ચીખલી તાલુકાનું સતાડિયા ગામ આમ તો તાલુકા મથકથી અંદાજે 15 કિ.મી.ના અંતરે આવેલું છે. ગામમાંથી ચીખલી-અગાસી મુખ્ય માર્ગ પસાર થાય છે. આ ઉપરાંત સતાડિયા ગામના પ્રવેશદ્વાર પાસેથી જ લોકમાતા ખરેરા પસાર થાય છે અને ખરેરા નદીમાં ચેકડેમના પગલે આજે ભરઉનાળે પાણીથી છલોછલ છે અને ગામમાં પ્રવેશતાની સાથે જ મનને મોહી લે તેવું નયનરમ્ય દૃશ્ય જોવા મળે છે.
સતાડિયા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ સરપંચ તરીકે ગામના અગ્રણી અને હાલ બીલીમોરા એસટી ડેપોના નિવૃત્ત કર્મચારી એવા ચુનીભાઈનાં પત્ની ચંચળબેન પટેલ સરપંચ તરીકે આરૂઢ થયાં હતાં અને સતત તેમની બે ટર્મ બાદ એક ટર્મ ખંડુભાઈ બરજુલભાઈ પટેલ અને હાલે માર્ચમાં પૂર્ણ થયેલી ટર્મમાં પુષ્પાબેન ડાહ્યાભાઈ પટેલે સરપંચ તરીકે સેવા બજાવી છે. હાલ ગામમાં તલાટી કમ મંત્રી કાંતિભાઈ વહીવટદાર તરીકે ફરજ બજાવે છે. સતાડિયા ગામની વસતી 1059 જેટલી અને વોર્ડ-8 છે. તો મતદારોની સંખ્યા 884ની આસપાસ છે. ગામના મંદિર ફળિયા, બાવળી ફળિયા, ડુંગરી ફળિયા, માસ્તર ફળિયા, આંબલી ફળિયા, પીપળા ફળિયા, અક્કલ ટેકરી સહિતના વિસ્તારમાં મુખ્યત્વે ઢોડિયા પટેલ ઉપરાંત કુંકણા પટેલ, આહીર અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે.
સતાડિયામાં આમ તો લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુ પાલન છે. ગામમાં ખરેરા નદી ઉપરાંત વાંકી નદી પસાર થાય છે. ઉપરાંત ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય અને શાખા નહેર પણ પસાર થાય છે. જેના પગલે ખેડૂતોને સિંચાઈનો લાભ સારા પ્રમાણમાં મળી રહ્યો છે. નદીઓમાં નિર્માણ કરાયેલા ચેકડેમો ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યા છે. ગામના ખેડૂતો મુખ્યત્વે ડાંગર, શેરડી, સૂરણ, કંદ અને હળદળનો ખેતી કરી રહ્યા છે. આ ઉપરાંત બાગાયતી પાકોમાં કેરી અને કેળ જેવા પાકોનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે અને ગામમાં કેરીના સારા ઉત્પાદન વચ્ચે કેરીના કાંટા એટલે કે વેપારીઓ કેરીનો વેપાર કરતા પણ જોવા મળ્યા હતા.
ગામના ખેડૂતો શાકભાજીની પણ ખેતી કરતા આવ્યા છે. ગામના જિગ્નેશભાઈ સહિતના યુવાન ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી પણ ખેતી કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. ગામમાં પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર આવેલું હોવાથી ખેડૂતોને ઘરઆંગણે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ઉપલબ્ધ થતી હોય છે.
ઘરઆંગણે ઉચ્ચતર વિભાગનું શિક્ષણ પણ ઘરઆંગણે ઉપલબ્ધ થશે
સતાડિયા ગામમાં શિક્ષણની વ્યવસ્થા જોઈએ તો નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત એકથી આઠ ધોરણની પ્રાથમિક શાળાઓ છે. આ શાળાનું મકાન જર્જરિત થતાં હાલ નવા વર્ગખંડનું બાંધકામ ચાલી રહ્યું છે. આ જ કેમ્પસમાં ગામની આંગણવાડી પણ કાર્યરત છે. ગામમાં દસમા ધોરણ સુધીમાં અભ્યાસ માટે નવયુગ સાર્વજનિક માધ્યમિક શાળા પણ વર્ષોથી ચાલે છે. આ શાળાના સંચાલકમંડળના પ્રમુખ તરીકે છોટુભાઈ દલિયાભાઈ પટેલ તો મંત્રી પદે ચુનીભાઈ નારણભાઈ પટેલ સાથે પાંચેક જેટલો સ્ટાફ છે.
