સમગ્ર રાજ્યમાં કોરોનાની તીવ્રતા દિવસે ને દિવસે ઘટી રહી હોવાથી આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ પણ લેવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય હવે શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. ત્યારે આવતીકાલથી સમગ્ર રાજ્યમાં આ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ તથા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો આરંભ થઇ રહ્યો છે.
આવતીકાલથી ઉપરોક્ત વિદ્યાર્થીઓ માટે જ્યારે શાળાઓ શરૂ થઇ રહી છે, ત્યારે રાજ્ય સરકારના મંત્રીઓ તથા ધારાસભ્યઓ નક્કી કરાયેલા વિસ્તારની શાળાઓમાં જે તે શાળાના પ્રારંભ સમયે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ ને આવકારી તેમને પ્રોત્સાહિત કરશે. વિદ્યાર્થીઓને આવકારવા જે મંત્રીઓને જિલ્લા ફાળવાયા છે તેમાં આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવા સુરત જિલ્લામાં, શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર પાટણ જિલ્લામાં, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમાર સુરત જિલ્લામાં, કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર પંચમહાલ જિલ્લામાં, સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લામાં, વન આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણલાલ પાટકર વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે, નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલ નવસારી જિલ્લામાં નક્કી કરાયેલી શાળાઓમાં શાળા ખૂલવાના સમયે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ ને આવકારી પ્રોત્સાહિત કરશે.
રાજ્યમાં શાળા-કોલેજો શરૂ તો થઇ રહી છે પણ વાલીઓ હજુ અવઢવમાં
સુરત, તા. 10 : આવતીકાલથી રાજ્યમાં ધોરણ 10-12 તેમજ કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ તો થઇ રહ્યું છે પણ વાલીઓમાં પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે હજુ અવઢવની સ્થિતિ છે. મોટાભાગના વાલીઓ એ બાબતે ચિંતિત છે કે જો રાજ્યમાં ઉતરાયણ જેવા તહેવારમાં લોકોને બિલ્ડીંગના ધાબાઓ પર ભેગા થવા દેવા સામે હાઇકોર્ટ દ્વારા મનાઇ ફરમાવવામાં આવી છે તો પછી બાળકો શાળાએ જશે અને ત્યાં ભેગા કેવી રીતે થવા દેવા. ઘણા વાલીઓએ એવો નિર્ણય કર્યો છે કે ભલે આવતીકાલથી શિક્ષણકાર્ય શરૂ થાય પણ હાલ તત્કાળ પોતાના સંતાનને તેઓ શાળાએ નહીં મોકલે.