અગાઉ ના લેખમાં ‘ૐ–હિન્દુ સનાતન ધર્મ-પંચાયતન’(પંચદેવ)ને ધ્યાનમાં રાખીને જે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો તેને આગળ ધપાવીએ.
શ્રુતિમાં કહ્યું છે.
અપૂર્વ અનન્તરો અબાહ્યોઅન્પર પ્રણવો અવ્યય:
સર્વસ્ય પ્રણવો આદિ મધ્યમન્તસ્તથેયદય
અર્થાત “આ પ્રણવ જ અપૂર્વ એટલે કારણરહિત, અનન્તર એટલે ભિન્નતારહિત, અબાહ્ય એટલે બહાર કંઈ પણ નથી તેવો તથા અનપર એટલે જેનાથી પરે કંઈ નથી તેવો અવિનાશી, અવ્યય છે. સર્વના આદિમાં, સર્વના મધ્યમાં અને સર્વના અંતમાં તે ૐકાર જ પરમાત્મા છે. આ પ્રણવ જ સર્વના હૃદયમાં સ્થિત છે.” આમ ૐકાર ને “અભેદ પંચાયતન” સ્વરૂપે જાણવું, તે પરમાત્માને જાણવું જ છે. ગીતા (8.9 અને 13.17) માં પણ કહ્યું છે કે ભિન્નતાથી નહિ પરંતુ બધાને એકરૂપ જાણીને એકબીજાથી વિરુદ્ધ થયા વગર ઉપાસના કરવી જોઈએ કારણ કે ‘સર્વ ઉપાસ્યો ઈશ્વરનાં જ સ્વરૂપો છે.’
કઠ ઉપનિષદ ત્રીજી વલ્લીમાં પણ સમજાવ્યું છે “પરમાત્માની આજ્ઞાથી જ અગ્નિ, વરુણ, વાયુ, ઇન્દ્ર, બ્રહ્મા,વિષ્ણુ, રુદ્ર ઇત્યાદિ દેવો જગતના કલ્યાણ કર્મમાં પ્રવૃત્ત થાય છે.” વિષ્ણુ પુરાણ (1.9.69) પ્રમાણે, “હે પરમાત્મા,આપની સન્મુખ જે કોઈ આવે તે દેવ હોય કે અન્ય કોઈ તે આપનું જ સર્જન છે”. ૐકાર જ ઉપાસ્ય છે એ વાત વેદોમાં પણ સ્પષ્ટ છે. “ૐ મિત્યેતદક્ષર મુદ્રીયમુપાસીત” અર્થાત ૐ એવું પરમાત્માનું નામ અને તે જ પરમાત્માની મૂર્તિ રૂપ. એમ અસ્તિ-ભાતી, પ્રિય, નામ, રૂપ વગેરે એકસરખો જ ૐકાર છે. આ ૐકાર પરમાત્મા જ “એકાનેકાદિ વર્જિતમ” થી પ્રતિપાદિત છે. અગાઉના લેખમાં સમજ્યા તેમ ચાર પાદો સહિત અથવા ચાર પાદો સ્વરૂપ ‘સ્વ’ ને આનંદ આપનાર બ્રહ્મ છે. આ ચાર પાદોમાં
‘અસત રૂપમય’ (ન હોવાપણું) બ્રહ્મ તે વેદમાં “શક્તિબ્રહ્મ” કહેવાય છે અને તે ‘સર્વ અખિલમ બ્રહ્મ’ શ્રુતિથી પ્રતિપાદિત છે. વેદોમાં, પુરાણોમાં કોઈ પણ જગ્યાએ આદ્યશક્તિનો જન્મ કે મરણ બતાવ્યા નથી. ‘પ્રગટ થયા અને અંતર્ધ્યાન થયા’ તેવું જ દર્શાવ્યું છે. ઉપર બતાવેલા‘અસત રૂપનો આત્મા’ કે જે અસત રૂપના અહંકાર રૂપે સત ભાવનો પ્રકાશક છે તેને વેદમાં “સૂર્યબ્રહ્મ” કહેવાય છે અને તે ‘એકમેવા દ્વિતીયમ બ્રહમેતી’ શ્રુતિ વડે પ્રતિપાદિત છે.
