Feature Stories

સ્કૂલના ટેરેસ અને ગ્રાઉન્ડ બન્યા – ઔષધીય વનસ્પતિઓના બાગ

કોરોનાના ભયંકર દિવસો કોઈ ભૂલી નહીં શકે. આ ભયંકર બનેલી બીમારીએ લોકોને ઔષધીય વનસ્પતિઓનું મહત્વ સમજાવી દીધું હતું. કોરોનાનામાં ઉકાળનું મહત્વ વધી ગયું હતું એટલે તે સમયે નવરાશના સમયમાં ઘરની ટેરેસને સુરતીઓએ ઔષધીય વનસ્પતિના બાગમાં પરિવર્તિત કરી દીધા હતા. તો શહેરમાં એવા ઘણા શિક્ષકો છે જે બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નથી આપતા, પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગી વિષયોનું જ્ઞાન પણ આપે છે. તો આજે આપણે મળીશું એવા સુરતીઓને જેઓ જરૂરીયાતે જ એલોપથી દવા કરે છે પણ આજના સમયમાં આપણા પુરાણા ઔષધો તરફ વળ્યાં છે.

જ્યુસ બનાવીને પીએ છીએ : ક્ષમા પટેલ
ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા 39 વર્ષીય ક્ષમા પટેલનું કહેવું છે કે મારા પરિવારે ટેરેસ ગાર્ડન બનાવ્યું છે. મને ટેરેસ ગાર્ડનનો શોખ પણ છે. કોરોનાના ફ્રી સમયમાં ટેરેસના એક કોર્નરમાં ઔષધીય વનસ્પતિઓના છોડોને સ્થાન આપ્યું. આ ઔષધીય વનસ્પતિમાં તુલસી, ફુદીનો, લેમન ગ્રાસ, અરડૂસી, અજમો, તુલસી, મીઠો લીંબડો, લીલી ચા, જાસૂદ, એલોવેરા, પારિજાત શામિલ છે. ઔષધીય વનસ્પતિના પાંદડાને જ્યુસમાં નાખીને પીએ છીએ. રોજ સવારે આ અમારો ક્રમ હોય છે. પડોસીઓને પણ આ વનસ્પતિના પાન આપીએ છીએ. ઘરમાં કોઈને ખાંસી, શરદી, ઉધરસ થઈ હોય તો ઉપયોગી ઔષધીય વનસ્પતિના પાનનો ઉપયોગ કરીએ છીએ અને અમને ડોક્ટર પાસે જવાની ઓછી જરૂર પડે છે.

સ્કૂલ ગ્રાઉન્ડના કોર્નરને બનાવ્યું મેડિસિન પ્લાંટનું બાગ : આચાર્ય નરેન્દ્ર પટેલ
કરંજ વિસ્તારમાં સ્થિત કવિ સુંદરમ પ્રાથમિક શાળા નંબર 24ના આચાર્ય નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે જૂન – 2021માં મેં શિક્ષકોની મદદથી શાળાના ગ્રાઉન્ડના એક કોર્નરમાં ઔષધીય વનસ્પતિનું બાગ બનાવ્યું. તેમાં 40 જેટલા ઔષધીય રોપા લગાવ્યા હતા. દરેક છોડ પાસે બોર્ડ પર છોડનું નામ લખેલું છે. છોડની બહારની સાઇડમાં છોડનું ચિત્ર અને તેના ઉપયોગ બતાવેલા છે. કોરોનાના સમયમાં અમે એક ટ્રસ્ટના સહયોગથી ઉકાળો લાવીને લોકોને આપતા. વિદ્યાર્થીઓના માતાપિતા અને રોડ પર ચાલનારા લોકોને ઉકાળો આપતા. પછી સ્કૂલના ગ્રાઉન્ડમાં જ ઔષધીય વનસ્પતિનું બાગ બનાવ્યું. 40 છોડમાં લીંબુડી, સાદી તુલસી, વિક્સ તુલસી તેના પાંદડાનો સ્વાદ વિક્સ જેવો આવે, પાનફૂટી, લીલી ચા, એલોવેરા, શતાવરી, અશ્વગંધા, દમ વેલ, ફુદીનો, અરડૂસી, અજમો, નાગરવેલ, સરગવો, જાસૂદ, મીઠો લીમડો, આંબળા, ગુલાબના છોડ છે. લોકો માંગે તો અમે આ છોડના પાન આપીએ છીએ. તુલસીના રોપાનું ખાસ વિતરણ કરીએ છીએ.

