નર્સરી,જુનિયર અને સિનિયર વિભાગમાં કે ધોરણ એકમાં શાળામાં પ્રવેશ મેળવવા માટે એક દોડ શરૂ થઈ ગઈ છે.વાલીઓ શાળા વિશે સમાજમાંથી,સગાંવહાલાં કે સંબંધીઓ પાસેથી સાંભળેલી વાતોના અનુસંધાને પોતાના સંતાનને એ જ શાળામાં પ્રવેશ માટે પ્રયત્નો આદરે છે.’બાય હૂક ઓર કૂક’એ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલી રઘવાયો બને છે.હજારો કે લાખો સુધીના ડોનેશન આપવા પણ તૈયારી બતાવે છે.આ માનસિકતા નરી ઘેલછા કે ગાંડપણ છે.બાળકના પ્રવેશ માટે શાળા પસંદગી થાય ત્યારે લોકોની વાતમાં વિશ્વાસ ન મૂક્વો જોઈએ.વાલીએ રૂબરૂ શાળા મુલાકાત લઈ નિર્ણય લેવો જરૂરી છે.
શાળા દ્વારા અપાતી ઈતર સુવિધાઓને(જેવી કે એસી વર્ગખંડ,હોર્સ રાઈડીંગ,સ્વીમીંગ,વિદેશ ટૂર,સાઉન્ડપ્રૂફ વર્ગો,ટ્રાન્સપોર્ટ સુવિધા,કેન્ટીન વગેરે વગેરે) આપણાં બાળક માટે જરૂરી છે? જો હા ,તો પ્રવેશ લો.જો ના,તો દેખાદેખીમાં પડવું જોઈએ નહિ.શાળાની ફી તમને પરવડશે? પોતે જે શાળા પસંદ કરે છે તે શાળામાં બાળક કેન્દ્રસ્થાને છે? બાળકને શિક્ષણની સમાંતર જીવનોપયોગી કેળવણી મળી રહેશે? શાળામાં શિક્ષકો ક્વોલીફાય છે? શિક્ષકો માયાળુ,ઉત્સાહી, સંવેદનશીલ અને બાળકને સમજી શકે તેવી વિશિષ્ટતા ધરાવે છે? માતાપિતા તરીકે શાળામાં તમારું માન જળવાઈ રહેશે? શાળામાંથી જ કે શાળાએ નક્કી કરેલી શોપ પરથી યુનિફોર્મ, બુક્સ, સ્ટેશનરી ખરીદવા આગ્રહ કરાય છે? તો થોભો,વિચારો અને પછી પ્રવેશ લો.સંતાનને ભવ્ય મહેલ જેવી શાળા કરતાં સંસ્કાર અને જીવનલક્ષી કેળવણી આપતી શાળાની જરૂરિયાત વધુ છે.
સુરત – અરુણ પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.