ધાર્મિક ગ્રંથો નહીં વાંચી સકતા લોકો માટે સાધુ-સંતો અને ધર્મસ્થાનો જ્ઞાન પ્રાપ્તીના સ્થાનો ગણાયા છે અને અહીંથી લોકોને પોતાના ધર્મનું ગહન જ્ઞાન સરળતાથી મળે છે. સાધુ-સંતો અને ઉપદેશકો લોકોને ધર્મના ઉંડા રહસ્યો સમજાવે અને જ્ઞાનનો પ્રસાર કરે પણ, આ લોકો જ અજ્ઞાનના મહાસાગરમાં ડૂબેલા હોય તો શું? તાજેતરમાં એક સંપ્રદાયના સાધુઓ પોતાના આરાધ્ય દેવને મહાન ગણાવવા અન્ય અન્ય આદરણીય સાધુ-સંતો અને દેવી-દેવતાઓનું અપમાન કરતા લવારા કરતા હોય છે. આ ફેંકા ફેંક સામે રામાનંદ સાગરની રામાયણ અને બી.આર. ચોપરાની મહાભારત સિરીયલ કેટલી સમતોલ અને જ્ઞાનપૂર્ણ રીતે બનાવવામાં આવી હતી.
વૈરાગ્ય અને સ્ત્રીઓથી દૂર રહેવાના ઉપદેશ આપતા આ સંપ્રદાયના અનેક સાધુ-સંતોની લંપટ લીલા બહાર આવી છે. સાધુપણાને કારણે દંભ વધે ત્યારે આચાર અને વિચાર વચ્ચે અંતર વધે છે અને સાધુનો વેશ-વસ્ત્ર માત્ર બની જાય છે. કોઇપણ ધર્મ કે સંપ્રદાયના અનુયાયી સંખ્યાથી નહીં પણ સાચા હૃદયથી માન્યતા સાથે બને ત્યારે તે અનુયાયી કહેવાય છે. લોભ, લાલચ અને ધાક ધમકીથી સંખ્યા કે સંપત્તિ વધે. અનુયાયી નહીં. સનાતન ધર્મ એક વિરાટ વટવૃક્ષ છે અને બીજા સંપ્રદાયો તેના પાંદડા છે- પાંદડા વૃક્ષ ન બની શકે. સંપ્રદાયો વટવૃક્ષના મૂળ સુધી જવાનું લક્ષ્ય રાખે અને અજ્ઞાનતા નામે અજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવાનું બંધ કરે.
સુરત – ધનસુખભાઈ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સૌથી મોટો પ્રશ્ન કયો?
ભૂખ એ કુદરતી દેન છે. આજે દુનિયાભરમાં ઠેકઠેકાણે ભૂખને કારણે ભૂખમરો, બેકારી આપઘાત, કુટુંબોના કુટુંબો બરબાદ થતા જોવા મળે છે. ભૂખે મરતા એક માનવીએ કરેલી એક બ્રેડના ટૂકડાની ચોરી! (સોહરાબ મોદીનું અદ્દભૂત પિકચર કુંદન- લો મિઝરે બલ!) ભૂખ્યા માટે રોટલો જ એનો સાચો ભગવાન હોય છે. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગે છે, ત્યારે જ મહાન (?) નેતાઓને રોટલાનો અસલી ચહેરો દેખાય છે. ખૂબ જાણીતી માણવા જેવી એક સરસ મઝાની કવિતામાં કવિએ ગામડાની શાળાના ત્રીજા–ચોથા ધોરણના બાળકોને શિક્ષકે પૂછેલો એક વેધક પ્રશ્ન અદ્દભૂત શૈલીમાં આપણી સમક્ષ રજૂ કરેલો છે તે જોઇએ.
શિક્ષકે બાળકોને પૂછયું, ‘આ દુનિયામાં સૌથી મોટો પ્રશ્ન કયો છે?’ મોટા ભાગના બાળકો મૂંજાયા. શિક્ષકે અન્ય બાળકોને પૂછવાનું ચાલુ જ રાખ્યું. છેવટે વર્ગમાં છેલ્લે બાંકડે બેઠેલા એક ગરીબડા બાળકે ઊભા થઈને જવાબ આપ્યો, ‘સાહેબ, સાહેબ રોટલાનો પ્રશ્નો સૌથી મોટો છે’ શાબાશ!! શિક્ષક મહાશય તો ખુશખુશાલ થઇ ગયા હશે. હવે આજ પ્રશ્ન પર્યાવરણનો મહાવિનાશ કરવા બેઠેલા દુનિયાના ચાર-પાંચ મહારથીઓને કે જેઓ આપણી પ્યારી પૃથ્વીને ઊલટી દિશામાં ગોળ ગોળ ફેરવી રહ્યા છે, તેઓને પૂછવામાં આવે તો?!
ચીખલી – રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
