Entertainment

કોઇની તાકાત કે ‘નૌશાદ’ને કશુંય કહે!!

રાજ-દિલીપ-દેવની ત્રિપુટી ગ્રેટ ગણાયેલી છે. એ ત્રણેની ફિલ્મો, સ્ટાઇલનું અલગ પૃથ્થકરણ થઇ શકે પણ એક વાત તરત યાદ કરી શકો કે રાજકપૂરની ફિલ્મોનાં સંગીતકાર શંકર-જયકિશન હોય ને ગીતકાર શૈલેન્દ્ર-હસરત-દેવઆનંદની ફિલ્મો સચિનદેવ બર્મનનાં સંગીતથી મધુર બનતી ને તેમના મુખ્ય ગીતકાર મજરુહ, સાહિર હતા. દિલીપકુમારની ફિલ્મોની ઓળખ સાથે નૌશાદનું સંગીત અને શકીલ બદાયુંનીનાં ગીતો છે. દિલીપકુમારની ઇમેજ મુખ્યત્વે ટ્રેજેડીકિંગની રહી. રાજકપૂરની ફિલ્મોથી જરા જૂદા પ્રકારની ગંભીરતા અને અસર દિલીપકુમારમાં છે અને નૌશાદનું સંગીત દિલીપકુમારના ચરિત્રને વ્યકત કરે છે.

નૌશાદના પસંદગીના મુખ્ય ગાયક મોહમ્મદ રફી અને ગાયિકા લતા મંગેશકર જ રહ્યા. કિશોરકુમારને તમે નૌશાદનાં સંગીતમાં વિચારી પણ ન શકો. નૌશાદ એવા સંગીતકાર હતા કે તેમણે જે ફિલ્મમાં સંગીત આપ્યું હોય તેમાં દિલીપકુમારને બદલી બીજા અભિનેતા હોય તો તેનું પણ ચરિત્ર તોફાની તો ન જ હશે તેવું ધારી શકાય. નૌશાદના સંગીતમાં આધુનિક વાદ્યો તમે રેર જ સાંભળી શકો. આશા ભોંસલેને તમે ઓ.પી. નૈયર,આર.ડી. બર્મનના સંગીતમાં જે રીતે લિજ્જતથી, સ્ટાઇલથી ગાતાં સાંભળ્યા તેવું નૌશાદમાં કદી ન બને. એ બહુ મરજાદી સંગીતકાર હતા. તેમના રોમેન્ટિક ગીતોમાં મસ્તી કે છાકટાપણુ ન અનુભવી શકો. નૌશાદના સંગીતમાં ક્રિયેટિવિટીનો અભાવ હતો તેવું પણ સચિન દા, સલિલ ચૌધરી, શંકર જયકિશન વગેરેના સંગીત સામે તુલના કરતાં સમજાશે. નૌશાદ વિશે એવું પણ કહેવાતું કે જયારે જયારે તેમના આસિસ્ટન્ટ તરીકે સારા સંગીતકારો હતા ત્યારે તેમણે વધુ સારું સંગીત આપ્યું છે.

ખેર! એક વાત તો નક્કી છે કે નૌશાદના સંગીતમાં મધુરતા હતી, લોક સંગીતની સહજતા હતી અને ભારતીય શાસ્ત્રીય સંગીત અને તેના રાગોના ઉપયોગને કારણે અવિસ્મરણીય બનવાની ક્ષમતા હતી. એક જમાનો હતો કે ‘દાસ્તાન’ના ટ્રેલરમાં ઊંચા સ્વરે ઉદ્‌ઘોષણા થતી કે ‘ચાલીસ કરોડ મેં એક હી નૌશાદ.’ ફિલ્મ સંગીતકારોને એક ખાસ દરજ્જો અપાવવાનું કામ તેમણે કર્યું. તેઓ જે સંગીત આપે તેને મહેબૂબ ખાન, કે આસીફ સમા માન્ય રાખતા. કોઇની તાકાત નહીં કે તેમને કશુંક કહે. તેઓ બહુ બધા ગીતકારો પાસે ગીત લખાવતા નહીં. મજરુહ અને શકીલ તેમના ખાસ હતા. સાહિર, શૈલેન્દ્ર જેવાથી દૂર જ રહ્યા. આનંદ બક્ષી જેવા ગીતકારને તો તમે નૌશાદ સાથે ભુલથી પણ ન વિચારી શકો.

નૌશાદ સાહેબે ગુજરાતી નિર્માતા ચંદુલાલ શાહની ‘કંગન’ (1939) ફિલ્મ માટે પહેલું ગીત કમ્પોઝ કરેલું. ‘બતા દો મોહે કૌન ગલી ગયે શ્યામ’. પણ બસ એક જ ગીત કમ્પોઝ કરી રણજીત મુવીટોનને છોડી દીધેલું પછી ભવનાની પ્રોડકશનની ‘પ્રેમનગર’ (1940)માં સંગીત આપ્યું. હિન્દી ફિલ્મોમાં ઉત્તરપ્રદેશના અવધી-પૂરબી લોકગીતો અને રિધમનો પ્રભાવક ઉપયોગ નૌશાદે જ શરૂ કર્યો. તેમણે ઘણી પ્રતિભાને તક પણ આપી જેમકે સુરૈયાએ ‘નઇ દૂનિયા’માં નૌશાદના સંગીત હેઠળ જ પહેલું ગીત ગાયેલું. ‘બૂટ કહું મેં પોલિશ બાબુ’. નૌશાદે જ ટૂનટૂનને એટલે કે ઉમાદેવીને તક આપેલી. અત્યારના ગોવિંદાની મા નિર્મલા દેવી પાસે પણ તેમણી ગીતો ગવડાવ્યા.