હાલ સાર્વત્રિક ઓછા પરિણામમાં પણ કણભઈ-સતાડિયાની આ હાઇસ્કૂલનું ધો.10નું 80.85 ટકા જેટલું પરિણામ આવ્યું હતું. શાળાને ચાલુ વર્ષે અગિયારમાં ધોરણના વર્ગ માટે પણ મંજૂરી મળતાં હવે આ વિસ્તારના વિદ્યાર્થીઓને ઘરઆંગણે ઉચ્ચતર વિભાગનું શિક્ષણ પણ ઘરઆંગણે ઉપલબ્ધ થશે અને અગિયારમાં ધોરણ સાથે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 110 જેટલી થશે. આમ, તો આ વિસ્તારના વિદ્યાર્થીઓએ ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ માટે ફડવેલ, રૂમલા, અગાસી, ગોડથલ સહિતનાં ગામોમાં આવેલી શાળાઓ પર મદાર રાખવો પડતો હતો. સતાડિયા ગામમાં જ અગિયારમાં ધોરણના વર્ગની મંજૂરી મળતાં સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સતાડિયા ગામમાં શિક્ષકોની સંખ્યા વિશેષ હોવા સાથે આ નાનકડા ગામમાં આરોગ્ય, એસએમસી મળી 70ની આસપાસ સરકારી કર્મચારીઓ છે.
પાણી પુરવઠા યોજનાની નાની-મોટી 17 જેટલી યોજના કાર્યરત
સતાડિયા ગામમાં પીવાના પાણી માટે પાણી પુરવઠા યોજનાની નાની-મોટી 17 જેટલી યોજનાઓ છે. જો કે, એ પૈકી ચારેક જેટલી યોજનાઓ બંધ હાલતમાં છે. પરંતુ બીજા બોર-કૂવા-હેન્ડપંપના વિકલ્પ સાથે ગામમાં મોટા ભાગના વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે. ગામમાં ડુંગરી ફળિયામાં બોરવેલમાં પૂરતું પાણી ઉપલબ્ધ ન થતાં ગામના આગેવાનોએ આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સિયાદા ગામના ખેડૂતની મંજૂરીથી તેમના ખેતરમાં બોરવેલ કરાવી ત્યાંથી પાઇપલાઈન નંખાવી ડુંગરી ફળિયાનાં 25 જેટલાં ઘરોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
આવી જ સ્થિતિ અક્કલ ટેકરી વિસ્તારમાં પણ હતી. તેના નિવારણ માટે અડધો કિલોમીટર દૂર સરકારી જગ્યામાં બોરવેલ ઉતારી તેમાં પાણી ઉપલબ્ધ થતાં આજે આ અક્કલ ટેકરી ફળિયાનાં પંદરેક જેટલાં ઘરોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ડુંગરી ફળિયા અને અક્કલ ટેકરી ફળિયામાં પાણીની સમસ્યા દૂર કરવા માટેના સ્થાનિક આગેવાનોના આયોજનને લોકો બિરદાવી રહ્યા છે. જો કે, ગામના અન્ય વિસ્તારમાં ખરેરા અને વાંકી નદી તથા ઉકાઈ ડાંબા કાંઠાની નહેરની પગલે બોરકૂવામાં પાણીના સ્તર જળવાઈ રહેતા હોય છે.
પવનપુત્ર હનુમાનજીનું મંદિર વિખ્યાત
સતાડિયા ગામમાં મુખ્ય કેનાલ પાસે મુખ્ય માર્ગ ઉપર પવનપુત્ર હનુમાનજીનું મંદિર આવેલું છે. ગામલોકો અહીં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને વાર-તહેવારે અહીં ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. ગામના આગેવાનો દ્વારા આ મંદિરના કેમ્પસનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. ગામમાં શ્રી ગણેશ મહોત્સવ, નવરાત્રિ, હોળી-ધુળેટી સહિતના તહેવારો લોકો ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવતા આવ્યા છે.
