નવી દિલ્હી: અમેરિકાના પશ્ચિમ કિનારે એક મોટો ખતરો તોળાઈ રહ્યો છે. વાનકુવર, સિએટલ, વોશિંગ્ટન, ઓરેગોન અને સાન ફ્રાન્સિસ્કોમાં 9ની તીવ્રતાના ભૂકંપનું જોખમ છે. આ એક મહાન ભૂકંપ હશે, જે કેલિફોર્નિયાના સાન એન્ડ્રીઆસ ભૂકંપ કરતા અનેક ગણો વધુ શક્તિશાળી હોઈ શકે છે. જેના કારણે ભારે વિનાશ થવાની આશંકા છે.
અમેરિકાના પશ્ચિમ કિનારે સમુદ્રની નીચે અંડરવોટર ફોલ્ટ લાઇન છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે આ ફોલ્ટલાઈન કોઈપણ દિવસે ભયાનક ભૂકંપ અને સુનામીનું કારણ બની શકે છે. આ ફોલ્ટ લાઇન 600 માઇલ એટલે કે લગભગ 966 કિલોમીટર લાંબી છે. દક્ષિણ કેનેડાથી ઉત્તરી કેલિફોર્નિયા સુધી તે ફેલાયેલી છે.
વૈજ્ઞાનિકોએ તાજેતરમાં આ દરિયાઈ વિસ્તારનો નકશો બનાવ્યો છે. પાણીની અંદર મેપિંગ કર્યું છે. આ વિસ્તારને કાસ્કેડિયા સબડક્શન ઝોન કહેવામાં આવે છે. સામાન્ય રીતે ફોલ્ટ લાઇન બે ભાગમાં વહેંચાયેલી હોય છે. પરંતુ આ ફોલ્ટ લાઇન ચાર ભાગમાં વહેંચાઈ રહી છે. આ મોટા જોખમની નિશાની છે.
જો અહીં ટેક્ટોનિક પ્લેટ્સમાં સહેજ પણ હલચલ થાય તો આ ફોલ્ટ લાઇન જમીનની ઉપરની સપાટી પર મોટા પ્રમાણમાં વિનાશ સર્જશે. જેના કારણે એક પછી એક ભૂકંપના વધુ તીવ્રતાના આંચકા આવવાની શક્યતા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કાસ્કેડિયા સબડક્શન ઝોનમાં એટલી તાકાત છે કે તે 9 થી વધુની તીવ્રતાનો ભૂકંપ લાવી શકે છે.
કેલિફોર્નિયાની સાન એન્ડ્રેસ ફોલ્ટ લાઇનમાં 8.3ની તીવ્રતાનો ભૂકંપ આવવાની શક્તિ છે. હવે સવાલ એ થાય છે કે જો અમેરિકાના પશ્ચિમ કિનારે 9ની તીવ્રતાનો ભૂકંપ આવે તો તેની શું અસર થશે? કેટલો વિનાશ થશે? અમેરિકાના પશ્ચિમ કિનારે 100 ફૂટ કે તેથી વધુ ઊંચા સુનામીના મોજા ઉછળશે.
આના કારણે 10 હજાર લોકોના મોતની આશંકા છે. આ સિવાય એકલા ઓરેગોન અને વોશિંગ્ટનમાં 80 અબજ ડોલર એટલે કે 6.68 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થશે. એટલું જ નહીં આ પછી સ્થિર પાણીના કારણે ફેલાતી બીમારીઓને કારણે અનેક લોકોના મોત થશે. અહીં-તહીં વિખરાયેલાં મૃતદેહોને કારણે રોગો વધશે.