તામિલ ભાષામાં ૐ
અગાઉ ના લેખોમાં આપણે હિન્દુ ઉપરાંત અનેક ધર્મોમાં ૐ જેવા ધ્વનિનું મહત્વ સમજ્યા, કે જે ઉત્પત્તિ કાળથી મહત્વ ધરાવે છે. હવે આપણે ભારતના વિવિધ રાજ્યો અને ભાષાઓમાં ૐ નું મહત્વ સમજશું. આ લેખમાં તામિલ (તમિલ) ભાષામાં ૐ શું વિશેષ મહત્વ ધરાવે છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. તામિલ ભાષામાં ૐ અક્ષરને ત્રણ અલગ અલગ રીતે સમજાવવામાં આવે છે. દરેકને સમજવાનો પ્રયત્ન કરીશું.
ૐ અને ગણેશજી :
તામિલ ભાષા તમિલનાડુમાં વપરાય છે. ‘સમ્રાટ અશોક’ ના શિલાલેખ તામિલ-બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. ૪ થી સદીમાં ‘પલ્લવો’ નું રાજ્ય હતું ત્યારથી આ લિપિમાં થોડો ફેરફાર થયો અને હાલની ભાષા અસ્તિત્વમાં આવી. તામિલ ભાષામાં લખાતા ‘અ’ , ‘ઉ’ અને ‘મ’ ના સંયોજનથી સૌ પ્રથમ ૐ અક્ષર અસ્તિત્વમાં આવ્યો તેવું તામિલમાં મનાય છે. આ સંયોજનથી જે આકૃતિ બને છે તે માતાના ગર્ભમાં રહેલા બાળકને (એટલે કે સર્જન અવસ્થાને) દર્શાવે છે, આ ઉપરાંત વૈષ્ણવોના કપાળનું તિલક (વિસ્તૃત અર્થમાં પાલક) ને તેમજ શિવભક્તોના કપાળના તિલક (ત્રિપુંડ) ને પણ દર્શાવે છે. આ રીતે સર્જન, પાલન અને વિસર્જન એમ ત્રણે ૐ અક્ષરમાં સમાયેલા છે એવી શ્રદ્ધા તામિલમાં છે જે આકૃતિમાં બતાવ્યા છે. આ ઉપરાંત તામિલ ભાષામાં ૐ નું ગણેશજી તરીકે વિશેષ મહત્વ છે. તેઓ ૐ ને સૃષ્ટિના સર્જનના ચિન્હ તરીકે તો માને જ છે, પરંતુ ૐ ને વિદ્યા તરીકે માને છે. વેદો અને પુરાણોએ સ્વીકારેલ પહેલા દેવ કે જેમની પાસે વેદવ્યાસે પણ મહાભારત લખાવ્યું, તેવા ગણેશજીને પરમાત્માએ સંપૂર્ણ જ્ઞાન પ્રદાન કર્યું છે, એવી માન્યતા સાથે ૐ ને મહત્વ આપે છે. તામિલમાં વપરાતા ૐ માટેના ચિન્હમાં આ માન્યતાની પ્રતીતિ થાય છે. ૧૩મી સદીમાં થયેલા મરાઠી સંત “જ્ઞાનેશ્વર” ની ગણેશજી માટેની સંપૂર્ણ સમજણ તામિલ ભાષાએ સ્વીકારી છે. ‘ગ’ ‘ણે’ ‘શ’ અક્ષરો સંસ્કૃતમાં બાવન પૈકી એવા ત્રણ અક્ષરો છે, જેનો વ્યંજન નો ભાગ સ્વરથી અલગ હોય છે. ખૂબ આશ્ચર્ય થાય કે તામિલના ૐ ચિન્હમાં ગણેશજીનું મુખ અનુભવી શકાય છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. સંયોગ કહો તો સંયોગ, પરંતુ એમ માનવું જ પડે કે આ એક દિવ્ય અનુભૂતિ છે. અને આથી જ આપણે ગુજરાતીમાં શુભ કાર્યની શરૂઆતમાં જેમ ‘ૐ શ્રી ગણેશાય નમઃ’ લખીએ છીએ, તેમ તામિલમાં કોઈપણ લખાણની શરૂઆતમાં “પીલ્લીઈયાર સુઝી” લખાય છે. (Pilliaiyar Suzhi – ‘ગણેશજીની સૂંઢ સાથે સંકળાયેલો વણાંક’, લગભગ એવો અર્થ ગુજરાતીમાં થાય). આ ચિન્હને અહી આકૃતિમાં દર્શાવ્યું છે.