અસત અને સત એવા ઉપર બતાવેલા બે સ્વરૂપને આધાર આપનાર એટલે કે બીજી રીતે સમજીએ તો દેહી અને દેહ એ બંને નું અભેદાત્મક પ્રિય સમસ્વરૂપ અથવા બંનેથી રહિત વ્યાપક ભાવથી ‘વિષ્ણુબ્રહ્મ” નામનું આનંદ બ્રહ્મ છે અને તે ‘વિજ્ઞાનમાનંદ બ્રહ્મ’ આ શ્રુતિ વડે પ્રતિપાદિત છે. ૪. ઉપર વર્ણવેલા ત્રણેથી રહિત એવો ચોથો શિવ બ્રહ્મ ‘શિવ તૂરીયમ ચતુર્થ મન્યતે’ એમ પ્રતિપાદિત છે. આ શિવ અથવા ઈશ્વરનું પદ નિર્મોહી છે. ૫. ઉપર વર્ણવેલા ચારો બ્રહ્મના અભેદપણાથી, ચારો બ્રહ્મથી રહિત અને જેમાં ચાર પાદનો વિલય છે એવો પાંચમો બ્રહ્મ કે જે બિંદુમાં છે, તે ૐકાર સ્વરૂપ પરમાત્મા છે. આ પરમાત્મા જ શાશ્વત અને અવિનાશી છે અને તેનાથી જ નીચેનું ચતુષ્પાદવાળું (ત્રણ ગુણ સત્ત્વ, રજો, તમો અને ચોથી પ્રકૃતિ) વિશ્વ એટલે કે જગત ‘અભિવ્યક્ત’ થાય છે. (પરમાત્માની અભિવ્યક્તિ ખૂબ વિસ્તારથી હવે પછીના લેખોમાં પણ સમજીશું)
આમ ૐ કાર જ સગુણ, નિર્ગુણ અને અભેદ પ્રકારે ‘એક છે’. “એકમેવાદ્વિતીયમ બ્રહ્મ” એટલે કે તે એક અને અદ્વિતીય બ્રહ્મ છે. આ એક અને અદ્વિતીય સંજ્ઞાના પાદને જ શાસ્ત્રોમાં તુરીયપાદ કહેવાય છે. આ જ અભેદ પાંચમાં પાદ રૂપી છે. અને તે જ મેં આપને અગાઉના લેખોમાં જણાવ્યું હતું તેમ “એકોહમ બહૂસ્યામ.”( છાંદોગ્ય ઉપનિષદ 6.2.3) શ્રુતિથી સમજાવેલ, ‘હું એક છું તે બહુરૂપે થાઉં’ તેમ ઊતરતા ઊતરતા ચાર પાદ રચે છે. આમ પાંચ પદવાળો અભેદાત્મક ૐકાર સ્વત: સિદ્ધ પરમાત્મા છે. તે પોતે જ વેદ સ્વરૂપે છે. (બધા વેદ પરમાત્માના શ્વાસોચ્છવાસમાંથી ઉદભવ્યા છે.–બૃહદારણ્યક ઉપનિષદ 4.5.11, ગીતા – 3.15)
સ્પષ્ટ છે કે પંચાયતનમાંના કોઈ એક નામને ઇષ્ટ માનતા, અન્ય નામમાં ભેદ રાખનારા અને નિંદા કરનારા આડકતરી રીતે પોતાના ઇષ્ટની જ નિંદા કરે છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું ધોરણ ભણ્યા પછી જ પાંચમા ધોરણમાં જવાય છે અને તે વખતે નીચેનાં ચાર ધોરણોની નિંદા નહિ કરાય કારણ કે આ ચાર ધોરણના બળરૂપ અનુભવથી જ પાંચમા ધોરણની પ્રાપ્તિ છે. તે ચાર ધોરણના ઐક્ય રૂપ, અભેદ આ પાંચમું ધોરણ છે. આમ પરમાત્મા કે જે શબ્દાતીત, અક્ષરાતીત, ત્રિકાલાતીત અને સ્વયમ રૂપથી સિદ્ધ ૐકાર છે કે જેને પ્રણવ કહે છે તે જ સર્વનું ઉપાસ્ય બ્રહ્મ છે. એવું સનાતન ધર્મ સ્પષ્ટ સમજાવે છે. અંતે “યુંન્જિત પ્રણવે ચેત: પ્રણવો બ્રહ્મ નિર્ભયમ” અર્થાત ૐકારમાં જેની બુદ્ધિ જોડાઈ તેને કદાપિ ભય થતો નથી. એવી શ્રુતિની સમજૂતી સાથે સનાતન ધર્મની સમજૂતીને અહીં વિરામ આપીએ.