National

તિરુપતિ લાડુ વિવાદ પર SCએ આંધ્ર સરકારને ફટકાર લગાવી, કહ્યું- ભગવાનને રાજકારણથી દૂર રાખો

સુપ્રીમ કોર્ટમાં સોમવારે તિરુપતિ મંદિરના લાડુ વિવાદ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ વાયવી સુબ્બા રેડ્ડીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીની અરજીમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસની માંગ કરવામાં આવી છે.

અરજદારના વકીલે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે લાડુ સામગ્રી તપાસ્યા વિના રસોડામાં જતી હતી, જ્યારે દેખરેખ માટે જવાબદાર સિસ્ટમ હોવી જોઈએ કારણ કે તે દેવતાનો પ્રસાદ છે, તે જનતા અને ભક્તો માટે સૌથી પવિત્ર છે. જો પ્રસાદ પર કોઈ પ્રશ્નાર્થ ચિન્હ હોય તો તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. પ્રસાદમાં ભેળસેળ છે તેવું નિવેદન કરવાની ઉચ્ચ હોદ્દા પરની વ્યક્તિની જવાબદારી શું છે? આજે ધર્મની વાત છે, કાલે તે કંઈક બીજું હોઈ શકે છે.

બીજી તરફ વકીલ મુકલ રોહતગી અને સિદ્ધાર્થ લુથરાએ સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે સ્વામી પોતે ટીટીડીના સભ્ય રહી ચૂક્યા છે. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું કે ઘીની તપાસમાં ખામીઓ જોવા મળી હતી, જે બાદ રાજ્ય સરકારે SITની રચના કરી છે. મુકુલ રોહતગીએ કહ્યું કે અમારી પાસે લેબ રિપોર્ટ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રિપોર્ટ બિલકુલ સ્પષ્ટ નથી. જો તમે પહેલા જ તપાસના આદેશ આપી દીધા હતા તો મીડિયા પાસે જવાની શું જરૂર હતી? જુલાઈમાં રિપોર્ટ આવ્યો, સપ્ટેમ્બરમાં નિવેદન આવ્યું.

કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ ટિપ્પણી કરી હતી કે ભગવાનને રાજકારણથી દૂર રાખો. જસ્ટિસ કે.વી. વિશ્વનાથને રાજ્ય સરકારના વકીલને પૂછ્યું કે જ્યાં સુધી તમને ખાતરી ન હોય તમે આ અંગે લોકો સમક્ષ કેવી રીતે ગયા? તપાસનો હેતુ શું હતો? રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ સિદ્ધાર્થ લુથરાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી વિક્રેતાઓ પાસેથી ઘી ખરીદવાનું શરૂ થયું છે. ગુણવત્તા અંગે ફરિયાદો ઉઠી હતી. અમે ટેન્ડરરને કારણ બતાવો નોટિસ આપી હતી. જસ્ટિસ ગવઈએ પૂછ્યું કે શું જે ઘી માપદંડોને અનુરૂપ નથી તે પ્રસાદ માટે વપરાય છે? લુથરાએ કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ. તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું, તો પછી તરત જ પ્રેસમાં જવાની શું જરૂર હતી? તમારે ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જોઈએ.

લાડુ બનાવવામાં આ ઘીનો ઉપયોગ થતો હોવાનો પુરાવો ક્યાં છે – જસ્ટિસ વિશ્વનાથન
જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે લાડુ બનાવવામાં આ ઘીનો ઉપયોગ થતો હોવાના પુરાવા ક્યાં છે? લુથરાએ જણાવ્યું હતું કે માર્ચમાં ટેન્ડર ખોલવામાં આવ્યા હતા અને એપ્રિલથી સપ્લાય શરૂ થયો હતો. જૂન અને જુલાઈમાં સાપ્તાહિક પુરવઠો હતો. જસ્ટિસ વિશ્વનાથને કહ્યું, કેટલા કોન્ટ્રાક્ટરો સપ્લાય કરતા હતા, શું આ ઘી મંજૂર ઘી સાથે ભેળવવામાં આવ્યું છે? તે ક્યાંય સ્પષ્ટ નથી કે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે અને અહેવાલ જાહેર ડોમેનમાં છે, પરંતુ તપાસ હજુ બાકી છે. એડવોકેટ સિદ્ધાર્થ લુથરાએ જણાવ્યું હતું કે એકવાર માલૂમ પડે કે ઉત્પાદન યોગ્ય નથી તો બીજીવાર ટેસ્ટ પણ કરવામાં આવે છે. તે પછી પ્રયોગશાળામાં પરીક્ષણ કરવામાં આવે છે. 6 જુલાઈના રોજ નવો પુરવઠો આવ્યો. તેને લેબમાં મોકલવામાં આવ્યો હતો. અમને લેબ રિપોર્ટ મળ્યો. આ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

જસ્ટિસ ગવઈએ કહ્યું, શું લેબએ 12 જૂનના ટેન્કર અને 20 જૂનના ટેન્કરના સેમ્પલ લીધા હતા? જસ્ટિસ વિશ્વનાથને કહ્યું, એકવાર તમે સપ્લાયને મંજૂરી આપો, ઘી લાવવામાં આવે છે અને બધું એકમાં ભેળવવામાં આવે છે, તમે કેવી રીતે ઓળખશો કે કયા કોન્ટ્રાક્ટરે સપ્લાય કર્યું છે?

Most Popular

To Top