ૐ અને કાર્તિકેય :
તમિલનાડુ ભગવાન કાર્તિકેયના ૬ તીર્થસ્થાનો માટે પ્રસિદ્ધ છે. કાર્તિકેયને “મુરુગન” (Lord Murugan) કહેવાય છે. જેમનું કાવેરી નદીના કિનારે, કુંભકોણમ પાસે આવેલ ‘સ્વામીમાંલાઈ’ મંદિર મુખ્ય છે. આ મંદિરની કથા એવી છે કે એક વખત ભગવાન કાર્તિકેયે બ્રહ્માજીને ‘પ્રણવ’ (ૐ) નું રહસ્ય પૂછ્યું. બ્રહ્માજી આનો જવાબ આપી શક્યા નહિ. બ્રહ્માજીની વિહવળતા જોઇને બધા દેવો બ્રહ્માજી સાથે ભગવાન શિવજી પાસે ગયા અને બ્રહ્માજીની ચિંતાનું નિવારણ કરવા પ્રાર્થના કરી. કાર્તિકેયે એમના પિતાશ્રી ભગવાન શંકરને કહ્યું કે, ‘મેં “પ્રણવ” નું રહસ્ય સમજાવવા બ્રહ્માજીને કહ્યું હતું પરંતુ તેઓ સમજાવી શક્યા નથી. હવે આપ સમજાવો’. આથી બધા આપની પાસે આવ્યા છે. ભગવાન શિવે પણ આ બાબતે ચુપકીદી બતાવી. આથી ભગવાન કાર્તિકેયે પ્રણવને સમજાવવા તૈયારી બતાવી. ભગવાન શિવ કે જેઓ કાર્તિકેયના પિતા હતા, છતાં પણ આ વિષયના એમના ગુરુ કાર્તિકેય પાસે ઘૂંટણીયે બેસીને પ્રણવનું રહસ્ય સમજ્યા. આથી ભગવાન કાર્તિકેય ‘સ્વામીનાથન’ કહેવાયા. અને આ સ્થાન ‘સ્વામીમાંલાઈ’ તરીકે ઓળખાયું. અહીં આપેલા ફોટોમાં આ મંદિરના દર્શન થાય છે.
ૐ અને મનુષ્યનું મગજ :
ૐ ને તામિલમાં મનુષ્યના મગજ સાથે પણ સાંકળવામાં આવે છે. અગાઉ જણાવ્યું તેમ ૐ એટલે જ વિદ્યા અને ૐ એટલે જ ગણેશ. અહીં દર્શાવેલ આકૃતિમાં મનુષ્યના મગજમાં આવેલ વિવિધ ભાગો જેવાકે પિનીયલ ગ્રંથી કે જે ત્રીજી આંખ સાથે સંકળાયેલી મનાય છે, મોટું મગજ, નાનું મગજ, અસ્થીમજ્જા વગેરે જે વિચારો અને બુદ્ધિ સાથે સંકળાયેલા મગજના ભાગો છે તે ૐ ના અહીં દર્શાવેલા તામિલ ભાષામાં લખાતા ચિન્હ સાથે સંકળાયેલા છે. મિત્રો ૐ અક્ષરનું તામિલમાં મહત્વ સમજ્યા પછી ભારતના અન્ય રાજ્યોમાં અને અન્ય ભાષાઓમાં ૐ નું મહત્વ સમજવા હવે પછીના લેખો જરૂર વાંચશો.