Gujarat

કબૂતરબાજીમાં ભાજપના દિલ્હી દરબારમાંથી તપાસના આદેશ

ગાંધીનગર: કરોડો રૂપિયાના કબૂતરબાજીના કૌભાંડમાં (SCAM) આજે છેવટે રાજય મોનીંટરીંગ સેલના પોઈ જવાહર દહિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે. પોલીસ (Police) દ્વારા કબૂતરબાજીમાં ધરપકડ કરાયેલા બોબી પટેલ તથા યોગેશ પટેલની સંડોવણીમાં ભાજપના (BJP) નેતાઓ તથા કાર્યકરોની પણ સાંઠગાંઠ બહાર આવતા હવે સમગ્ર મામલો પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી પહોચ્યો હતો. જો કે ભાજપના દિલ્હી દરબારમાંથી સમગ્ર ઘટનાની સંપૂર્ણ માહિતી માંગવામાં આવી છે જેના પગલે પોતાને ગુજરાતના સુપર ગૃહ મંત્રી સમજતાં ભાજપના પ્રદેશના નેતાને હવે ભર શિયાળે પસીનો આવી ગયો છે.

સુપર ગૃહ મંત્રી એવા ભાજપના નેતાજી પોતાના બચાવ માટે લોબીંગ કરી રહયા છે. ખાસ કરીને કબૂતરબાજીના તાર હવે કમલમ કાર્યાલય સુધી પહોચેલા હોવા અંગેના મીડિયા રિપોર્ટસ બાદ પીએંમઓએ હવે ડિટેઈલ રિપોર્ટસ મંગાવ્યો છે. કારણ કે 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આવી ‘અભ્યાસક્રમ’ની બહારની પ્રવૃતિના કારણે સરકાર તથા સંગઠ્ઠનની છબી ખરડાય તેવી ભીતિ રહેલી છે. જયારે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે આવી કોઈ કરોડો ખંખેરી લેવાની પ્રવૃત્તિ ચલાવી લે તેવા મૂડમાં નથી. જેના પગલે નજીકના ભવિષ્યમાં મોટો રાજકીય ધડાકો થયા તેવી સંભાવના રહેલી છે. કબૂતરબાજીની તપાસનું હવે પીએમઓ તથા સીએમઓ દ્વારા સીધુ મોનીટરિંગ કરાઈ રહયુ છે.

ભાજપના પ્રદેશના આઈટી સેલના તથા સોશ્યલ મીડિયા ડિપાર્ટમેન્ટના કેટલાંક કાર્યકરો પણ નકલી વીઝા કૌભાંડના બે ધરપકડ કરાયેલા માફિયા તત્વો સાથે સીધા સંકળાયેલા છે. એટલું જ નહીં કરોડનોની મલાઈ તારવી લેવાઈ છે. ફેસબુક પર આ કાર્યકરો પોતાની તસ્વીરો પણ મૂકી હતી , તે હવે હટાવી લીધી છે. નકલી વીઝા કૌભાંડના માફિયાઓ પોતાના પડખે ભાજપના પ્રદેશના સંગઠ્ઠનના નેતા તથા અગ્રણી કાર્યકરોને એટલા માટે જોડે રાખતાં હતા , કે જરૂર પડયે આ નેતાઓનો પોલીસ ધરપકડ કરવા આવે ત્યારે ઉપયોગ કરી શકાય . જો કે સ્ટેટ મોનીંટરિગ સેલના એસપી નિર્લપ્ત રાય સામે કોઈની ભલામણ ચાલતી નથી.જો જવાહર દહિયાને સસ્પેન્ડ નહીં કરાય તો તે , પોતે બીજા દિવસે ઓફિસમાં પણ નહીં આવે તેવી ધમકી તેમણે ઉચ્ચારી હતી. તે પછી દહિયાને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પર ડીજી પોલીસ આશિષ ભાટિયાએ સહી કરી હતી. તાજેતરમાં 120 કરતાં વધુ પોઈને ડીવાયએપી તરીકે બઢતી આપવાની જે પંસદગી યાદી જાહેર થઈ હતી તેમાં દહિયાનો પણ સમાવેશ થાય છે. જો કે ડીવાયએસપી બને તે પહેલા જ દહિયા સસ્પેન્ડ થઈ ગયા છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સમગ્ર ભ્રષ્ટાચારના આક્ષેપોની તટસ્થ તપાસ એસીબીને સોંપાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ , ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતમાં મોટી સંખ્યામાં યુવકો , યુવતીઓ , પરિવારના ચાર સભ્યો 1.40 કરોડ કે 1.70 કરોડ આ કબૂતરબાજીમાં સંડોવાયેલી ગેંગને ચૂકવીને અમેરિકા ભેગા થઈ ગયા છે. અરે કૌભાંડી તત્વોએ તો નકલી આઈઈએલટીએસના સર્ટિફિકેટ પણ તૈયાર કરીને યુવકોને કેનેડા તથા અણેરિકા મોકલી દીધા છે. જેમાં ડિગુચાના પરિવારને કેનેડાથી અમેરિકા મોકલાવના કૌભાંડમાં સંડોવાયેલો વીઝા માફિયા પણ પોલીસન હાથે ઝડપાયો છે. વીઝા કૌભાંડમાં સંડોવાયેલા બોબી પટેલ તથા યોગેશ પટેલની સાથે સંકળાયેલા સાગરિતો પાસેથી અંદાજિત 30 કરોડની રકમનો તોડ થયો હોવાનો આક્ષેપ થયો છે. આ સમગ્ર મામલાની તપાસ હવે એસીબીને સોંપાય તેવી સંભાવના છે.

Most Popular

To Top