નૌશાદ ખૂબ જાણીતા થયા તે ‘રતન’ ફિલ્મના સંગીતથી. એ ફિલ્મની સફળતામાં નૌશાદનું શું મહત્વ છે તે સ્પષ્ટ કરવું હોય તો કહી શકાય કે એ ફિલ્મની નેગેટિવની કિંમત 75000 રૂા. હતી. જયારે ગીતોની રોયલ્ટી રૂપે સાડા ત્રણ લાખ રૂપિયા મળેલા. આ ફિલ્મના સંગીતમાં તેમના સહાયક હતા ગુલામ મોહમ્મદ. ‘અનમોલ ઘડી’નું સંગીત. આ ફિલ્મનાં ગીતોમાં નૂરજહાંનો અવાજ ચારે બાજુ લહેરાયેલો, આજે પણ લહેરાય છે. ‘આવાઝ દે હાં હે દૂનિયા મેરી જવાં હૈ.’ મહેબૂબ ખાન અને એ.આર. કારદાર નૌશાદનો આગ્રહ રાખતા થયા પછી નૌશાદ અનેક લોકપ્રિય ફિલ્મોથી ઓળખાયા. ‘શાહજહાં’માં તેમણે કુંદનલાલ સાયગલ પાસે ગીતો ગવડાવ્યા. મુંબઇના સંગીતકારોમાં આવી તક તેમને જ મળી. મજરુહે પ્રથમવાર ફિલ્મ ગીતો લખવાનો આરંભ પણ આ ફિલ્મથી કર્યો અને પછી તો બંને એકબીજાનાં વેવાય પણ બન્યા. નૌશાદને ‘શાહજહાં’, ‘દર્દ’, ‘દિલ્લગી’, ‘દુલારી’, ‘મેલા’, ‘અંદાજ’ ‘ઉડન ખટોલા’ ફિલ્મો મળી અને ટોપ પર પહોંચી ગયા. રફી તેમના ખાસ પણ ‘અનોખી અદા’, ‘મેલા’, ‘અંદાજ’માન મુકેશ છે.

‘ગાયે જા ગીત મિલન કે તુ અપની લગન કે’ યા ‘ધરતી કો આકાશ પુકારે’, ‘ટૂટેના દિલ ટેટેના’, ‘ઝૂમ ઝૂમ કે નાચો આજ’માં મુકેશ છે તો જૂદી રંગત છે. એ સમય અનેક ગાયક-ગાયિકાના આરંભના દાયકાઓનો સમય છે એટલે એ તાજપતાનો લાભ પણ નૌશાદને મળ્યો છે. ‘મુગલ-એ-આઝમ’, ‘મધર ઇન્ડિયા’ તો એક મિસાલ છે પણ ‘દાસ્તાન’, ‘અમર’, ‘દીદાર’, ‘બૈજુ બાવરા’, ‘આન’, ‘શબાબ’ નૌશાદથી જ માધુર્યભરી લાગે છે. ‘ગંગા જમુના’નું સંગીત લોક સંગીતથી ભરપૂર છે ને તેથી જ પ્રભાવક છે. ‘મુગલ-એ-આઝમ’માં તેઓ મુગલાઇ ઠાઠ ને પ્રેમની ખુમારી ભરે છે. નૌશાદની એવી અનેક ફિલ્મો છે જેના એક પણ ગીતને બાદ ન કરી શકો. ‘મધર ઇન્ડિયા’માં તેમણે જૂદો મિજાજ પ્રગટાવેલો. પણ ‘મેરે મહેબૂબ’ પછી તેઓ ધીમે ધીમે ઢાળ પર આવ્યાનું લાગે. ત્યાર પછી ‘સન ઓફ ઇન્ડિયા’, ‘લીડર’, ‘પાલકી’, ‘રામ ઔર શ્યામ’, ‘સાથી’, ‘ટાંગેવાલા’ જેવી ફિલ્મો આવી. નૌશાદનું સાંભળેલું સંગીત જાણે ફરી સંભળાવા માંડયું. તેઓ પોતાને બદલી ન શકયા.

ખેર! જે સમયે તેઓ સૌથી વધારે લોકપ્રિય હતા તે સમયનું સંગીત આજે પણ તેમની ઓળખ બનીને લોકોના મનમાં છે. તેઓ કે.આસીફની ‘લવ એન્ડ ગોડ’ના ય સંગીતકાર હતા અને એજ રીતે ‘હબ્બા ખાતૂન’ ફિલ્મ પણ રજૂ ન થઇ. ‘ચાણકય ઔર ચંદ્રગુપ્ત’, ‘પુકાર’, ‘કુરુ’ ફિલ્મો પણ અધૂરી રહી. પણ નૌશાદની શૈલી એક યુગ સાથે જોડાયેલી છે ને તે યુગ દિલીપકુમારની યાદ અપાવે છે. રફી, લતાજીની કેટલાંય અમર ગીતો નૌશાદના સંગીતમાં સમાયેલા છે. રાજુ ભારતને તેમની પર ‘નૌશાદનામા’ પુસ્તક લખ્યું છે ને સ્વયં નૌશાદના સ્મરણોવાળુ ‘આજ ગાવત મન મેરો’ તો ગુજરાતીમાં ઉપલબ્ધ છે. નૌશાદના સંગીતને સાંભળો ને વાંચી ય શકો કારણ કે તેઓ પોતે શાયર પણ હતા.

Most Popular

To Top