SURAT

કોરોના માત્ર ખાનગી પ્રાથમિક શાળાઓમાં જ આવશે, સરકારી શાળાઓમાં નહીં આવે?

સુરત: સરકારી પ્રાથમિક શાળાઓ (Primary school)ને શેરી શિક્ષણ (education)ના નામે પ્રત્યક્ષ (Offline) શિક્ષણની પરવાનગી આપી હોવાનું બહાર આવતાં સ્વનિર્ભર શાળા સંચાલકોએ મોરચો ખોલી દીધો છે.

તાજેતરમાં જ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી (education minister) અને શિક્ષણ સચિવને પત્ર (Letter) લખવામાં આવ્યો હતો કે, કોરોના સંક્રમણથી વિદ્યાર્થીઓના બચાવવા સરકાર દ્વારા ઘણા સમયથી શાળાઓ બંધ રાખવામાં આવ્યા બાદ, હાલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પ્રાથમિક શાળાઓને પ્રત્યક્ષ શિક્ષણ માટે પરવાનગી આપવામાં આવી નથી. પરંતુ સરકારી પ્રાથમિક શાળાઓમાં છેલ્લા ઘણા સમયથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જેને લઇ વિવાદ વકર્યો છે.

મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું હતું કે, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કોરોનાનો બનાવ ન બને તેની કાળજી સાથે વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. પ્રાથમિક વિભાગ પણ તબક્કાવાર શરૂ કરવા માટે સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા પક્ષપાતીભર્યુ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. મહામંડળે પ્રશ્ન કર્યો હતો કે આવો પક્ષપાત શા માટે ? ખાનગી ટ્યુશન ક્લાસિસને પણ મંજૂરી છે. જે ઓછા સંસાધનોથી ચલાવવામાં આવતા હોય છે. જ્યારે શાળાઓ પાસે પૂરતાં સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. તેમ છતાં ખાનગી પ્રાથમિક શાળાઓની કોઈને કોઇ કારણોસર અવગણના કરવામાં આવી રહી છે. જે ખાનગી શાળાઓ અને તેમના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે અન્યાય છે. મંડળનું દ્રઢ પણે માનવું છે કે, પંદર વર્ષ જેટલું આ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષકનું નુકસાન થયું છે અને તેમના માટે અભ્યાસના આ વર્ષો પણ અગત્યનું હોય છે. આથી ખાનગી પ્રાથમિક શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા સરકાર પાસે માંગ કરવામાં આવી હતી.

શું કોરોના માત્ર ખાનગી શાળાઓમાં જ આવશે, સરકારી શાળાઓમાં નહીં? : ડો.દીપક રાજ્યગુરુ
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત પ્રદેશ પ્રવક્તા ડો.દીપક રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, સરકારી શાળાઓમાં એસઓપીનું પાલન થઈ રહ્યું છે? તસવીરો સરકારી શાળા દ્વારા ચાલતા શેરી શિક્ષણની છે. સરકારી તંત્રે જાગવું જોઈએ. કોરોના માત્ર ખાનગી પ્રાથમિક શાળાઓમાં જ આવશે, સરકારી શાળાઓમાં નહીં આવે? આ વેધક પ્રશ્નો સમાજના ગરીબ અને પછાત વર્ગના બાળકો વતી કોણ પૂછશે?

Most Popular

To Top