રાજ્યની સરકારી શાળાઓમાં પગાર ચાલુ રાખી વિદેશ ગમન કરવાનું શિક્ષકોનું કૌભાંડ – Gujaratmitra Daily Newspaper

Gujarat

રાજ્યની સરકારી શાળાઓમાં પગાર ચાલુ રાખી વિદેશ ગમન કરવાનું શિક્ષકોનું કૌભાંડ

અમદાવાદ : રાજ્યની સરકારી શાળાઓમાં ચાલુ પગારે શિક્ષકો સતત ગેરહાજર રહી વિદેશ ઉપડી જવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલે છે. રાજ્યના કેટલાક શિક્ષકો ચાલુ નોકરીએ બાળકોના શિક્ષણના ભોગે વિદેશમાં મજા કરી રહ્યા છે. શિક્ષણ વિભાગ જાણે કે ભ્રષ્ટાચારનો એપીસેન્ટર બન્યું હોય તેમ, શાળામાં નોકરી બોલે છે પરંતુ શિક્ષકો વિદેશમાં ફરતા હોય છે. ત્યારે આ બેદરકાર શિક્ષકો સામે રાજ્ય સરકાર ક્યારે નકર પગલાં ભરશે? તેવો વેધક સવાલ પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રદેશ કોંગ્રેસના મીડિયા કનવીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ડેઇલી રિયલ ટાઈમ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમના દાવા પછી શિક્ષણ વિભાગના ધ્યાને કેમ ન આવ્યું ? વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આ તમામ ઈનીશીએટિવ માટે ખાસ ડેશબોર્ડસ તૈયાર કરવામાં આવેલા છે આ ડેશબોર્ડસ દ્વારા મુખ્યમંત્રીના ડેશબોર્ડ પર પણ સતત ડેટા પૂરો પાડવામાં આવે છે. તો પછી સતત ગેરહાજર શિક્ષકો અંગે શિક્ષણ વિભાગ કેમ અજાણ ? આટલી ગંભીર બાબત પ્રત્યે કેમ બેદરકારી રાખવામાં આવી ?

ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે, ડમી સ્કુલના મોટાપાયે ચાલતા વેપલાની સાથો સાથ ડમી શિક્ષકોનું વ્યાપક દુષણ શિક્ષણ જગત માટે ચિંતાજનક છે. અંતરિયાળ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં સતત ગેરહાજર શિક્ષકોની તપાસ બાબતે શિક્ષણ વિભાગની સંપૂર્ણ લાલીયાવાડી ચાલી રહી છે. વિદેશ જવા માટે ૯૦ દિવસની રજા મળતી હોય છે. એક વર્ષ કરતા વધુ સમય સુધી રજા ઉપર રહે તો તેને બરતરફ કરવાની જોગવાઈ તો પછી સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે કેમ કાર્યવાહી કરવામાં નહીં આવી ? ગુજરાતમાં શાળાકીય શિક્ષણમાં આશરે ૨.૪ લાખ શિક્ષકો, ૧૦,૦૦૦ જેટલો સુપરવીઝન માટેનો સ્ટાફ મળી કુલ આશરે ૨.૫ લાખ કરતાં વધારે કર્મચારીઓ કાર્યરત છે.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની રિયલ ટાઈમ ઓનલાઈન હાજરીના ૧ કરોડથી વધુ વિદ્યાર્થીઓના વિવિધ પ્રકારના ૫૦૦ કરોડ કરતાં વધુ અલગ અલગ પ્રકારના ડેટા સેટ દર વર્ષે મેળવવાની મહત્વની કામગીરી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક શિક્ષકો વિદેશમાં જલસા કરી રહ્યા છે. સરકારી શાળાઓમાં નોકરી-પગાર ચાલુ રાખી વિદેશ ગમન કરવાનું શિક્ષકોનું સુવ્યવસ્થિત કૌભાંડમાં શિક્ષકો સામે રાજ્ય સરકાર કયારે નક્કર પગલા ભરશે ?

Most Popular

To Top