓ, પક્ષીઓ, ઝાડ, ખાદ્ય ચીજોના નામ પર છે. હિંદ મહાસાગર ક્ષેત્રના આઠ દેશો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન અને થાઇલેન્ડ એ ભારતની પહેલ પર 2004થી ચક્રવાત વાવાઝોડાના નામ આપવાની સિસ્ટમ શરૂ કરી હતી. વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન અને એશિયા અને પેસિફિક માટે યુનાઈટેડ નેશન્સ ઇકોનોમિક અને સોશિયલ કમિશન દ્વારા વર્ષ 2000માં ચક્રવાતી તોફાનોને નામ આપવાનું શરૂ કરાયું હતું. ઉત્તર હિંદ મહાસાગરમાં આવતા વાવાઝોડાઓનું નામકરણ ભારત મોસમ વિભાગ કરે છે.
ભારતે અગ્નિ, વીજળી, મેઘ, સાગર, આકાશ જેવા નામ આપ્યા છે, પાકિસ્તાને નિલોફર, બુલબુલ અને તિતલી જેવા નામ આપ્યા છે. આ નામોમાંથી વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન તોફાનનું નામ રાખે છે. આ તો વાત થઇ વાવાઝોડાંના નામની પરંતુ દુનિયા હાલમાં મંગળ સુધી પહોંચી ગઇ છે પરંતુ વાવાઝોડા અને ભૂકંપનો કોઇ તોડ શોધી નથી શકી. વાવાઝોડાની તો આગાહી થાય છે પરંતુ ભૂકંપની તો આગાહી પણ થઇ નથી શકતી. વાવાઝોડું આકાર લેવાનું શરૂ કરે ત્યારથી જ તેની જાણકારી મળી જાય છે પરંતુ કમનસીબી એ છે કે, તેને રોકવાનો કે તેની ગતિ મંદ કરવાનો તોડ હજી સુધી દુનિયાના કોઇ દેશ શોધી શક્યા નથી. મંગળ પર પાણી છે કે કેમ તેના માટે વર્ષોથી અબજો રૂપિયા ખર્ચાઇ રહ્યાં છે પરંતુ વાવાઝોડાને ધીમું પાડવું કે તેનું વમળ તોડી નાંખવું તેના પાછળ હજી સુધી કોઇ સફળ સંશોધન થયા નથી. જો વાવાઝોડું આવવાનું હોય તો વધારેમાં વધારે સરકાર સાવચેતીના પગલાં લઇ શકે છે જેમકે દરિયાકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી લે છે. માછીમારી કરવા ગયેલી બોટોને પરત બોલાવી દે છે પરંતુ તેનાથી જાનનું નુકસાન તો અટકાવી શકાય છે પરંતુ માલનું નુકસાન કોઇકાળે બચાવી શકાતું નથી. લોકોના ઉભા પાક નષ્ટ થઇ જાય છે.
મકાનોના મકાનો ધ્વસ્ત થઇ જાય છે. મકાનોના છાપરા ઉડી જાય છે. મકાનો પર વૃક્ષો તુટી પડે છે. કેટલાક સ્થળોએ પાણી ફરી વળે છે. તેને અટકાવવા માટે કોઇપણ દેશ પાસે કોઇ જ શોધ નથી. જ્યારે વાવાઝોડું આવવાનું હોય ત્યારે ઘરની ચકાસણી કરો અને બારી-બારણાંનું રિપેરિંગ કરી લો,ઘરની નજીકના સૂકાયેલાં વૃક્ષોની નકામી ડાળીઓને દૂર કરો, લાકડાનો ઢગલો, ટીન શીટ્સ, છૂટ્ટી ઇંટો, કચરાનાં કેન, સાઇન બોર્ડ્ઝ વગેરે તીવ્ર પવનમાં ઊડી જાય તેવી ચીજવસ્તુઓને બાંધી દો, લાકડાનાં કેટલાંક પાટિયાં તૈયાર રાખો, જેથી જરૂર પડ્યે કાચની બારીઓને તેના વડે ઢાંકી શકાય.ફાનસમાં કેરોસીન ભરી રાખો, બેટરીથી ચાલતી ટોર્ચ અને પૂરતા પ્રમાણમાં નવા સેલ હાથવગા રાખો, નકામી ઇમારતોને ધરાશયી કરી દો, જનરેટરનની વ્યવસ્થા કરો આવા સાવચેતીના પગલાં અંગે ચોક્કસ સલાહ આપવામાં આવે છે પરંતુ વાવાઝોડાને મંદ પાડવાનો કે તેને અટકાવવાનો તો હજી સુધી દુનિયા શોધી શકી નથી.