Gujarat

SBI-LICના કરોડો રૂપિયાના નુકસાનના વિરોધમાં કોંગ્રેસના 6ઠ્ઠી માર્ચે રાજ્યવ્યાપી ધરણા

અમદાવાદ: એસબીઆઈના (SBI) 45 કરોડ ખાતાધારકો અને એલઆઈસીના (LIC) 30 કરોડ ખાતા ધારકોને થયેલા નુકસાન માટે જવાબદાર કેન્દ્ર સરકાર અને મળતીયા ઉદ્યોગપતિઓની પોલ ખોલવા માટે આગામી 6ઠ્ઠી માર્ચ-23ના રોજ કોંગ્રેસ રાજ્ય વ્યાપી ધારણા પ્રદર્શન કરશે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે 6ઠ્ઠી માર્ચ 2023ને સોમવારે સવારે 11-00 વાગે રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરપાલિકાઓ તેમજ તાલુકા મથકે આવેલી એલઆઇસી અને એસબીઆઇની બેંક સામે કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે. મોદી સરકારની ઉદ્યોગપતિઓને ઉદ્યોગગૃહોને અપાયેલા લુંટના પરવાનાના લીધે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને જીવન વીમા નિગમ (LIC) કઈ રીતે લુંટાઈ છે તે બાબત જનતા સમક્ષ ખુલ્લી મુકાશે. સમગ્ર દેશ ખાસ કરીને સામાજિક મધ્યમ વર્ગ મોદી સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે. સામાન્ય-મધ્યમ વર્ગના માણસની મહેનતની બચતના ખર્ચે તેમના નજીકના મિત્રો અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે.

જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતુ કે તાજેતરના હિંડનબર્ગ રિપોર્ટે અદાણીની તરફેણમાં ભાજપ સરકારની ક્રોની કેપિટલીઝમની નીતિને છતી કરી છે. આર્થિક સંકટના સમયે, રાષ્ટ્રની જાહેર સંસ્થાઓ – મિલકતોને અદાણી જૂથને વેચી રહ્યા છે, એસબીઆઈ અને એલઆઈસી જેવી જાહેર સંસ્થાઓને રોકાણ કરવા દબાણ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ ખાસ ભારતીય કોર્પોરેટ હાઉસની વિરુદ્ધ નથી રહી, અમે ક્રોની કેપિટાલાસિમની વિરુદ્ધ છીએ અને પસંદ કરેલા અબજોપતિઓને લાભ આપવા માટેના નિયમો બદલવાના વિચારની વિરુદ્ધ છીએ. કોંગ્રેસ હંમેશા ગરીબ અને સામાન્ય માણસની પડખે ઊભો રહ્યો છે અને રહેશે. કોંગ્રેસ કરોડો ભારતીયોના મહેનતની કમાણી કરેલી બચતને જોખમમાં મૂકીને બજાર મૂલ્ય ગુમાવતી કંપનીઓમાં રોકાણના મુદ્દા પર ચર્ચા શરૂ કરવા માટે સંસદથી સડક સુધી લડી રહ્યો છે.

Most Popular

To Top