Charchapatra

સુરત પાસે તોપો છે તે સાચવો

સમાચાર છે કે બોમ્બે માર્કેટ પાસેનાં સુરત મ.ન.પા.ની ખાલી જગ્યા પરથી અર્ધી દટાયેલી એવી 17 તોપો મળી આવી. આજે પણ સુરતના ચોક વિસ્તારના કિલ્લા પર એક તોપ દેખાય છે. આ બધી તોપોનો એક ઇતિહાસ છે. ભારત પર જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે સુરત એક ઐતિહાસિક શહેર ગણાતું હતું. ચાંચિયાઓના હુમલાને ટાળવા અંગ્રેજી શાસને ઠેર ઠેર તોપો મૂકી હતી. આઝાદી મળ્યા પછી પણ કોંગ્રેસ શાસનમાં આ તોપો જેમની તેમ જગ્યાએ જગ્યાએ સ્થાપિત હતી. આ તોપો સુરતનું નજરાણુ હતું. મ.ન.પા.ના ભૂતકાળથી ચાલી આવતાં અંધેર કારભારની વાત નથી કરવી, પરંતુ સુરતની તાપી નદીનું મહત્ત્વ છે તેમ તે વખતે આ તોપોનું મહત્ત્વ હતું.

આ સત્તેરે સત્તર તોપો જ્યાં જ્યાં મૂકી હતી ત્યાં સહેલાણીઓને લઈ જવાતાં હતાં. જ્યારે મગદલ્લા બંદરનું રૂપાંતર થઈ મોટું સ્વરૂપ થયું ત્યારે તેના ઉદ્ઘાટન માટે ગુજરાત રાજ્યના તે વખતના રાજ્યપાલ આવવાના હતા. તેમાં એમનાં પત્નીએ પણ તાપીમાં સ્નાન કરવાનો આગ્રહ રાખતાં સજોડે આવ્યાં હતાં. રાજ્યપાલ સુરત આવવાના હતા તે કાર્યક્રમમાં આ તોપો જોવાનો પણ એક કાર્યક્રમ હતો. તે વખતનાં શહેર કોંગ્રેસનાં પ્રમુખ કુમુદ જોષીએ ગુજરાતની જાણીતી ફાઈનાન્સ કંપની શ્રી લક્ષ્મીચંદ ભગાજીના રીજીયોનલ મેનેજર કાંતિભાઈને સોંપી હતી. તેમાં લખનાર અને લખનારનાં પત્નીનો પણ સમાવેશ થાય છે. રાજ્યપાલનાં પત્ની અને સહેલીઓને તાપીમાં સ્નાન તથા સુરતનાં વિવિધ મંદિરો બતાવવાની જવાબદારી લખનારનાં પત્ની સરયૂબેન સોનીને સોંપવામાં આવી હતી. રાજ્યપાલ સાથે આવેલા નેતાઓ આ તોપો જોઈ ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા.

આમ આ મોંઘેરી તોપોને સાચવવાને બદલે ત્યારની મ.ન.પા.એ ખાડે જવા દીધી હતી. કેટલાંય વર્ષો પછી એ જગ્યાનો કાટમાળ હટાવતાં સુરત મ.ન.પા.ને દેખાઈ. હવે સવાલ મોટો એ થઈને ઊભો રહે છે કે આ તોપોને હાલની સ્થિતિમાં આવી ડટાયેલી રહેવા દેવી છે કે એના ઉપરનો કાટ કાઢીને એને ફરીથી ઐતિહાસિક બનાવવી છે. હાલનાં સૂરતનાં મ.ન.પા.નાં અધિકારીઓએ સુરત નંબર વન મેળવ્યા પછી એને પણ નંબર વનમાં સ્થાન આપવું જોઈએ કે પછી રેઢિયાળ કારભારની જેમ પડી રહેવા દેવી જોઈએ. સુરત મ.ન.પા.નાં અધિકારીઓ વિચારે.
પોંડીચેરી.    -ડૉ.કે.ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top