World

રશિયા સાથેની હરીફાઈમાં સાઉદી અરેબિયાએ લીધો આ મહત્વનો નિર્ણય, ભારતને થશે મોટો ફાયદો

નવી દિલ્હી: સાઉદી અરેબિયાના (Saudi Arabia) આ પગલાથી ભારત (India) સહિતના એશિયાઈ દેશોને (Asian countries) મોટો ફાયદો થવાનો છે. વાસ્તવમાં સાઉદી અરેબિયાની સૌથી મોટી તેલ કંપની અરામકોએ (Aramco) એશિયા માટે તેના મુખ્ય ‘આરબ લાઇટ ક્રૂડ ઓઇલ’ના (Arab light crude oil) ભાવમાં ઘટાડો કર્યો છે. સાઉદીએ અરબ લાઇટ ક્રૂડ ઓઇલની કિંમત છેલ્લા 27 મહિનામાં સૌથી વધુ ઘટાડી (Reduce) દીધી છે. જેનાથી હવે ભારતને સસ્તું તેલ મળશે અને ક્રૂડ ઓઈલની નિકાસનો (Export) ખર્ચ ઘટશે.

અગાઉ ડિસેમ્બર મહિનામાં અરામકોએ જાન્યુઆરી શિપમેન્ટ માટે બેરલ દીઠ $ 1.5ના કાપની જાહેરાત કરી હતી. હવે અરામકોએ ફેબ્રુઆરી માટે તેના ક્રૂડ ઓઈલ શિપમેન્ટમાં પ્રતિ બેરલ 2 ડોલરનો ઘટાડો કર્યો છે. આ સાથે જ વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર સાઉદી અરેબિયાએ એશિયા સહિત ઉત્તર અમેરિકા, ઉત્તર-પશ્ચિમ યુરોપિયન દેશો માટે તેના તેલની કિંમતમાં ઘટાડો કર્યો છે.

સાઉદી અરેબિયાએ અચાનક તેલની કિંમતો કેમ ઘટાડવાની શરૂઆત કરી?
ઓપેક પ્લસ દેશો સાથે મળીને સાઉદી અરેબિયા તેલના ઉત્પાદનમાં સતત ઘટાડો કરી રહ્યું હતું. જેથી તેલની કિંમતોમાં વધારો થઈ શકે છે. પરંતુ ઘણા પ્રયાસો છતાં તેલની કિંમતોમાં વધુ વધારો થયો ન હતો. અમેરિકાએ ઘણી વખત સાઉદી અરેબિયાને તેલ ઉત્પાદન વધારવા માટે કહ્યું હતું. પરંતુ જ્યારે સાઉદી અરેબિયાએ તેમ ન કર્યું ત્યારે અમેરિકાએ જ મોટા પાયે તેલનું ઉત્પાદન વધાર્યું હતું.

અમેરિકાની સાથે-સાથે નોન-ઓપેક દેશો બ્રાઝિલ અને મેક્સિકોએ પણ પોતાનું તેલ ઉત્પાદન વધાર્યું છે. જેના કારણે તેલ બજારમાં તેલની પૂરતી ઉપલબ્ધતા હતી અને તેલના ભાવ ઘટવા લાગ્યા હતા.

સાઉદી અરેબિયા માટે એશિયા એક મોટું તેલનું બજાર છે. વિશ્વના બીજા અને ત્રીજા સૌથી મોટા તેલ ઉપભોક્તા ચીન અને ભારત તેનું મોટાભાગનું તેલ ખરીદે છે. આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સાઉદીએ તેલની કિંમતો ઘટાડવાની શરૂવાત કરી હતી. જણઅવી દઇયે કે સાઉદી અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોને તેના હિસ્સાનું તેલ વેચવા માંગતું નથી.

રશિયા પણ એક મોટું પરિબળ છે
યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને રશિયાએ ભારત અને ચીનને રાહત દરે તેલની ઓફર કરી હતી. યુદ્ધ પહેલા, ભારત રશિયા પાસેથી તેની કુલ તેલ ખરીદીના 1% કરતા પણ ઓછું તેલ ખરીદતું હતું. પરંતુ જ્યારે રશિયાએ સસ્તા તેલની ઓફર કરી, ત્યારે ભારતે તરત જ તેની ખરીદી શરૂ કરી હતી.

આજે સ્થિતિ એવી છે કે રશિયા સાઉદી અરેબિયાને પછાડી ભારતનું ટોચનું તેલ સપ્લાયર બની ગયું છે. ચીન પણ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલની ખરીદી કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયા તેના તેલના ભાવમાં ઘટાડો કરી રહ્યું છે. જેથી તેના મુખ્ય ખરીદ્દારો ભારત અને ચીન સાઉદી અરેબિયા પાસેથી તેલની ખરીદીમાં વધારો કરે તેવી સંભાવના છે.

Most Popular

To Top