સુરત મહાનગરપાલિકા સંચાલિત અડાજણ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં રહેલી ગંદકીની ફરિયાદ આજુબાજુનાં રહીશો દ્વારા પોલીસ કમિશ્નરને કરવામાં આવી. સુરત શહેર સમગ્ર દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે હોય ત્યારે તો સુ.મ.પા. માટે ખરેખર દુઃખદ અને શરમજનક ઘટના ગણી શકાય. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે શાળા સ્વચ્છતાની જવાબદારી કોની? શાળાના આચાર્ય-શિક્ષક-વિદ્યાર્થી-વાલીની, નગરપાલિકા શિક્ષણ સમિતિની, આજુબાજુનાં રહીશોની કે જેમને ફરિયાદ કરવી પડી એવા પોલીસ કમિશ્નરની? બીજી ખાસ બાબત તો એ છે કે શાળાના કમ્પાઉન્ડમાં રહેલી ગંદકીની ફરિયાદ આજુબાજુનાં રહીશોએ કેમ અને ક્યારે પોલીસ કમિશ્નરને કરવી પડી?
શું શાળા દ્વારા, ન.પા. શિક્ષણ સમિતિ દ્વારા આવી ફરિયાદનો યોગ્ય પ્રત્યુત્તર ન મળ્યો હશે? કે પછી જેમની જવાબદારી છે એમને છાવરવામાં આવ્યા હશે. ખેર, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના પ્રશ્ન સાથે આવા બીજા અનેક પ્રશ્નો ઊભા થાય છે. સુરત કામરેજના ધારાસભ્ય અને ગુજરાતના રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ એક શાળાની મુલાકાત દરમ્યાન શૌચાલય સફાઈનું કાર્ય કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આવા પ્રેરક કાર્યમાંથી પણ બોધપાઠ લેવાનું ચૂકી જવાયું હોય એમ લાગે છે. આપણે આશા રાખીએ કે વહીવટને લાગતી આવી ઘટના ફરી ન બને.
સુરત – મિતેશ પારેખઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ત્રણ અવસ્થાઓ
જે બાળકને શૈશવ અવસ્થામાં ખેલવા-કૂદવાનું ન ગમે, એને રમતગમત, ભણવા-ગણવા, તોફાનમસ્તીનો નિર્દોષ આનંદ લૂંટવાની તક ન મળે, વ્યાયામ, કસરતના દાવોથી શરીરને સુદૃઢ બનાવવાનો અવસર ન મળે તેનું બાળપણ નકામું ગયું કહેવાય. યૌવન એટલે તરવરાટ, તલસાટ, ઉત્સાહ, ઉમંગ, ખુમારીનો સરવાળો. જે યુવાનોને આ ઉંમરે કંઇ સારું સાહસ કે પરાક્રમ કરવાની ઇચ્છા ન થાય, કંઇક સારું કરી બતાવવાની મહત્ત્વાકાંક્ષા ન હોય ને કેવળ મોજમજા કે આનંદપ્રમોદમાં જ એની યુવાની વેડફાઇ જાય તો એનું યૌવન નકામું ગયું કહેવાય. વૃધ્ધાવસ્થાનું મુખ્ય લક્ષણ સાધુતા છે. વૃધ્ધ માનવી જો સેવાભાવી, પરોપકારીને પરદુ:ખભંજક ન બને, એના વર્ષો જૂના જ્ઞાનનો સમાજને લાભ ન મળે અને સંયમી, સાદું, સાત્ત્વિક જીવન ન જીવી શકે તો એનું ઘડપણ પણ ‘ધોળામાં ધૂળ’ પડયા જેવું કહેવાય. મહત્ત્વ છે દરેકે આ અવસ્થાઓને શોભે એ રીતે જીવવું જોઇએ.
બામણિયા – મુકેશ બી. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે