હાલમાં વર્તમાન પત્રોમાં મોટા અક્ષરે સમાચાર ચમકયા કે ભણતર ભલે ગમે તે ભાષામાં કરો, પરંતુ વિદ્યાર્થી પરીક્ષા પોતાની માતૃભાષામાં કરી શકશે. સામાન્ય જ્ઞાન ધરાવતી વ્યકિતને પણ હસવું આવે એવી વાત સરકારે કરી. જે ભાષામાં વિદ્યાર્થી આખું વર્ષ અભ્યાસ કરે તે ભાષામાં એને પરીક્ષા આપવાનું સહેલું પડે કે બીજી ભાષામાં? આઝાદી મળ્યાને પંચોતેર વર્ષ થયાં, પરંતુ હજી ભારતમાં અંગ્રેજી ભાષાના માધ્યમવાળી શાળાઓ મહાશાળાઓ ચાલુ જ છે. કોંગ્રેસનાં સિત્તેર વર્ષમાં તો સમજયા કે સરકારમાં બેઠેલું આખું કુટુંબ જ અંગ્રેજી માધ્યમમાં ભણ્યું હતું અને અંગ્રેજીપ્રેમી છે. પરંતુ પ્રજાને ભાજપ સરકાર આવ્યાને ખૂબ આશા હતી કે હાશ! હવે અંગ્રેજી ભાષાનું પૂછડું છૂટશે! પરંતુ ના. ભાજપ સરકાર જે હિંદી રાષ્ટ્રભાષાને મહત્ત્વ આપનાર હોય તે અંગ્રેજી માધ્યમની શાળા મહાશાળા ચાલુ રાખવા દે. ભાજપે સરકાર બનાવતાંની સાથે અગર જો ભાજપ રાષ્ટ્રવાદી સરકાર પોતાને ગણાવતી હોય તો તરત જ શિક્ષણમાં રાષ્ટ્રભાષા અને માતૃભાષાને મહત્ત્વ આપતા કાયદાઓ કરવા જોઇતા હતા. પરંતુ ખાનગી શિક્ષણ સંસ્થાઓ ચલાવતા માલેતુજારો તરફ સરકારે કૂણું વર્તન દાખવ્યું. અરે પોતાની સરકારી શાળા મહાશાળામાં તો ફેરફાર કરી શકત. વાલીઓ તો બહાનાં બતાવે કે અમારાં સંતાન ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે ત્યાં તકલીફ પડે. પરંતુ ખોટી વાત. બીજી ભાષા તરીકે અંગ્રેજીનો અભ્યાસ થઇ શકે. સરકાર વિચારે!
પોંડીચેરી – ડો. કે. ટી. સોની- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સરકાર દંડ વસુલે છે પણ નાગરિકોની હાલાકી તો વિચારે
વર્તમાન સરકારે આધાર કાર્ડ અને પાન કાર્ડને લીંક કરવાની યોજના અમલમાં મૂકી છે પરંતુ તેમ કરવા માટે બહુધા પ્રજા ખૂબ જ હાલાકી ઉઠાવી રહી છે. વળી મુદ્દત વિતતા એક હજાર રૂા.નો દંડ વસુલી રહી છે જે હવે મુદ્દત વિતશે તો કહે છે રૂા. દશ હજાર વસુલાશે. સરકારે વિચારવું રહ્યું. આટલા રૂા. દંડ સામાન્ય માણસ ભરશે કઇ રીતે? વળી કાર્ડને લીંક કરવા રોજ નવા નિયમો બનાવી રહી છે. પહેલાં કાર્ડમાં જન્મ તારીખ વિગેરેની ભૂલ હોય તો શાળાના જન્મ દાખલાથી સુધારી દેવાતી હતી. હવે તે માટે જન્મનો દાખલો ફરજીયાત કર્યો છે ત્યારે જેઓ સીનીયર સીટીઝન છે.
તેમના કંઇકનો તો જન્મ દાખલાની જ નોંધણી નથી તો વળી કોઇકના જન્મ દાખલા મળે છે તો તેમાં કંઇકની કંઇક ભૂલો હોય છે તે સુધારવાનું કહેવામાં આવે છે. પણ તે સુધારો કરાવવો આ તે ખાતાઓમાં જઇ વરિષ્ઠ નાગરિકો માટે બિલકુલ સરળ નથી તો શાળાના જન્મ દાખલા થકી સુધારો કરી કાર્ડ લીંક કરવાની પ્રક્રિયા અંગે સરકાર વિચારશે ખરી? કોઇ પણ સુધારો કરાવવો સરળ બનાવવો રહ્યો. પ્રજાની માંગથી કાર્ડ લીંકની મુદત વધારી છે છતાં કાર્ડોમાં રહેલી ભૂલો જ સુધરશે કે કેમ તે જ નક્કી થઇ શકતું નથી તો સરકાર નાગરિકોની હાલાકી દૂર કરવા યોગ્ય પગલાં લેવાં રહ્યાં કે પછી સરકાને દસ હજાર રૂા. વસુલવામાં જ રસ છે.પ્રજાએ પણ વિચારવાનો સમય પાકી ગયો છે.
નવસારી – ગુણવંત જોષી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.