Dakshin Gujarat

સાયણના આદર્શનગરમાં ઝાડા-ઊલટીનો કહેર યથાવત, બે દિવસમાં 100થી વધુ કેસ

સાયણમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી નિકાલ કરવાની નિષ્ફળતા અને પીવાના પાણીના શુદ્ધીકરણ સાથે ગંદકીને લઈ મચ્છરના ઉપદ્રવ પર નિયંત્રણ મેળવવાની આરોગ્યલક્ષી કામગીરીના અભાવે વર્ષ-૨૦૧૯ માફક ફરીવાર પાણીજન્ય અને મચ્છરમાં ઉપદ્રવથી થતો રોગચાળો ફેલાતાં બે દિવસમાં ઝાડા-ઊલટીના ૧૧૧ લોકો ચપેટમાં આવ્યા હતા. બીજા દિવસે પણ કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ તથા સ્થાનિક તંત્ર આરોગ્યલક્ષી કામગીરીમાં જોતરાયું હતું.

ઓલપાડના સાયણ ગામના આદર્શનગર-૨ અને ૩માં ૧૫૦૦થી વધુ પરપ્રાંતીયની વસતી છે. આદર્શનગરમાં ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય, જેનો યોગ્ય નિકાલ ન થતાં ઊભરાતી ગટરોને લઈ થતી ગંદકીઓમાં મચ્છરનો ઉપદ્રવ થવાથી વરસાદી વાતાવરણમાં લોકો રોગચાળાનો શિકાર થયા છે. તકેદારીના ભાગરૂપે યોગ્ય કામગીરી ન કરતાં હાલ ફરી સાયણ ગામે રોગચાળો ફેલાયો છે.
સાયણના આદર્શનગર-૨ અને ૩માં લોકો રોગચાળાની ચપેટમાં આવતાં શનિવારે સાંજે ૬ વાગ્યે સુધીમાં સાયણની ખાનગી હોસ્પિટલ ૩૧ દર્દી, સાયણ સીએચસીમાં ૨૨ દર્દી, જીવનરક્ષા હોસ્પિટલમાં ૩૬ દર્દી, સુરત સિવિલ હોસ્પિટલમાં ૨, આરોગ્ય વિભાગે આદર્શનગર-૩માં ઓપીડીની વ્યવસ્થા કરતાં ત્યાં ૧૧૮ વ્યક્તિની તપાસ કરતાં ૨૦ દર્દી ઝાડા-ઊલટીના કેસો નોંધાતાં કુલ ૧૧૧ ઉપર આંકડો પહોંચી ગયો છે, જેમાં ૨ માસૂમ બાળકોને આઈસીયુમાં એડમિટ કર્યા છે. આખા દિવસ દરમિયાન ઓલપાડ ટીડીઓ, આરોગ્ય અધિકારી તથા નેતાઓએ સ્થળનું નિરીક્ષણ કરી દર્દીઓને મળ્યા હતા.

સુરત જિલ્લાનું વહીવટી તંત્ર કામગીરીમાં નિષ્ફળ નીવડ્યું છે: દર્શન નાયક
સુરત જિલ્લા પંચાયતના માજી સદસ્ય દર્શન નાયકે જણાવ્યું કે, હું તમામ હોસ્પિટલોમાં ઝાડા-ઊલટીના દાખલ દર્દીઓને મળ્યો છું તથા આદર્શ નગરની સ્થિતિ જોતા ધ્યાને આવ્યું કે, સુરત જિલ્લાનું વહીવટી તંત્ર કામગીરીમાં નિષ્ફળ નીવડ્યું છે. અગાઉના વર્ષમાં પણ પ્રદૂષિત પાણી પીવાના લીધે આદર્શનગર જેવા વિસ્તારોમાં ઝાડા-ઊલટીના કેસો નોંધાયા હતા. આજે પણ છેલ્લા બે દિવસથી પાણી પ્રદૂષિત થયું તેની હજુ સુધી જાણકારી મળી નથી અને ગંદકી પણ એટલી જ છે. જે અગાઉ મેં ડીડીઓને પત્ર પણ લખ્યો હતો. પણ ઉકેલ આવ્યો નથી.

Most Popular

To Top