Business

પુનર્જન્મની વૈજ્ઞાનિક સાબિતીઓ મળે છે

ગ્લોરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સીસના  ક્લિનિકલ સાઇકોલોજી વિભાગના પ્રોફેસર સતવંત પશ્રિચાએ ઇ.સ. ૧૯૭૪થી લઇ અત્યાર સુધીમાં પુનર્જન્મના ૫૦૦ જેટલા કિસ્સાઓનું પરીક્ષણ કર્યું છે. તેમના અનુભવ મુજબ જે વ્યક્તિઓનું મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે, અકસ્માતમાં, ખૂનને કારણે કે આઘાતને કારણે થયું હોય તેમને પોતાનો પૂર્વભવ યાદ હોય તેવી સંભાવના વધી જાય છે.

૧૯૮૬માં સતવંત પશ્રિચાએ અમેરિકાના ઇયાન સ્ટિવન્સન નામના વિજ્ઞાની સાથે મળીને પૂર્વજન્મના ૧૬ કિસ્સાઓનું સંકલન કર્યું હતું, જે હેવાલ અમેરિકાના ‘જર્નલ ઓફ ધ અમેરિકન સોસાયટી ફોર સાઇકિકલ રિસર્ચ’માં પ્રગટ થયો હતો. પ્રોફેસર સતવંત કહે છે કે, તેમના સંશોધન માટે તેઓ માનવના બે પ્રકારના શરીરની થિયરીમાં માને છે. એક તેનું ભૌતિક શરીર હોય છે અને બીજું અભૌતિક શરીર હોય છે. માણસ જ્યારે મરે છે ત્યારે તેના ભૌતિક શરીરનો નાશ થાય છે પણ અભૌતિક શરીર તેમાંથી નીકળીને બીજા ભૌતિક શરીરમાં દાખલ થાય છે. ડૉ. સતવંતનો  દાવો છે કે તેમણે જે ૫૦૦ કિસ્સાઓની ચકાસણી કરી તેમાંના ૭૭ ટકા કિસ્સાઓ સાચા હતા.

અમેરિકાની વર્જીનિયા યુનિવર્સિટીના માનસશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ વડા ડૉ. ઇયાન સ્ટીવન્સન પુનર્જન્મના વૈજ્ઞાનિક ગુરુ ગણાય છે. તેમણે પોતાના ૪૦ વર્ષના અભ્યાસમાં પુનર્જન્મના ૩,૦૦૦ જેટલા કિસ્સાઓ એકઠા કર્યા છે. તેઓ બાળકનું નિવેદન નોંધે છે અને બાળક જે વ્યક્તિનો અવતાર હોવાનો દાવો કરે છે, તેની વિગતો પણ નોંધે છે અને તેની ચકાસણી કરે છે. આમ કરતી વખતે તેઓ બાળકના શરીર ઉપરની ઇજાઓ અને જન્મની નિશાનીઓની પણ નોંધ કરે છે. આ નિશાનીઓનો સંબંધ તેમને આગલા જન્મમાં થયેલી કોઇ ઇજા અથવા અકસ્માત સાથે મળી આવે છે.

બેંગ્લોરનાં પ્રોફેસર સતવંતે ડૉ. ઇયાન સ્ટીવન્સનના સહકારમાં કામ કર્યું છે. પ્રોફેસર સતવંતનું ‘રિઇન્કાર્નેશન: એન ઇમ્પિરિકલ સ્ટડી ઓફ કેસીઝ ઇન ઇન્ડિયા’ નામનું પુસ્તક બહુ પ્રશંસા પામ્યું છે. કેટલાંક બાળકોમાં જન્મથી જે નિશાનીઓ હોય છે, તેનો સંબંધ તેમના પૂર્વભવ સાથે હોય છે, એ બાબતમાં પણ ડૉ. ઇયાન સ્ટીવન્સને ખૂબ સંશોધન કર્યું છે. ઇ.સ. ૧૯૯૨માં અમેરિકામાં ભરાયેલી એક વિજ્ઞાન પરિષદમાં તેમણે આ પ્રકારના ૨૧૦ કિસ્સાઓની વિગતો રજૂ કરી હતી.

