ઓલપાડના સાયણ ગામમાં ફેલાયેલા પાણીજન્ય રોગચાળાને પગલે કલેક્ટર આયુષ ઓકે સાયણના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી સઘન આરોગ્યલક્ષી કામગીરી માટે જુદી-જુદી ટીમોને યુદ્ધના ધોરણે કામે લગાડી છે. સાયણની મુલાકાત લઈ બાદ તંત્ર દ્વારા લેવામાં આવેલાં પગલાંની વિગતો આપતાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ‘કોલેરાના ૧૬૫ દર્દી નોંધાયા છે, જેમાંથી ૩૭ સ્વસ્થ થઇ જતાં રજા આપવામાં આવી છે.
જ્યારે અન્ય દર્દીઓની હાલત સ્થિર છે. રોગગ્રસ્ત વિસ્તારમાં ૨ સોસાયટી અને ૫ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા સાયણમાં ડોર ટુ ડોર સરવે માટે ૧૫ આરોગ્ય ટીમ બનાવી કાર્યરત કરાઈ છે, જેમાં એક ટીમમાં ત્રણ આરોગ્યકર્મી સામેલ છે. જે સતત આરોગ્ય સરવે કરી દર્દીઓના નિદાન-સારવાર માટે સક્રિય છે. આરોગ્ય ટીમ દ્વારા લેબ ટેસ્ટિંગ માટે પાણીનાં ૨૫ સેમ્પલ અને ઝાડા(stool)નાં ૧૫ સેમ્પલ લેવામાં આવ્યાં છે.
સારવાર વ્યવસ્થા માટે વધારાના ૬ ડોક્ટરની ફાળવણી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ત્રણ એમ્બ્યુલન્સ અને બે ૧૦૮ એમ્બ્યુલન્સ અસરગ્રસ્ત વિસ્તારમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કલેક્ટરે ઈન્ફેક્શનનો સ્ત્રોતને શોધી લેવામાં આવ્યો હોવાનું જણાવતાં ઉમેર્યું કે, ૪ ખાનગી બોરવેલ અને ગ્રામ પંચાયતના એક બોરવેલનું દૂષિત પાણી રોગચાળા માટે કારણભૂત છે. આ બોરવેલના પાણીનો અન્ય લોકો ઉપયોગ ન કરે એ માટે સઘન નિગરાની રાખવામાં આવી રહી છે. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે ગ્રામ પંચાયત દ્વારા પેકેજ્ડ મિનરલ વોટરની બોટલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આરોગ્ય સુવિધામાં મુશ્કેલી ન સર્જાય એ માટે ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા અંગે કલેક્ટરે જણાવ્યું કે, સાયણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વર્તમાન ૫૦ બેડની ક્ષમતા છે, જેમાં વધારાના ૩૫ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીં વધારાના ૨ ડોક્ટર અને ૧૦ નર્સિંગ સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે. રોગચાળાને ફેલાતો અટકાવવાં છેલ્લા ૪ દિવસની સર્વેલન્સ કામગીરીમાં ૨૧૨૦ લોકોનો સરવે કરાયો છે. જે પૈકી ૭૦૦ વ્યક્તિઓને આગોતરી સારવાર આપવામાં આવી છે. જ્યારે તમામ ઘરોમાં ક્લોરીન ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાએ સફાઈ કામગીરી માટે ૫૦ સફાઇ કર્મચારીઓની ટીમને કામે લગાડવામાં આવી છે. કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારના તમામ લોકોને આગામી ૧૫ દિવસ સુધી ઉકાળેલું પાણી જ પીવાનો અનુરોધ કર્યો છે.
જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, CHC સુપરિન્ટેન્ડેન્ટ સહિત જિલ્લા જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી, અને સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ માટે વિવિધ ટીમો કાર્યરત કરી છે.
આંગણાં અને સોસાયટીઓને સ્વચ્છ રાખો
કલેક્ટરે ડ્રેનેજ સિસ્ટમ અને ગટરલાઈન, પાણીની પાઇપલાઇનની ચકાસણી કરવા અને લીકેજ હોય તો સત્વરે દુરસ્ત કરવા માટે તાલુકા પંચાયતના અધિકારીઓને જણાવ્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારના રહીશોને સીઆરપીસી કલમ ૧૩૩ કલમ અન્વયે નોટિસ દ્વારા તેમનાં આંગણાં, સોસાયટીઓને સ્વચ્છ રાખવા અને ઉકાળેલા, ફિલ્ટર કરેલા પાણીનું જ સેવન કરવા સૂચના આપવામાં આવી છે.
હાલ ૧૩૧ દર્દી સારવાર હેઠળ
સાયણ આદર્શનગર બે અને ત્રણમાં ચોથા દિવસે પણ સાયણ જનરલ હોસ્પિટલમાં ૧૩, જીવનરક્ષા હોસ્પિટલમાં ૧૪, સાયણ સીએચસીમાં ૧૫, સિવિલ હોસ્પિટલમાં ૫ દાખલ થતાં વધુ ૪૭ ઝાડા-ઊલટીના કેસ નોંધાયા છે. અને સોમવારના રોજ વધુ ૩૪ દર્દીને રજા આપતાં હાલ ૧૩૧ દર્દીને સારવાર અપાઈ રહી છે. હજુ સુધી ઝાડા-ઊલટીના રોગ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહેતો આરોગ્ય વિભાગ પણ કમરતોડ મહેનત કરી રહ્યો છે.