National

જય પેલેસ્ટાઈન બોલવાનું ઓવૈસીને ભારે પડશે, ગુમાવી શકે છે સાંસદ પદ, રાષ્ટ્રપતિ સુધી મામલો પહોંચ્યો

નવી દિલ્હી: હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું સાંસદ પદ ગુમાવે તેવો જોખમ ઉભો થયો છે. ગઇકાલે મંગળવારે તા. 25 જૂનના રોજ લોકસભાના સભ્ય તરીકે શપથ લેતી વખતે જય પેલેસ્ટાઈનના નારા લગાવનાર ઓવૈસીનું સભ્યપદ રદ કરવા મામલે રાષ્ટ્રપતિને ફરિયાદ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના વકીલે ઓવૈસી વિરુદ્ધ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને ફરિયાદ કરી છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને મંગળવારે મોડી રાત્રે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, તેમના પિતા અને સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ હરીશંકર જૈને આ ફરિયાદ દાખલ કરી છે.

એડવોકેટ વિષ્ણુ શંકર જૈને લખ્યું કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા બાદ યુદ્ધ પ્રભાવિત પશ્ચિમ એશિયાઈ ક્ષેત્રના પક્ષમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, જે બાદ સત્તાધારી પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. તેમજ અધ્યક્ષે તેને રેકોર્ડમાંથી હટાવવાનો નિર્દેશ આપ્યો હતો.

હૈદરાબાદથી પાંચમી વખત ચૂંટાયેલા ઓવૈસીએ ઉર્દૂમાં શપથ લીધા હતા. શપથ લેતા પહેલા તેમણે પ્રાર્થના કરી હતી. તેમના શપથ પછી તેમણે મુસ્લિમો માટે AIMIM ના નારા લગાવ્યા હતા. તે ઉપરાંત ઓવૈસીએ તેમના રાજ્ય તેલંગાણા, બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સિવાય હાલમાં યુદ્ધનો સામનો કરી રહ્યા છે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર એવા પેલેસ્ટાઈન માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમના શપથ પછી શાસક પક્ષના કેટલાક સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો, જેના કારણે ગૃહમાં હોબાળો મચી ગયો હતો.

અનુચ્છેદ 102 મુજબ કોઈ વ્યક્તિ સંસદના કોઈપણ ગૃહના સભ્ય બનવા માટે ગેરલાયક ઠરશે જો તે ભારત સરકાર હેઠળ અથવા કોઈપણ રાજ્યની સરકાર હેઠળ નફાનું કોઈ પદ ધરાવે છે, અથવા જો તેને કોર્ટ દ્વારા અયોગ્ય માનસનો ચુકાદો આપવામાં આવ્યો હોય, અથવા તેને નાદાર જાહેર કરવામાં આવ્યો હોય, અથવા તે ભારતનો નાગરિક ન હોય અથવા તે ભારત સિવાય અન્ય કોઈ દેશની નાગરિકતા ધરાવતો હોય અથવા કોઈપણ કાયદા હેઠળ ગેરલાયક ઠર્યો હોય. વળી, અનુચ્છેદ 103માં રાષ્ટ્રપતિને એ અધિકાર આપવામાં આવ્યો છે કે જો રાષ્ટ્રપતિને કલમ 102 હેઠળ કોઈ ફરિયાદ મળે તો સંબંધિત સાંસદની યોગ્યતા અંગે નિર્ણય લઈ શકે છે. જો કે કોઈપણ નિર્ણય લેતા પહેલા ચૂંટણી પંચની સલાહ લેવી જરૂરી છે.

Most Popular

To Top