‘પદ્મશ્રી પુરસ્કારના સાચા હકદારો આ છે’, સવજી ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડ મળતા રત્નકલાકારો નારાજ થયા, સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યા

સુરત: (Surat) સુરતના હીરા ઉદ્યોગકાર સવજી ધોળકીયાને (Savji Dholkiya) 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિને પદ્મશ્રી એવોર્ડથી (Padma Shri Award) ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે, ત્યારે આ બાબતે ગૌરવ અનુભવવાના બદલે તેમના જ ઉદ્યોગમાંથી વિરોધનો સૂર ઉઠ્યો છે. સવજી ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવતા સૌથી વધુ રત્નકલાકારો નારાજ થયા છે. સોશિયલ મીડિયા પર Diamond worker Union Gujarat ના ફેસબુક પેજ પર એક પોસ્ટ મૂકવામાં આવી ત્યાર બાદથી રત્નકલાકારોએ (Diamond workers) સવજી ધોળકીયાને સોશિયલ મીડિયા પર ગાળો ભાંડવાનું શરૂ કર્યું છે.

Diamond worker Union Gujarat ફેસબુક પેજ પર એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે સરકારના પદ્મશ્રી એવોર્ડના સાચા હકદારો ગોવિંદભાઈ ધોળકિયા અને સેવંતીભાઈ શાહ છે. હીરા ઉદ્યોગના સાચા હીરા અને સ્વપ્નદ્રષ્ટા આ બંને મહાનુભાવો છે. એમના સપનાનું હીરાઉદ્યોગ બન તો જ રત્નકલાકારોના ભવિષ્ય ઉજ્જવળ થશે. આ પોસ્ટ સાથે Diamond worker Union Gujarat પર અભિપ્રાય માંગવામાં આવ્યા છે.

26મી જાન્યુઆરીએ મુકાયેલી આ પોસ્ટ (Post) ખૂબ વાયરલ (Viral) થઈ રહી છે. લોકો અહીં ખૂબ કોમેન્ટ કરી રહ્યાં છે. મોટા ભાગની કોમેન્ટ સવજી ધોળકીયાની વિરુદ્ધની છે. સવજીભાઈના કયા કાર્યના લીધે તેમને પદ્મશ્રી મળ્યો તેવા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યાં છે. સવજી ધોળકીયા કરતા વધુ સારું કામ ગોવિંદ ધોળકિયા અને સેવંતી શાહે કર્યું હોવાની દલીલો થઈ રહી છે. કેટલાંક યૂઝર્સ તો ભાન ભૂલી સવજી ધોળકીયા વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યાં છે.

સવજીભાઈ કરતા ગોવિંદ ધોળકીયા, સેવંતી શાહ અથવા ખજૂરભાઈને એવોર્ડ મળવો જોઈતો હતો તેવી લાગણી
ફેસબુક પેજ પર કેટલાંક લોકોએ સવજી ધોળકીયા કરતા પદ્મશ્રી એવોર્ડ માટે ગોવિંદ ધોળકીયા અને સેવંતી શાહને વધુ લાયક ગણાવ્યા છે, જ્યારે કેટલાંક યુઝર્સે તો ખજુરભાઈ ઉર્ફે નિતિન જાનીને એવોર્ડ મળવો જોઈતો હતો તેવી લાગણી વ્યક્ત કરી છે. તાજેતરમાં ગુજરાતમાં ભારે વરસાદ અને ચક્રવાતને લીધે સર્જાયેલી તબાહી બાદ ગામે ગામ ગરીબ લોકોને પાક્કા ઘર બનાવી આપનાર ખજૂરભાઈને એવોર્ડ મળવો જોઈતો હતો તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.

