નિઝરના સાયલા ગામની સીમમાંથી પસાર થતા નિઝર-ઉચ્છલ હાઇવે પર ગુરુવારે સવારે ગેસના બાટલા ભરેલો એક ટેમ્પો પલટી ગયો હતો. ઉચ્છલ-નિઝર હાઇવે પર આવતા સાયલા ગામના પુલ ઉપર સવારના ૭ કલાકના અરસામાં ગેસ બાટલા ભરેલા ટેમ્પોને અકસ્માત નડ્યો હતો. આ ટેમ્પો સુરતથી ગેસના બાટલા ભરીને મહારાષ્ટ્રના અક્કલકૂવા તરફ જતો હતો. એ દરમિયાન નિઝરના સાયલા ગામના પુલ ઉપર સામે ચાલતા બળદગાડાને બચાવવા જતાં ટેમ્પોચાલકે બ્રેક મારી દેતાં ટ્રક રસ્તાની વચ્ચોવચ પલટી ખાઈ ગયું હતું.
આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી. ટેમ્પો રસ્તાની વચ્ચોવચ પલટી જતાં ભારે વાહનોને અવરજવર કરવામાં ભારે જેહમત થઈ હતી અને ટ્રાફિક સર્જાયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને રાબેતા મુજબનો વાહન વ્યવહાર ચાલુ કરાયો હતો.