આસો મહિનો આવે એટલે ચોમાસાની ઋતુનો અંત આવવાની તૈયારી. જેટલો વરસાદ શરૂઆતમાં ન થયો એની સરખામણીમાં વધુ વરસાદ ભાદરવામાં જ વરસી ગયો. એટલે આખું વર્ષ ચાલે એટલા પાણીનો સંગ્રહ તો થઇ ગયો. એટલે ચોમાસું સરભર થઇ ગયું. પરંતુ આ ગરમીની ઋતુ કેટલા મહિના ચાલશે એ તો સમજાતું જ નથી. લગભગ શિયાળાની ઋતુને બાદ કરતાં (એકાદ બે મહિના) બાકી આખું વર્ષ ગરમીનો અનુભવ આપણે બધા કરી રહ્યા છીએ. જયારે વરસાદ વરસે છે. બસ એના થોડા કલાકો જ ઠંડકનો અનુભવ થાય. બાકી ધોમધખતો સૂર્ય અને અસહ્ય બફારો એની સાથે આપણે ટેવાઈ જ જવું પડે છે.
કહેવાનો મતલબ કે જંગલો અને ખેતરો દૂર કરીને બનાવવામાં આવતા રહેણાંક વિસ્તારો અને સિમેન્ટ કોંક્રીટના રસ્તાઓને કારણે વરસાદનું પાણી ધરતીની માટીમાં ઊંડે ઊતરતું નથી. જેથી વરસાદ ગમે તેટલો વરસે, પરંતુ માટીની ઠંડક આપણે કયાંથી મળે એના બદલામાં અસહ્ય ગરમી! ઋતુઓની સમાનતા હવે આપણને જોવા મળતી નથી. વિદેશની જેમ આપણે પણ અસમાન ઋતુચક્રથી ટેવાઇ ગયા છીએ. એમાં ગરમી તો પરમેનન્ટ! ગરમી વધવાથી પંખા, એ.સી.માં વીજળીનો વપરાશ પણ વધ્યો છે. હવે જયારે કોલસાની અછત અને વીજ સંકટ આપણા માથે ટોળાઇ રહ્યું છે ત્યારે વીજળીને બચાવવા માટે સૂર્યની ફ્રી માં મળતી ઊર્જાનો લાભ લઇને આ અસહ્ય ગરમીને પણ આપણા માટે ફાયદાકારક બનાવી શકીએ. અને એટલે ઘણો મોટો વર્ગ હવે સોલાર સિસ્ટમ દ્વારા વીજળીની બચત કરવામાં આગળ તો વધ્યો જ છે. જયારે આખું વર્ષ ગરમીથી આપણે ટેવાઈ જ ગયા છીએ તો પછી આ સૌર ઊર્જાનો લાભ લેવાની ટેવ પણ આપણે વિકસાવવી જોઇએ.
અમરોલી – પાયલ વી. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે