SURAT

તંત્રનો દેખાડો: બધી પરમીશન હોવા છતાં પુણા ગામની સ્કૂલને સીલ માર્યું, સંચાલકો વિફર્યા

સુરત: રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ હાઈકોર્ટે કાન આમળતા તંત્ર દોડતું થયું છે. ચોપડે કામગીરી બતાવવા માટે અધિકારીઓ આડેધડ સીલ મારવા માંડ્યા છે. બધી મંજૂરી હોવા છતાં અધિકારીઓ સીલ મારી રહ્યાં હોવાનો એક બનાવ સામે આવ્યો છે.

સુરતના પુણા વિસ્તારની એક શાળાને આજે બુધવારે સુરત મનપાના ફાયર વિભાગે સીલ માર્યું હતું. પોલીસની ટીમને સાથે રાખી ફાયરે સીલ માર્યું હતું. આ સીલીંગ કાર્યવાહીનો શાળાના સંચાલકોએ વિરોધ કર્યો હતો.

શાળા સંચાલકોએ કહ્યું કે, અમારી પાસે બધા જ પ્રકારની પરમીશન છે. અમે તમામ નિયમોનું પાલન કર્યું છે. તેમ છતાં સીલ મારવામાં આવ્યું છે. ઉપરી અધિકારીઓ સમક્ષ કામગીરી બતાવવા માટે અમારી સ્કૂલને સીલ મારવામાં આવ્યું છે.

સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મારતા વિરોધ કરતાં જોવા મળ્યાં હતાં. પુણાગામ વિસ્તારમાં ફાયર અને પાલિકાની કામગીરી કરવામાં આવી હતી. જેનો ખાનગી શાળા મંડળ સંચાલક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ફાયરની એનઓસી હોવા છતાં બિલ્ડીંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઇ હોવાના આક્ષેપ કરાયો હતો.

છેલ્લા 20 જેટલા વર્ષોથી ઊભેલી શાળાઓ તાત્કાલિક સીલ કરાયા હતાં. પાલિકા કમિશનર અને કલેક્ટર પોતાનું પદ બચાવવા માટે કામગીરી કરાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના ભવિષ્યની અમને ચિંતા છે. એટલે તમામ સગવડ રાખી છે તેમ કહેતા શાળા સંચાલક મંડળે કહ્યું કે, જ્યાં સુધી તમામ શાળાઓના સીલ નહીં ખુલે, ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખી વિરોધ કરાશે. બાળકોનું એજ્યુકેશન બગડે તો તેની તમામ જવાબદારી અધિકારીઓની રહેશે.

નોંધનીય છે કે ગયા શનિવારે તા. 25 મેના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગજનીનો બનાવ બન્યો હતો, જેમાં 28 નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે. આ ગેમ ઝોન પરમીશન વિના ધમધમી રહ્યું હતું. આગની ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કેસ દાખલ કરી ગુજરાત સરકાર અને રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, મનપા કમિશનરોને ફાયર સેફ્ટી મામલે કાર્યવાહી કરવા આદેશ કર્યા છે, તેના પગલે આખાય રાજ્યમાં ફાયર સેફ્ટી ન હોય તેવી ઈમારતો સીલ કરવામાં આવી રહી છે અને ફાયર એનઓસી નહીં લેનારાઓ સામે ગુનો નોંધાઈ રહ્યો છે.

Most Popular

To Top