SURAT

આનંદ મહલ રોડની આ જાણીતી સ્કૂલની બાજુના કોમ્પલેક્સમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

સુરત: સુરત શહેર પોલીસના મોટા મોટા દાવા વચ્ચે હજુ પણ શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં કુટણખાના ધમધમી રહ્યાં છે. ચોંકાવનારી વાત તો એ છે કે શહેરના મોટા ભાગના વિસ્તારમાં સ્કૂલ અને ટ્યૂશન ક્લાસીસની નજીક જ દેહનો વ્યાપાર ચાલી રહ્યો છે. તાજેતરમાં પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે શહેરના આનંદ મહલ રોડ પરથી જાણીતી સ્કૂલની બાજુમાંથી કુટણખાનું ઝડપી પાડ્યું છે.

પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનીટને અડાજણ આનંદ મહલ રોડ પર એસકોન પ્લાઝામાં બ્લુ હેવેન સ્પામાં કુટણખાનું ચાલતુ હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રેઈડ કરી સ્પા ના સંચાલક પરી વિક્રમકુમાર બર્ણવાલ, મેનેજર મિતેષ મુકેશભાઇ રાઠોડ તથા મનિષભાઇ ધીરુભાઇ મુંજાણીની ધરપકડ કરી હતી. ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધા સાથે જી પે અને પેટીએમ સ્કેનર પણ રાખવામાં આવ્યા હતા. પોલીસે કુલ 7690નો મુદ્દામાલ કબજે લીધો હતો તથા 3 લલનાઓને મુક્ત કરાવી હતી.

તમને જણાવી દઈએ કે એસ્કોન પ્લાઝા એ શહેરની જાણીતી ભુલકા ભવન સ્કૂલની બાજુમાં આવેલું છે. આ પ્લાઝામાં સતત લોકોની અવરજવર રહે છે. અહીં ઉપર રહેણાંક મકાનો પણ છે. આવા વ્યસ્ત વિસ્તારમાં કુટણખાના ધમધમતા હોય તે ખરેખર તો શહેર પોલીસ માટે શરમની વાત છે.

ઉધનામાં ઓનલાઈન ક્રિકેટ પર સટ્ટો રમાડનાર એક પકડાયો, 9 વોન્ટેડ
સુરત: વિવિધ ગેમ્સ પર ઓનલાઈન સટ્ટો રમાડતાં ઉધનાના એક શખ્સને, પીસીબી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો છે. તેની પાસે મોબાઈલમાં બે માસ્ટર આઈડી મળી છે અને તેની પાસેથી રૂ. 43 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 9 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

પીસીબી પોલીસની ટીમને ઉધના, રોડ નં.૦૧, અક્ષર કોમ્પલેક્ષ પાસે કેટલાક વ્યક્તિઓ ઓનલાઈન સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેઈડ કરતા આરોપી ઇમરાન રઇસ કુરેશી (ઉ.વ.૩૭. ધંધો.બેકાર રહે.ઘર નં.૧૧૧,૧૧૨, શાસ્ત્રી ચોક, ગલી નં.૦૧, મદીના મસ્જીદ પાસે, લીંબાયત તથા મુળ ઇલાહાબાદ ઉત્તરપ્રદેશ)ને પકડી પાડ્યો હતો. ઇમરાન કુરેશીએ પોતાના મોબાઈલમાં માસ્ટર આઈડી મેળવી હતી.

આ આઈડી તેણે પ્રકાશ નામના વ્યક્તિ પાસે મેળવી હતી. જે માસ્ટર આઇ.ડીની મદદથી અન્ય ગ્રાહકો લકી, શાહબુદ્દીન, સમદભાઇ, અઝરભાઇ, શાબીર, જાવેદભાઇ, પંકજભાઇને ક્લાયન્ટ આઇ.ડી બનાવી આપી હતી અને તેઓ ઓનલાઇન ક્રિકેટ, ટેનિસ, ફુટબોલ, કસીનો, લાઇવ ગેમ, જેકપોટ જેવી ઓનલાઇન ગેમ્સ ઉપર આઇ.ડી. ઉપર જુગાર રમાડતા હતા. આ સિવાય દિનેશ પાસેથી બીજી પણ એક આઈડી મેળવી હતી. પોલીસે ઇમરાનને પકડી પાડ્યો છે અને તેની પાસેથી મોબાઈલ ફોન તથા રોકડા મળીને કુલ રૂ. 43 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે આ ગુનામાં 9 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં છે.

Most Popular

To Top