એસ.ટી. બસની સુવિધા પણ ઉપલબ્ધ
એક સમય હતો જ્યારે પાયાની સુવિધા માટે લોકોને ફાંફાં પડતા હતા. આજે લોકોનું જીવનધોરણ ઊંચું આવતાં ઘરેઘરે વાહનોની સુવિધા થઈ ગઈ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની સુનિયોજીત યોજનાઓનો લાભ મળતાં રસ્તાની સુવિધા પણ ઉપલબ્ધ થઈ છે. સતાડિયામાંથી એકતરફ તાલુકામથક ચીખલી અને બીજી તરફ અગાસી રૂમલાને જોડતો મુખ્ય માર્ગ પસાર થાય છે. ગામના મુખ્ય માર્ગો પણ મોટા ભાગના પાકા છે. ગામમાં વાહન-વ્યવહાર માટે એસ.ટી. બસની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આરોગ્ય વિભાગનું સબ સેન્ટર અને પોસ્ટ ઓફિસ સહિતની સુવિધા
ગામમાં આરોગ્યની સુવિધા માટે પડોશના કણભઇ ગામે આરોગ્ય વિભાગનું સબ સેન્ટર ઉપલબ્ધ છે. ગામમાં પોસ્ટ ઓફિસની પણ સુવિધા છે. ઉપરાંત સસ્તા અનાજની દુકાન પણ કાર્યરત છે અને આ સસ્તા અનાજની દુકાનનું સંચાલન દક્ષાબેન ઉત્તમભાઈ પટેલ કરી રહ્યાં છે. આ ઉપરાંત સતાડિયા ગામે ખરેરા નદીના કાંઠે અંતિમધામની પણ ઉપલબ્ધ છે.
ગામની દીકરી ભાજપમાં ઉચ્ચ હોદ્દાએ બિરાજમાન
સતાડિયા ગામના બાવળી ફળિયાની દીકરી અને વલસાડ ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ વહુ ઉષાબેન પટેલ ભાજપમાં ઉચ્ચ હોદ્દાએ બિરાજમાન હોવાથી ગામના આગેવાનો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. બાવળી ફળિયાના છગનભાઈની દીકરી ઉષાબેન પટેલ કે જેઓ પારડીમાં ધારાસભ્ય તરીકે ચુંટાઈને ભાજપ સરકારમાં દંડક તરીકે પણ રહી ચૂક્યાં છે. અને હાલ તેઓ ભાજપમાં પ્રદેશ ઉપાધ્યક્ષ છે અને નવસારી જિલ્લામાં ભાજપના પ્રભારી તરીકે કામ કરી ચૂક્યાં છે. ગામની દીકરી ભાજપમાં ઉચ્ચ હોદ્દાએ બિરાજમાન થતાં ગામના આગેવાનો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
પશુપાલનના વ્યવસાયનો વિકાસ
સતાડિયા ગામમાં ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ સારો એવો વિકસિત થયો છે. ગામમાં વસુધારા ડેરી સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળી કાર્યરત છે. તેમાં દૈનિક 800 લીટરની આસપાસ દૂધનું ઉત્પાદન થઇ રહ્યું છે. આ દૂધમંડળીના ચેરમેન પદે ગામના પૂર્વ સરપંચ ખંડુભાઈ, તો મંત્રી પદે વિમલભાઈ પટેલ કાર્યરત છે.
- સતાડિયા ગામમાં વહીવટદાર
- તેજસભાઈ ઈશ્વરભાઈ હળપતિ
- માર્ચમાં પૂરી થયેલી ટર્મના પંચાયતના શાસકોની યાદી
- સરપંચ – પુષ્પાબેન ડાહ્યાભાઈ પટેલ
- ઉપસરપંચ – ભાવનાબેન નવનીતભાઈ પટેલ
- વોર્ડ સભ્યો-જગુભાઈ મંગળભાઈ માહલા
- વિરલ અમ્રતભાઈ પટેલ
- જિતેન્દ્ર કાંતિલાલ પટેલ
- અંકિત મહેશભાઈ પટેલ
- હેમલતાબેન રતિલાલ પટેલ
- રેખાબેન મુકેશભાઈ પટેલ
- ઉર્વશીબેન નવીનભાઈ પટેલ
ફડવેલ બેઠકમાં સમાવિષ્ટ સતાડિયા ગામના વિકાસમાં મહેશભાઈ પટેલનો સિંહફાળો
સતાડિયા ગામ તાલુકા પંચાયતની ફડવેલ બેઠકમાં સમાવિષ્ટ છે. આ બેઠક પરથી ભાજપમાંથી ફડવેલના મહેશભાઈ કાંતુભાઈ પટેલ ચુંટાઈ આવ્યા છે. જ્યારે આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય એસ.કે.પટેલ છે. મહેશભાઈ ચીખલી તાલુકા પંચાયતમાં શાસક પક્ષના નેતા તરીકે બિરાજમાન છે અને તેઓ ફડવેલ સાથે તેમના મત વિસ્તારના સતાડિયા અને કણભઈ ગામના વિકાસનાં કામો અન્ય પ્રશ્નો બાબતે સક્રિય રહી સતત પ્રયત્નશીલ છે. જેના પગલે મહેશભાઈ તેમના વિસ્તારમાં ઘણા લોકપ્રિય છે. લોકોનાં હિત માટે તેઓ લડત આપવા પડે તો પણ ખચકાતા નથી અને લોકોનું હિત જ તેમના માટે સર્વોપરી હોવાથી તેમના સફળ નેતૃત્વનો લાભ તેમના વિસ્તારના લોકોને આજે મળી રહ્યો છે.
