સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં (BJP) ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે પરંતુ હજુ ઉમેદવારોના નામો જાહેર થયાં નથી અને બીજી તરફ સૌરાષ્ટ્રવાસી (Saurashtra) વિસ્તારોમાં ભારે ઘમાસાણ મચી જવા પામ્યું છે. હાલમાં ભારે વિવાદ ઉભો કરનારા ભાવનગરના મહિલા આગેવાનોને ચૂંટણી (Election) લડાવી પુરૂષ આગેવાનોના વર્ચસ્વને તોડી પાડવાના અમરેલી જિલ્લાના આગેવાનોના ચાલી રહેલા દાવમાં નવો ફણગો ફૂંટવા પામ્યો છે. ભૂતકાળમાં ચૂંટણી શરૂ થતાં ઉભા થતાં હાલારી અને ગોલવાડિયાનો વિવાદની આડ લઈને નવો દાવ ખેલવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્રના ભાજપના આગેવાનોમાં ચાલતી ચર્ચા પ્રમાણે સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો બનવા માટે રાફડો ફાટ્યો છે. આ સંજોગોમાં જો ભાવનગર એટલે કે ગોલવાડના ભાજપના આગેવાનો ટિકીટ લઈ જાય અને જીતી જાય તો અમરેલી એટલે કે હાલારીઓનું વર્ચસ્વ ઘટી જાય તેવો મુદ્દો રજુ કરી અમરેલીના જિલ્લાના આ આગેવાન દ્વારા એવો દાવ અપનાવવામાં આવ્યો હતો કે ટિકીટ માટે ભાવનગરના મહિલાઓને આગળ કરો. જેથી મહિલાઓની બેઠક ભાવનગર એટલે કે ગોલવાડીયાઓને આપી દેવામાં આવે અને પુરૂષોની બેઠક પર હાલારી એટલે અમરેલીના આગેવાનો ચૂંટણી લડે. આ માટે આ આગેવાન દ્વારા બધાને ફોન પણ કરવામાં આવ્યા હતાં.
આ દાવને કારણે છેલ્લા બે દિવસથી ગોલવાડીયા આગેવાનોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી. બાદમાં જ્યારે પ્રદેશના આગેવાનો દ્વારા આખી ઘટનાની તપાસ કરવામાં આવી ત્યારે આ આખો દાવ ઉઘાડો પડી જવા પામ્યો હતો. હકીકતમાં આ વખતની ચૂંટણીમાં હાલારી અને ગોલવાડિયાનો એવો કોઈ મોટો વિવાદ જ નથી પરંતુ આ વિવાદ ઉભો કરી મહાપાલિકાની ચૂંટણી લડવા માંગતાં અમરેલી જિલ્લાના આગેવાનોની ટિકીટ કપાઈ જાય અને જે લડે તે પણ હારી જાય તો પોતાના વર્ચસ્વને આંચ આવે નહીં તેવો ખેલ રમાયો હતો.
આ આગેવાનો મનપાની અગાઉની ચૂંટણીમાં પણ અમરેલી જિલ્લાના આગેવાનોને હરાવ્યાં હતાં
અમરેલી જિલ્લાના આગેવાનો દ્વારા એવો રોષ વ્યક્ત કરાયો હતો કે આ વખતે હાલારી અને ગોલવાડિયાનો એવો કોઈ વિવાદ નથી પરંતુ આ આગેવાને વિવાદ ઉભો કર્યો છે. મનપાની ગત ચૂંટણીમાં પણ આ આગેવાને અમરેલી જિલ્લાના જ ભાજપના આગેવાનોને હરાવ્યા હતાં અને કોંગ્રેસની આખી પેનલો જીતી હતી. જોકે, હવે આ ચૂંટણીમાં શું થાય છે તે જોવું રહ્યું.