વડોદરા: છેલ્લા એક સપ્તાહથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ વરસાદ વરસવાના કોઈ જ વાવડ નથી. હવામાનખાતાની આગાહી મુજબ વરસાદની રાહ જોતા શહેરીજનોને નિરાશા સાંપડી હતી. રવિવારે આખો દવસ વાદળછાયુ વાતાવરણ હતું. તેને પગલે શહેરીજનો ગરમીમાં શેકાયા હતા. પરંતુ બપોર બાદ છૂટકછવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો.
વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસના ઉકળાટ બાદ રવિવારે છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. બપોર બાદ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને ભારે પવન સાથે વરસાદ ત્રાટકશે તેમ લાગ્યું હતું. પરંતુ વરસાદે ફરીથી શહેરીજનોને નિરાશ કર્યા હતા. શહેરના રાવપુરા, માંજલપુર, વાડી, કારેલીબાગ, સયાજીગંજ, તરસાલી વિસ્તારમાં હળવો વરસાદ આવ્યો હતો અને રસ્તા ભીના કરીને હાથતાળી આપી ગયો હતો.
બપોર બાદ આવેલ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને શહેરીજનોેને ગરમી અને બફારાથી થોડાક અંશે રાહત મળી હતી. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વરસાદ ધુંઆધાર બેટિંગ કરી રહયો છે. છેલ્લા બે દિવસથી દક્ષિણ ભારતમાં તેમજ સૌરાષ્ટ્રમાં પડતા વરસાદને પગલે સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.હવે વડોદરા સહિત મધ્ય ગુજરાતના લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહયા છે.