Comments

સતનો મારગ છે શૂરાનો નહિં કાયરનું કામ જો ને

ગાંધીજી જગતને વધારેમાં વધારે જાણીતા છે. તે હિંદના રાજકીય નેતા તરીકે, લોકો એમને ઈશ્વરભક્ત અને ધર્મપરાયણ પુરુષ કહે છે ખરા. પણ ઘણી વાર એમ મનાય છે કે ધર્મ એમના જીવનમાં ગૌણ સ્થાન ભોગવે છે. અંગ્રેજો અને તેમના પોતાના ઘણા દેશભાઈઓ તેમનાં વચનો સમજવામાં ગોથાં ખાય છે. કેમ કે એ કોઈ દેશદાઝવાળા મુત્સદ્દીનાં વચન હોય એમ ગણીને તેઓ તે સાંભળે ને વાપરે છે. ‘નીતિ વિનાનું રાજકારણ એ ત્યાજ્ય વસ્તુ છે.’ એ ગાંધીજીનું વચન તેઓ ભૂલી જાય છે. દેશભક્તિ અને રાષ્ટ્રીયતા, જે આજના જગતની અંધાધૂંધીનાં મૂળ કારણ છે, તેને તેઓ નવું રૂપ આપી રહ્યા છે. તેઓ કહે છે કે “મારી દેશભક્તિ મારા ધર્મને વશ વર્તીને ચાલે છે. તેઓ હિંદના શત્રુ પ્રત્યે પણ હિંસા નહીં કરે. કેમ કે હિંસા એ અધર્મ છે.

તેથી આપણે ગાંધીજીના આ આંતર ધર્મનું સ્વરૂપ સમજવું જોઈએ. તેઓ પોતાને હિંદુ કહેવડાવે છે. પણ તેઓ હિંદુ એ જ અર્થમાં છે કે હિંદુ ધર્મે શીખવેલા સનાતન ને સર્વદેશી સિદ્ધાંતો એમને સૌથી વધારે રુચે છે. ઈશ્વરની વ્યાખ્યા આપતાં ગાંધીજી કહે છે કે એ એક સર્વવ્યાપી ને ગૂઢ શક્તિ છે જેની વ્યાખ્યા આપવી અશક્ય છે.’ એ ઈશ્વર તે સચ્ચિત્- આનંદરૂપ છે. તે મનુષ્યમાત્રનો અંતર્યામી છે અને દરેક માણસ ઈશ્વરની પ્રતિમારૂપ છે.’ તેથી એ સચ્ચિદાનંદ આપણા દરેકની અંદર વસે છે. પણ તે અધૂરો જ પ્રગટ થાય છે, કેમ કે તે ભ્રમ અને અજ્ઞાનથી ફૂંકાઈ ગયેલ હોય છે. મનુષ્ય એ અંતર્યામીએ બતાવેલા રસ્તે ચાલવું ઘટે છે. ગાંધીજી કહે છે. “મનુષ્ય પશુ કરતાં ઊંચી કોટિનો છે. તેને ઈશ્વરનિર્મિત કાર્ય કરવાનું પડેલું છે. આપણે પૃથ્વીને જાણીએ છીએ, પણ આપણા અંતરમાં વસતા સ્વર્ગને જાણતા નથી.”

આપણી અપૂર્ણતાઓ દૂર કરી, અંતરમાં વસતી પૂર્ણતાનો સાક્ષાત્કાર કરવાનો ઉપાય બતાવતાં તેઓ કહે છે: “આપણા દરેકના  અંતરમાં જે અહિંસા સૂતેલી પડી હોય છે તેને ખીલવો.ગાંધીજીએ ભૂલો કરી છે ખરી? ભૂલ તો સહુ કરે છે, પણ પોતાની ભૂલો જોવાની શકિત  કેટલામાં હોય છે? ને એ કબૂલ કરવાની હિંમત કેટલામાં હોય છે. ગાંધીજી પોતાની ભૂલો કબૂલ કરે છે એ બતાવે છે કે ગાંધીજી યોગયુક્ત પુરુષ છે. તે યુગનું બીજું ચિહ્ન એ છે કે તેઓ પોતાના અનુયાયીઓની નબળાઈઓ.

કુટુંબીજનોની ભૂલો,  પોતાના રાજકીય પક્ષની ઊણપો  ઉઘાડી પાડે છે. સ્વધર્મીને તેમની ધાર્મિક અવનતિનું ભાન કરાવતાં તેઓ ડરતા નથી. કોઈ માણસ પોતાના હાડમાં રહેલી શેતાની શક્તિઓને વિશે જાહેર રીતે લખીને પોતાની જાતને ઉઘાડી પાડતાં ન અચકાય – જેમ ગાંધીજીએ ‘આત્મકથા’માં કર્યું છે – તો તે સામ્રાજ્યવાદી સરકારને ‘શેતાની’કહેતાં શા સાર કરે? ગાંધીજીની કલ્પના પ્રમાણે, જે માણસ પોતાના જીવનનો સ્વામી છે તે શ્રેષ્ઠ પ્રકારનો સુધારક છે. આ કલ્પના એ ગાંધીજીની ફિલસૂફીનો પાયો છે. આર્થિક સુધારો,રાજકીય સુધારો, સામાજિક સુધારો, ધાર્મિક સુધારો, એ બધા વ્યક્તિગત સુધારાના જ વિસ્તારમાત્ર છે. આપણા આધુનિક યુગની સંસ્કૃતિને અહિંસા કે સત્યાગ્રહ રચતાં નથી. કેમ ? પણ આધુનિક સુધારાની નિષ્ફળતા દીવા જેવી દેખાઈ રહી છે. વિચારશીલ સુધારકો કહે છે કે આપણી સંસ્કૃતિને વિનાશ પામતી ઉગારવી હોય, તો તેની જૂની રીતભાત ને જૂની રહેણી છોડી દેવી જોઈએ.

આવા માણસો શું કરે? સત્યાગ્રહના શસ્ત્રનો અભ્યાસ કરવા માંડે અને મનમાં એની સ્પષ્ટ કલ્પના બંધાય કે પછી પોતાનું મન એ ઢબે ઘડવા માંડે. કામ-ક્રોધ-લોભ પર અંકુશ મેળવવા માંડે. આ શત્રુઓ જ્યાં સુધી મનમાં કાયમ રહે ને મનની શાંતિનો નાશ કરી મનને ચગડોળે ચડાવે, મનને બીજાં ઘણાં ખરાં મનુષ્યો પ્રત્યે નિર્દય બનાવે, ત્યાં સુધી માણસ જગતની સાથે શાંતિથી રહી શકે નહીં. સાચા સત્યાગ્રહીને જે મુખ્ય ગુણની આવશ્યકતા છે તે હિંમત છે.

‘સતનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને.”એ વિશે ગાંધીજીએ તો એટલે સુધી કહ્યું છે કે “હિંદુસ્તાન નામર્દ બનીને લાચારીથી પોતાની લાજ લૂંટાતી જોઈ રહે, એના કરતાં તો તે શસ્ત્ર ધારણ કરીને પોતાની લાજઆબરૂની રક્ષા કરે એમ હું ઇચ્છું. આપણી પોતાની, આપણી સ્ત્રીઓની, ને આપણાં મંદિરોની રક્ષા જાતે કષ્ટ વેઠીને, એટલે કે અહિંસા વડે, કરતાં આપણને ન આવડતું હોય અને જો આપણે મર્દ હોઈએ, તો આપણને એ સર્વની રક્ષા લડીને કરતાં તો આવડવું જ જોઈએ.
સોફીયા વાડીયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top