ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદરમાં ભારે વરસાદ ઝીંકાયો હતો. 24 કલાકમાં 22 ઈંચ વરસાદ વરસતા પોરબંદર જળમગ્ન બની ગયું હતું. અહીં ભારે વરસાદને પગલે વાહનો અને પશુઓ તણાયા હતા. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ હતુ. આવનારા પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.
ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદી સીસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બારે મેઘ વરસ્યા છે. પોરબંદરમાં આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ છે. પોરબંદરમાં ગઇકાલે સાંજથી અત્યાર સુધીમાં 22 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્વારકામાં માત્ર બે જ કલાકમાં 9 ઇંચ વરસાદ વરસ્યો હતો.
બીજી તરફ દ્વારકાના કલ્યાણપુરમાં 15 ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 14 ઇંચ, પોરબંદરના રાણાવાવમાં 13 ઇંચ, કલ્યાણપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના કેશોદ અને દ્વારકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ, કચ્છના અંજારમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. જુનાગઢમાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. ઘેડ પંથકના મોટાભાગના ગામોનો સંપર્ક તૂટી ગયો છે. વંથલીમાં 24 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નેશનલ હાઈવેનો પાળો તૂટી જતા ખેતરો જળમગ્ન બન્યા છે.
જુનાગઢ જિલ્લાના ઘેડ, કેશોદ, વંથલી, માંગરોળ, માણાવદરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. કેશોદના બાલાગામ, ઓસા, જોનપુર, મંગલપુર, સીતાના, ભીતાના સહિતના ગામો બેટમાં ફેરવાયા હતા. માણાવદર સરાડીયા, કેશોદ, માંગરોળ સહિતના અનેક રોડ પ્રભાવિત થયા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે. તો બીજી તરફ ઘેડ સહિતના વિસ્તારોના ગામડા સંપર્ક વિહોણા બન્યા છે.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને, રાજકોટમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.તો ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને, ડાંગમાં પણ ઓરેંજ અલર્ટ સાથે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.