રત્નકલાકારોને જેલની જેમ પૂરી રાખે છે તેવા આક્ષેપો કર્યા
કેટલાંક યુઝર્સે સવજી ધોળકીયા પર વ્યક્તિગત આક્ષેપો કર્યા છે. તો કેટલાંકે લખ્યું છે કે રત્નકલાકારોને જેલની જેમ પુરી રાખે છે. કંઈ સારું કામ નથી કરતા. તો કેટલાંકે સારી વાતો પણ લખી છે. હંમેશા હીરા ઉદ્યોગ અને રત્નકલાકારોના હીતમાં સવજીભાઈ કામ કરતા હોવાનો પક્ષ પણ અનેક યુઝર્સે લીધો છે.

આરોગ્ય અને જળસિંચય ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિ બદલ સવજી ધોળકીયાને પદ્મશ્રી મળ્યો
12 એપ્રિલ 1962ના રોજ અમરેલીના દૂધાળા ગામમાં જન્મેલા સવજીભાઇ ધોળકિયાએ ધો.5 સુધીનો અભ્યાસ કર્યો છે. રોજગારીની શોધમાં તેઓ તેમના કાકા ગોવિંદભાઇ ધોળકિયાના આહવાનને પગલે 1978માં સુરતમાં વિકસી રહેલા હીરા ઉદ્યોગમાં રત્નકલાકાર તરીકે કામ કરવા માટે સુરત આવ્યા હતા. અને આજે તેઓ સખત પરિશ્રમ અને મહેનતથી 6 હજાર કરોડનું ટર્નઓવર ધરાવનાર હરિક્રિષ્ના એક્સપોર્ટ ડાયમંડ કંપનીના માલિક છે. સવજીભાઇની સફળતા પાછળ તેમની માતાનો મોટો ફાળો છે. સુરત આવ્યા પછી તેઓ દુધાળા ગામે ઘણીવાર પરત થઇ જતા હતાં પરંતુ તેમની માતાએ સુરત જઇને તેમને સફળ થવાનો આગ્રહ રાખ્યો હતો. સવજીભાઇએ પિતા પાસેથી 3900 રૂપિયા ઉછીના લઇ પ્રાગજીભાઇ સાથે ભાગીદારીમાં હીરાનો વ્યવસાય કર્યો હતો. તે પછી તેમણે પાછા વળીને જોયું નથી. સવજીભાઇ સુરતની નાની હીરાની ફેક્ટરીમાં 180 રૂપિયે માસિક પગાર પર નોકરી કરતા હતા.

News & Views :: દિવાળીમાં બોનસ પેટે કાર આપતા સવજી ધોળકિયાએ દિલ્હીમાં જાણો  શું કહ્યું

1992 માં મુંબઇના એક ઉદ્યોગ સલાહકારની મદદથી તેમણે માર્કેટિંગ ઓફિસ ખોલી હીરા એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું હતું. પરિવારની પ્રથા પ્રમાણે પિતાએ જે ટેવ પાડી હતી તે મુજબ ધોળકિયા પરિવાર આવકનો 10 થી 20 ટકા હિસ્સો દાન કરે છે. તેઓને આરોગ્ય અને જળ સિંચય ક્ષેત્રમાં સેવાકિય પ્રવૃત્તિ કરવા માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. સવજીભાઇ પંચગંગા તિર્થ સરોવર નિર્માણનું મિશન ચલાવે છે તેમણે તેમના ગામ દુધાળામાં મૃત સરોવરને જીવંત કર્યું હતું. તે ઉપરાંત નર્મદા જિલ્લામાં પણ તેમણે સરોવરનું નિર્માણ કર્યું છે. તેઓ પોતાના કર્મચારીઓને દિવાળી બોનસમાં ઇન્સેન્ટિવ તરીકે ફલેટ, કાર અને મોટરસાયકલ આપતા આવ્યા છે. સૌરાષ્ટ્રના જે ગામોમાં પાણી અછત છે ત્યાં તેઓ તળાવ બનાવવાનું કામ કરે છે. તેમની કંપની આજે વાર્ષિક 6 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે તથા દેશ-વિદેશમાં ઓફિસો ધરાવે છે તેઓ એક એરલાઇન્સ કંપનીમાં પણ ભાગીદાર છે.

Most Popular

To Top