Dakshin Gujarat

ગુનેગારો ‘બેલગામ’: સાયણ પોલીસ ચોકીમાં તોડફોડ

સાયણમાં વારંવાર અસામાજિક તત્ત્વો દ્વારા મારામારી જેવા અનેક ગુનાઓ બનતા આવ્યા છે. ત્યારે ગત રાત્રે સાયણ સુગર રોડ પર આવેલા અનુપમા ડ્રીમ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા તથા સાથે રહેતા માથાભારે ઈસમોએ નીચેના ફ્લેટમાં રહેતા પરિવાર સાથે બબાલ કરી તેમના ફ્લેટમાં તોડફોડ કરી હતી. ત્યારે ગભરાયેલા પરિવારે પોલીસ ફરિયાદ કરવા જતાં આ માથાભારે ઈસમોએ સાયણ પોલીસ ચોકીને બાન લઈ આતંક મચાવી પોલીસ ચોકીમાં પણ તોડફોડ કરી મૂકી હતી.

મૂળ ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના દેવીસીંગ સુંદરલાલ રાજપૂત સાયણ સુગર રોડ પર આવેલા અનુપમ ડ્રીમ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.૧૦૭ ભાડે રાખી પોતાના પરિવાર સાથે રહે છે. ગત તા.૨૫/૬/૨૦૨૧ના રોજ એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નં.૨૦૭માં રહેતા જાનવી કેતનભાઇ કાછડિયા ફ્લેટની ગેલેરીમાંથી દેવીસીંગના પરિવારના સભ્યો સાથે વિમલ ખાઈને તમારી ગેલેરીમાં થૂંકું છું તે મકાનમાલિક ભરતભાઈને કેમ ફરિયાદ કરો છો? આમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારે દેવીસીંગના પરિવારે કોઈ જવાબ ન આપતાં તેણીએ તેમની સાથેના હરેશભાઈ રાણાભાઈ કારડીયા તથા અતુલભાઇ વિજય કુટે (મરાઠી) સાથે મળી દેવીસીંગના ફ્લેટમાં આવી બબાલ કરી હતી.

દરમિયાન દેવીસિંગના પરિવારે દરવાજો નહીં ખોલતાં તેમણે આતંક મચાવી બેડરૂમની સ્લાઇડર બારીનો કાચ તોડી પોતાના હાથમાં લાકડાના સપાટા લઈ ઘરમાં પ્રવેશ કરી ત્રણેય તેમને ગાળો બોલી ઢીકમુક્કીનો માર મારવા લાગ્યા હતા. આથી દેવીસીંગે ગભરાઈને પરિવાર સાથે બેડરૂમમાં જઈ દરવાજો બંધ કરી દીધો હતો. આ ત્રણેય જણાએ દરવાજો ખખડાવી ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ નહીં ખોલતાં જાનવીએ ધમકી આપતાં જણાવ્યું કે, અહીંથી ચાલ્યા જાવો. નહીં તો હું તમારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરીશ અને હવે પછી મારી કોઈને ફરિયાદ કરશે તો તેમને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી જતાં જતાં ફ્લેટમાં સીલિંગ ફેન, ગેસનો ચૂલો તથા પાણીનું માટલું, લાકડાનું ટેબલ, ખુરશી જેવી વસ્તુઓની તોડફોડ કરી હતી.

તોડફોડ દરમિયાન તેમને ઇજા થતાં ગેલેરીમાં લોહીના ડાઘ પડી ગયા હતા.
દેવસીંગ તેમના બે દીકરા અને સાળા સાથે સાયણ ચોકી ઉપર ફરિયાદ કરવા ગયા ત્યારે તેમની પાછળ આ ત્રણેય જણા સાયણ ચોકી આવી ઝઘડો કરવા લાગ્યા હતા. ફરી તેઓ ચોકીથી દૂર ચાલ્યા ગયા હતા. ત્યારે આ ત્રણેય જણાએ સાયણ આઉટ પોસ્ટના મકાનમાં ઘૂસી જઈ ટેબલ પર મૂકેલા કાચ તથા સ્લાઈડર બારી, ડ્રેસિંગ કાચ, ટી.વી તોડી નુકસાન કર્યું હતું. ત્રણેય સામે દેવીસીંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં સાયણ પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top