એલોવેરાનો જ્યુસ સ્વસ્થ રાખે છે : કોર્પોરેટર રેશમા લાપસીવાલા
ગોપીપુરા વિસ્તારમાં રહેતા કોર્પોરેટર રેશમાબેન લાપસીવાલાએ જણાવ્યું કે મેં અને મારા પતિ રૂપેશ લાપસીવાલાએ 20 વર્ષ પહેલા અમારા આશિયાનાની છત પર નાનકડો બગીચો બનાવ્યો છે. જેમાં 40 થી 50 છોડ છે. ઔષધીય ગુણ ધરાવતા છોડ પણ છે. તુલસી, એલોવીરા, કરેણ, ગણેશ ચંપો, ઓક્સીજન પ્લાન્ટ્સ, જેમાં સ્નેક પ્લાન્ટ, મનીવેલ, એરિકા પામ, સ્પાઇડર પ્લાંટ, એગ્ઝોરા પ્લાન્ટ છે. એલોવેરાના 6 થી 7 પ્લાંટ છે. અરડુસી, ગળો, લીલી ચા, મીઠો લીમડો પણ છે. ઘરના બધા જ સભ્યો એલોવેરા અને આંબળાનું જ્યુસ રોજ પીએ છીએ. શરદી, ખાંસી થાય તો આ ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ, એટલે ડૉક્ટર પાસે જવાની ઓછી જરૂર પડે છે.

વિદ્યાર્થીઓને ઔષધીય વનસ્પતિઓનું જ્ઞાન આપવા ટેરેસને ગાર્ડન બનાવ્યું : આચાર્ય ગૌતમ ખસિયા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછા સ્થિત આચાર્ય ગૌતમ ખસિયાએ જણાવ્યું કે પર્યાવરણીય પ્રયોગ શાળા પ્રોજેક્ટ અંતર્ગત મેં અને સ્કૂલના શિક્ષકોએ આ શાળાના પ્રથમ માળ પરની છતને ઔષધીય બાગમાં પરિવર્તિત કર્યું છે. કોરોના કાળ દરમિયાન બાળકોને ઓનલાઈન ભણાવવાની સાથે જ્યારે ફુરસદનો સમય મળ્યો ત્યારે મેં આ ઔષધીય બાગ બનાવ્યું. આ ઔષધીય બાગમાં 33 પ્રકારના ઔષધીય ગુણ ધરાવતા રોપા વાવેલા હતાં. આ છોડમાં તુલસી, શતાવરી, લીલી ચા, એલોવેરા, જાસૂદ, મીઠો લીમડો, ગુલાબ, ચમેલી, બીલીપત્ર, રુદ્રાક્ષ, નાગરવેલ વગેરેના છોડ વાવ્યા છે. ટેરેસની દીવાલ પર દરેક છોડના નામ અને તેમના ઔષધીય ગુણો વિશે લખવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું આ રીતે જ્ઞાન વધારવામાં આવી રહ્યું છે. શાળાની ટેરેસ પરના ઔષધીય બાગના બીલીપત્ર શ્રાવણ મહિનામાં સ્કૂલની આસપાસની સોસાયટીની મહિલાઓને આપવામાં આવે છે અને લોકોને પર્યાવરણીય જતનના સંદેશ આપવામાં આવે છે.

Most Popular

To Top