સુરત: (Surat) લાંબા વેકેશન બાદ સોમવારથી સુરતમાં 9 થી 11માં ધોરણનું ઓફલાઈન શિક્ષણ (Offline Education) ફરી શરૂ કરાયું છે. વાલીઓની સહમતી સાથે 50 ટકા હાજરી સાથે શાળાઓ શરૂ થઈ છે. લાંબા સમય બાદ શાળાએ જવા માટે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે સ્કૂલોએ વિદ્યાર્થીઓને (Students) કડક ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે. વાલીઓની સંમતિ સાથે વિદ્યાર્થીઓ સ્કૂલે (School) પહોંચ્યા હતાં. કોરોના કાળમાં સાવચેતીને પગલે કેટલીક સ્કૂલોએ રિસેસ આપવાની પણ ના પાડી છે. શાળાઓમાં પ્રવેશ સાથે વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવામાં આવ્યું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરાવવામાં આવી રહ્યું છે કે નહીં તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી. ફરજિયાત માસ્ક (Mask) અને સેનેટાઈઝરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કોવિડ ગાઈડલાઈન પ્રમાણે એક કલાસમાં 25થી વધુ વિદ્યાર્થીઓ બેસાડવાના નથી. જેને લઈ શાળાના સંચાલકોએ ધોરણ 9થી12ના વિદ્યાર્થીઓના ઓફલાઈન શિક્ષણ માટે ઓડ ઇવન ફોર્મ્યુલા અપનાવી છે. સાથે જ જે વાલીઓ (parents) પોતાના બાળકને શાળાએ મોકલવા સહમત નથી તેવા બાળકો માટે સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ (Online Education) પણ ફરજીયાત ચાલુ રાખવાનો આદેશ પણ શિક્ષણ વિભાગ દ્વારા કરાયો છે. બીજી તરફ સ્કૂલ ના પહેલા દિવસે કોરોના માં મૃત્યુ પામેલા લોકો માટે પ્રાથનાં કરવામાં આવી હતી. બાળકો એ કોરોના માં મૃત્યુ પામેલાં લોકોને ને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ઓડ ઇવન પદ્ધતિથી બાળકોને બોલાવાશે, બેઠક વ્યવસ્થા પણ હશે ખાસ
ડીઇઓએ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને આસિ. ઇન્સ્પેક્ટરોને સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા આદેશ કર્યો છે. શાળાના સંચાલકોએ ધોરણ 9થી12ના વિદ્યાર્થીઓના ઓફલાઈન શિક્ષણ માટે ઓડ ઇવન ફોર્મ્યુલા અપનાવી છે. સાથે જ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા પણ અલગ હશે જેના કારણે એક બેંચ પર ફક્ત એક જ વિદ્યાર્થી બેસે તેવું આયોજન કરાયું છે.
વિદ્યાર્થીઓમાં ઉત્સાહ
ઘણા લાંબા સમય બાદ શાળામાં આવેલા વિદ્યાર્થીઓનું ફૂલ આપી સ્વાગત કરાયું હતું. વિદ્યાર્થીઓએ શાળાએ પહોંચીને ખુશી વ્યક્ત કરી હતી. ખાસ કરીને તેઓ લાંબા સમય બાદ પોતાના મિત્રોને મળ્યા હોવાનો આનંદ તેમના ચેહરા પર દેખાયો હતો. કલાસમેટને ઓનલાઈન કરતાં ઓફલાઈન મળવાની અને શિક્ષણ મેળવવાની મજા જ કંઈક અલગ હોય છે તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે 22 જુલાઇના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીની મિટીંગમાં રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે.