ગુરુજી ચાણક્યનીતિ સમજાવી રહ્યા હતા. સંતોષ જીવનમાં ખૂબ જ મહત્ત્વનો છે તે સમજાવતાં ગુરુજીએ ચાણક્ય નીતિનો શ્લોક ટાંકીને કહ્યું કે ‘ચાણક્ય નીતિમાં જણાવ્યું છે કે જીવનમાં સંતોષ તમારા સુખનું મૂળ છે અને ખાસ ત્રણ બાબતો જણાવી છે કે તે વિષે ખાસ સભાનતાપૂર્વક સંતોષ રાખવો ખૂબ જ જરૂરી છે.નહિ તો જીવનમાં કષ્ટનો સામનો સહન કરવો પડે છે.’ શિષ્યે પૂછ્યું, ‘એ ત્રણ બાબતો કઈ છે? ગુરુજી.’ગુરુજીએ કહ્યું, ‘જે બાબતમાં દરેક જણે સંતોષ ખાસ રાખવો જોઈએ તે બાબતો છે. ભોજન, ધન, જીવનસાથી. આપણી પાસે જાત મહેનતથી કમાઈને જે ભોજન પ્રાપ્ત થાય તેમાં દરેક વ્યક્તિએ સંતોષ માનવો જોઈએ. જેટલી આપણી આવક હોય તેમાં ખુશ રહેવું જોઈએ અને આવક કરતાં વધુ ખર્ચ ક્યારેય ન કરવો જોઈએ અને જીવનસાથી જે હોય; તેનાં રૂપ, સુંદરતા, સ્વભાવ, પ્રભાવ વગેરેથી દરેક જણે સંતોષ માનવો જોઈએ.
જીવનસાથીના ગુણ અવગુણ પ્રત્યે અસંતોષ રાખીએ તો તે અન્ય વ્યક્તિ તરફના આકર્ષણ તરફ દોરી જાય છે અને જીવનને કષ્ટોથી ભરી દે છે.’સંતોષ વિષે સમજાવ્યા બાદ ગુરુજી આગળ બોલ્યા, ‘હવે હું તમને એવી ત્રણ બાબત કહીશ જે વિષે બધાએ હંમેશા અસંતોષી જ રહેવું જોઈએ!’ગુરુજીનું વાક્ય સાંભળી બધાને નવાઈ લાગી.એક શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, તમે હમણાં જ તો કહ્યું કે સંતોષ સૌથી મોટો ગુણ છે અને ક્યારેય અસંતોષ ન કરવો જોઈએ તો પછી હવે તમે જ કહો છો કે ત્રણ બાબતે અસંતોષી રહેવું.આમ કેમ ગુરુજી?’
ગુરુજીએ જવાબ આપ્યો, ‘વત્સ ,અધીર ન થા. પહેલાં હું કઈ ત્રણ બાબતે અસંતોષ રાખવાનું કહું છું તે જાણી લે પછી આગળ પ્રશ્ન કરજે.’બધા શિષ્યો એક ધ્યાને ગુરુજી કઈ ત્રણ બાબતે અસંતોષ રાખવાનું કહેશે તે સાંભળવા આતુર બન્યા.ગુરુજીએ જણાવ્યું, ‘જે બાબતો માટે હું તમને સદા અસંતોષી રહેવાનું કહું છું તે બાબતો છે અધ્યયન, દાન અને જપ. જીવનમાં જેટલું જ્ઞાન મેળવો ઓછું છે..
જીવનપર્યંત વિદ્યાર્થી રહો. સતત કંઈ ને કંઈ શીખતાં રહો ..જાણતાં રહો..આ બાબતે અસંતોષી રહેવામાં વધુ શ્રેય છે..સેવા દાન તો જેટલું કરો તેટલું ઓછું જ છે.ઈશ્વર તમને દાન દેવાયોગ્ય બનાવે તો તેમાં સંતોષ ક્યારેય ન કરો. હંમેશા અસંતોષી રહી દાન કરતાં રહો અને જપ, તપ, ભક્તિ માટે તો સંતોષ કરવો જ નહિ. સતત અસંતુષ્ટ રહી જપ કરતાં જ રહો તો તમારો બેડો પાર છે.આ ત્રણ કર્મો અસંતોષી રહીને કરશો તો સતત જીવન સુંદર બનશે. પુણ્યની વૃદ્ધિ થતી જ રહેશે.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
