હિન્દી ફિલ્મોનાં ઊંટ પહાડ પરથી નીચે ત્યારે જ આવે જયારે પહાડ તેમને સંઘરવા રાજી ન હોય યા ઊંટ ઘરડા થયા હોય. સૌરભ શુકલાએ કારકિર્દીનો આરંભ ‘૯ મલબાર હીલ’, ‘મુલ્લા નસરુદ્દીન’, ‘તહેકીકાત’, ‘હમ પાંચ’, ‘કોલગેટ ટોપ-ટેન’ વગેરેથી કરેલો પણ ‘બેન્ડિટ કિવન’, ‘સત્યા’ (કલ્લુમામા) પછી ફિલ્મોમાં વ્યસ્ત થઇ જવાયું. ‘તાલ’, ‘બાદશાહ’, ‘મહોબ્બતેં’, ‘નાયક’ જેવી ફિલ્મો આવતી ગઇ અને ‘ઓહ માય ગોડ’, ‘લક બાય ચાન્સ’, ‘બર્ફી’, ‘જોલી એલએલબી’, ‘કીક’, ‘શિવાય’ ‘બાલા’ સહિતની ફિલ્મો સુધી સૌરભે નાની – મોટી ભજવી. હમણાં ય ‘શમશેરા’માં દૂધસીંઘની ભૂમિકામાં હતા પણ હવે ફરી ટી.વી. શ્રેણી, વેબ સિરીઝ તરફ એ પાછો વળ્યો છે.
આ ૧૬મી સપ્ટેમ્બરે ‘દહન: રાકા કા રહસ્ય’ ટી.વી. શ્રેણી શરૂ થશે જેમાં તે પ્રમુખની ભૂમિકામાં છે. આ સિરીઝમાં ટિસ્કા ચોપરા, મુકેશ તિવારી વગેરે પણ છે. સૌરભે ફિલ્મોમાં અભિનય છોડી નથી દીધો. ‘અભી પો પાર્ટી શુરુ હુઇ હૈ’, ‘બબલી બાઉન્સર’, ‘એલર્ટ ૨૪X૭’, ‘એનિમલ’ જેવી ફિલ્મોમાં કામ કરે જ છે પણ ટી.વી. શ્રેણી કરવા વિશે તે ગંભીર છે એટલે ‘ફિયર ૧.૦’ પણ કરી રહ્યો છે. સૌરભ શુકલા ખૂબ ટેલેન્ટેડ છે. અભિનય ઉપરાંત લેખન – દિગ્દર્શનમાં પણ તેણે પોતાને સાબિત કર્યો છે. ‘મુદ્દા’, ‘ચહેરા’, ‘પપ્પુ કાન્ટ ડાન્સ સાલા’ થી માંડી ૨ શોર્ટ ફિલ્મ સહિત કુલ ૮ ફિલ્મોનું દિગ્દર્શન કરવા ઉપરાંત જે ૧૮ ફિલ્મો લખી છે તેમાં પોતે દિગ્દર્શિત કરેલી ફિલ્મો ઉપરાંત ‘સત્યા’, ‘દિલ પે મત લે યાર’, ‘ચહેરા’, ‘મુંબઇ એકસપ્રેસ’, ‘મિથ્યા’, ‘એસિડ ફેકટ્રી’, જેવી ફિલ્મોમાં કયારેક માત્ર ડાયલોગ, કયારેક કથા-પટકથા લખ્યા છે.
સૌરભે નાટકોમાં અભિનયથી કારકિર્દી શરૂ કરેલી પછી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની રેપર્ટરી કંપની સાથે જોડાયેલો. એક નાટકમાં શેખર કપૂરે તેને જોયો અને ‘બેન્ડિટ કિવન’ માં ભૂમિકા આપી અને વિજય આનંદ જેવાના દિગ્દર્શનમાં ‘તહેકીકાત’ ટી.વી. સિરીયલ પણ મળી. હા, ૧૯૯૮ ની ‘સત્યા’ના કલ્લુ મામા હજુ પણ લોકોને યાદ છે. સૌરભે સતત કામ કર્યું છે અને આજેય કરે છે એટલે જ ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝમાં ય સારી ભૂમિકા મળે તો નકારતો નથી. તેની બે ફિલ્મો ‘આઇડેન્ટિટી કાર્ડ’ અને ‘નો રુલ્સ ફોર ફૂલ્સ’ રજૂ થવાની તૈયારીમાં છે અને કોવિદ-૧૯ ના પાર્શ્વભૂમાં બનેલી રોમેન્ટિક કહાણી ધરાવતી ‘મનોહર પાંડે’માં તે ખૂબ મહત્વની ભૂમિકામાં છે.
‘દહન: રાવણ કા રહસ્ય’ નામની ટી.વી. શ્રેણી ડિઝની પ્લસ હોટસ્ટાર પર રજૂ થવાની છે જે સુપરનેચરલ થ્રીલર છે. ટિસ્કા ચોપરા તેમાં આઇએએસ અધિકારી બની છે તો આ સૌરભ શુકલાના પાત્રમાં ડર અને રહસ્ય છે. સદીઓ પુરાણા અંધ વિશ્વાસ અને તેની સામેની લડાઇ છે. આ સિરીઝ રાજસ્થાનના બીહડ સ્થાનો પર ફિલ્માવવામાં આવી છે. ટિસ્કા ચોપરા અને સૌરભ શુકલાની ભૂમિકાઓનો ઇમ્પેકટ પ્રેક્ષકો પર પડશે. સૌરભ તેની ભૂમિકાથી ખૂબ ખુશ છે.