સાયણની ડ્રેનેજ ખાડી પૂરી માર્કેટ બનાવવા સામે કાર્યવાહી કરવા બાબતે સોસાયટીના રહીશોએ ભેગા મળી ઠરાવ કર્યો હતો. ગત 8 તારીખે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ઓલપાડના સાયણ ગામના મધ્યેથી વરસાદી પાણીના નિકાલ માટેની સાયણ ટકારમા ડ્રેનેજ ખાડીના બે ફાંટા પડે છે. સાયણ-ગોઠણ રોડ પર બી.એસ.એન.એલ. ઓફિસ સામેથી એક ફાંટો સાયણ પોસ્ટ ઓફિસ તરફ અને બીજો ફાંટો સાફલિયા સોસાયટી, કૈલાસનગર, ગાયત્રી સોસાયટી, અંબિકા સોસાયટી, આરાધના સોસાયટી તરફ વહે છે. આ ખાડીનો પ્રવાહ સાયણ હાઇસ્કૂલ આગળથી નીકળી અન્ય ગામોથી થઇ ટકારમા સુધી પહોંચે છે.
ખાડીના પ્રવાહને પૂરવા સુગર ફેક્ટરીની બળેલી રાખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે જાહેર સ્વાસ્થ્ય માટે પણ હાનિકર્તા છે. આ જ સ્થળ ઉપર પાંચ ફૂટ જેટલી માટીપુરાણ માટેની કાર્યવાહી પંચાયત શાસકો હાથ ધરી રહ્યા છે. આ બિનઅધિકૃત માટી પુરાણ કરવાથી સોસાયટીની આશરે 2500થી વધુની વસતી ધરાવતો રહેણાક વિસ્તાર વરસાદી પાણીના પૂરથી ડૂબશે. અગાઉ સોસાયટીની મહિલાઓ અગાઉ ગ્રામ પંચાયતને રજૂઆત કરવા માટે ગઈ હતી. પણ શાસકોએ મહિલાઓની રજૂઆતો સાંભળવાનો પણ ઇનકાર કરી દીધો હતો. જેથી કલેક્ટર સ્થળની રૂબરૂ તપાસ કરી સાયણ ગામની ડ્રેનેજ ખાડીના વહેણને ખુલ્લું કરવાની કાર્યવાહી કરવાનો આદેશ આપે એવી આવેદનપત્રમાં રજૂઆત કરાઇ હતી.
ચોમાસામાં પાણીનો ભરાવો થશે તો શૈક્ષણિક કાર્યને અસર થશે
સાયણ બજારમાં શાકભાજી માર્કેટ બનાવવા માટે વહેતી ખાડીના પ્રવાહને પૂરી પાણીના નિકાલ માટે નાના પાઈપ નાંખ્યા છે. જેને લઈ ચોમાસામાં શાળામાં પાણીના ભરાવો થવાથી બાલમંદિર વિભાગથી ધોરણ-૧૨ સુધી 2900 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવું પડશે. બાળકોના શૈક્ષણિક કાર્યો ઉપર માઠી અસર પડશે.
ખાડી સાફ કરવાનું કામ ડ્રેનેજ વિભાગનું છે: અશ્વિન ઠક્કર
સાયણ ગ્રામ પંચાયતના ઉપસરપંચ અશ્વિન ઠક્કરે જણાવ્યું કે, ખાડી સાફ કરવાનું કામ ડ્રેનેજ વિભાગનું છે. ગ્રામ પંચાયતને લાગતું નથી. તેમ છતાં ગામ પંચાયતે તેમની સાથે સંકલન કરી ખાડીઓ સાફ કરાવી છે અને સોસાયટીની મહિલાઓએ ખાડી સાફ કરવા માટે અરજી કરી હતી, ના કે શાકમાર્કેટ બનાવવી કે ભૂંગળાં નાંખવાની અરજી નથી કરી. નાના પાઈપો નાંખવા બાબતે જણાવ્યું કે, જે-તે સમયે માર્ગ-મકાન વિભાગે ભૂંગળાં મંજૂર કર્યાં હતાં. સાયણ ગ્રામ પંચાયત કે સ્વભંડોળની કોઈ ગ્રાન્ટ નથી.