તેમણે નિરીક્ષણ કર્યું હતું કે ગયા ભવમાં જે જગ્યાએ ઇજા થઇ હોય ત્યાં આ ભવમાં ચામડી ઉપર વાળ નથી આવતા અથવા તેનો રંગ સફેદ રહી જાય છે. તેમાં પણ માણસને મૃત્યુ સમયે જે ઇજા થઇ હોય તે તો અચૂક તેના બીજા ભવમાં નિશાની તરીકે રહી જાય છે. ડૉ. સ્ટીવન્સને એવાં અનેક બાળકોનાં નિવેદનો નોંધ્યાં હતાં, જેમને પોતાનો પૂર્વજન્મ યાદ હોય. આ બાળકોના શરીર ઉપર જન્મ સમયે દેખાતી નિશાનીઓ બાબતમાં તેમણે પૂર્વભવના સ્વજનો સાથે વાત કરતાં મોટા ભાગના કિસ્સાઓમાં સામ્ય જોવા મળ્યું હતું.

બાગપત જિલ્લાના બાદલ ગામમાં તનુ અને મનુ નામનાં પાંચ વર્ષની ઉંમરનાં બે જોડિયાં ભાઇબહેન રહે છે. આ બાળકો ગામમાં ક્યાંય પણ ટ્રેક્ટર જુએ કે ભયભીત થઇ જાય છે અને ભાગી જવાની કોશિશ કરે છે. તેઓ આવું વર્તન શા માટે કરે છે તેનો ખ્યાલ તેમનાં માબાપને પણ આવતો નહોતો. એક વર્ષ અગાઉ તેઓ કહેવા લાગ્યાં કે તેઓ ગયા ભવમાં પણ જોડિયાં બાળકો જ હતાં. એક વખત  તેઓ ટ્રેક્ટરમાં પોતાના ખેતરે જઇ રહ્યાં હતાં ત્યારે તેમનું ખૂન કરી નાંખવામાં આવ્યું હતું.

તપાસ કરતાં ખબર પડી કે નજીકના એક ગામમાં બરાબર છ વર્ષ અગાઉ એક ઘટના બની હતી, જેમાં બે પરિવાર વચ્ચેનાં ધિંગાણાંમાં એક ડઝન કરતાં વધુ લોકોની હત્યા કરી નાંખવામાં આવી હતી. મરનારાઓમાં એક જોડિયાં ભાઇબહેનનો પણ સમાવેશ થતો હતો. તનુ અને મનુના જણાવ્યા મુજબ હત્યારાઓએ બહેનને ભાઇથી અલગ થઇ જવાની તાકીદ કરી હતી પણ બહેન પોતાના ભાઇને બચાવવા વચ્ચે આવી ત્યારે તેના શરીરમાં પણ ગોળીઓ ધરબી દેવામાં આવી હતી. તનુનો દેખાવ ખૂન કરવામાં આવેલી છોકરી જેવો છે.

મનુ બોલવામાં ખચકાય છે  કારણ કે ખૂન કરનારે તેના મોંઢામાં ગોળીઓ ઝીંકી દીધી હતી. ડૉ. ઇયાન સ્ટીવન્સને એવા અનેક કિસ્સાઓ વિદેશમાં શોધી કાઢ્યા છે, જેમાં ખ્રિસ્તી પરિવારમાં જન્મેલા લોકો પણ પોતાના પૂર્વજન્મની સ્મૃતિ ધરાવતા હોય છે, જે વાત તેમના ધર્મના સિદ્ધાંતોથી બિલકુલ વિરુદ્ધની છે. પ્રોફેસર સતવંતે પણ એવા ૨૬ કિસ્સાઓ શોધી કાઢ્યા છે, જેમાં ભારતના મુસ્લિમ પરિવારમાં જન્મેલા લોકો પોતાના પૂર્વજન્મની વાત કરતા હોય. આવા કિસ્સાઓમાં ૧૯ કિસ્સાઓ મુસ્લિમ મરીને મુસ્લિમ બન્યા હોય તેવા અને સાત કિસ્સાઓ હિન્દુ મરીને મુસ્લિમ પરિવારમાં જન્મે તેવા છે.  આ બધા જ કિસ્સાઓ વૈજ્ઞાનિક રીતે સાબિત થઇ ગયા છે.

Most Popular

To Top