Gujarat

સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર સાથે રાજ્યભરમાં કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ

અમદાવાદ: કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) સજા ઉપર રોક લગાવતો સુપ્રીમ કોર્ટે (SC) આદેશ આપ્યો છે. આ ચુકાદાને પગલે કોંગ્રેસમાં એક ઉત્સાહની લહેર ફરી વળી છે. આજે રાજ્યભરમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આ આદેશના પગલે આજે રાજ્યભરમાં કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદનું મોજુ ફરી વળ્યું હતું. સાંજે પાંચ વાગે રાજ્યના તમામ 33 જિલ્લાઓ, મહાનગરપાલિકાઓ સહિત 243 તાલુકા અને નગરપાલિકા વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, ફટાકડા ફોડી સુપ્રીમ કોર્ટના આદેશને આવકારવામાં આવ્યો હતો.

અમદાવાદના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા, અને જાણે કે વિજયઉત્સવ હોય તેમ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ અને સિનિયર ધારાસભ્ય શૈલેષ પરમારની આગેવાનીમાં પ્રદેશ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારી ઉજવણી કરી હતી. ઉપસ્થિત હજારો કાર્યકરોએ ‘રાહુલ ગાંધી જિંદાબાદ’, ‘નફરત છોડો ભારત જોડો’ના સૂત્રો પોકાર્યા હતા. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના પગલે કોંગ્રેસ કાર્યકરોમાં જાણે કે નવી ચેતના અને ઉત્સાહનો સંચાર થયો હોય તેમ કાર્યકરોમાં નવું જોમ અને જુસ્સો જોવા મળ્યો હતો.

Most Popular

To Top