બીજી તરફ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને સંગઠનનો વિસ્તાર વધારવા માટે ગામના આગેવાનો કાર્યકરો સાથે સતત કાર્યરત છે. મહેશભાઈ તેમના વિસ્તારના પ્રશ્નો અને વિકાસનાં કામો માટે ધારાસભ્ય નરેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય એસ.કે.પટેલ તથા સંગઠનના હોદ્દેદારો સાથે સતત સંકલનમાં રહેતા હોય છે. મહેશભાઈની કાર્યશૈલીને અનેક લોકો બિરદાવી રહ્યા છે.
રેવન્યુ રેકર્ડ પર સતાડિયામાં પણ કણભઈ ગામનું નામ જ અસ્તિત્વ
સતાડિયા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવ્યા બાદ 2000ના વર્ષમાં ગ્રામ પંચાયતની પ્રથમ વખત ચૂંટણી થયાને આજે વીસ વર્ષ જેટલો લાંબો સમય વિત્યો છે. પરંતુ આજે પણ રેવન્યુ રેકર્ડ પર સતાડિયામાં પણ કણભઇ ગામનું નામ જ અસ્તિત્વ ધરાવે છે. ગામના અગ્રણી ચુનીભાઈ ઉપરાંત ખંડુભાઈ, ડાહ્યાભાઈ સહિતના આગેવાનો દ્વારા કણભઇ ગામનું વિભાજન બાદ સતાડિયા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી ત્યારથી ગાંધીનગર સચિવાલયના આંટાફેરા કરી રેવન્યુ રેકર્ડ ઉપર સતાડિયા ગામ આવે એ માટે રજૂઆતનો દોર ચલાવી રહ્યા છે. પરંતુ આજે વીસ વર્ષ બાદ પણ તેઓને સફળતા મળી નથી અને હાલની સ્થિતિમાં પણ ગામના ખેડૂત ખાતેદારોના ખાતાઓમાં એટલે કે જમીનના ઉતારાની નકલમાં કણભઈ ગામનું નામ જ ચાલી આવેલું છે. સરકારમાં રજૂઆત બાદ કણભઇ ગામનું વિભાજન તો કરી દેવાયું, પરંતુ માત્ર પંચાયતનું જ વિભાજન કરાયું અને આજદિન સુધી રેવન્યુ રાહે કરાયું નથી. તંત્રની એકબીજાને ખો આપવાની નીતિ-રીતિને પગલે રેવન્યુ રેકર્ડ ઉપર સતાડિયાના ઉલ્લેખ માટે ગામના આગેવાનો આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે સતાડિયા ગામને પંચાયત અને રેવન્યુ સાથે પૂર્ણ ગ્રામ પંચાયતનો દરજ્જો ક્યારે મળશે એ જોવું રહ્યું. રેવન્યુ રેકર્ડ ઉપર કણભઈ ગામનું નામ હોવાથી સ્થાનિકોને હાલાકી વેઠવી પડી રહી છે. તથા રેવન્યુ રાહે પણ સતાડિયા ગામનું નામ અસ્તિત્વમાં આવી જાય તો સતાડિયા ગામ સ્વતંત્રપણે આગળ વધી શકે તેવી લાગણી સ્થાનિક અગ્રણીઓ વ્યક્ત કરી રહ્યા છે.
ચીખલી તાલુકાનું ખરેરા નદીના કાંઠે વસેલું અને શ્રેતક્રાંતિમાં અગ્રેસર ગામ કણભઈ
ચીખલી તાલુકાનું ખરેરા નદીના કાંઠે વસેલું કણભઇ ગામ શ્રેતક્રાંતિમાં અગ્રેસર જોવા મળી રહ્યું છે. વસુધારા ડેરી સંચાલિત ગામની ચાર જેટલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં દૈનિક 3194 લીટર જેટલું દૂધનું ઉત્પાદન થાય છે. 1679 લોકોની વસતી ધરાવતા કણભઇ ગામમાં આંબા ફળિયા, મોટા ફળિયા, ભવાની ફળિયા, દેસાઈ ફળિયા, જગન ફળિયા, પીર ફળિયા, વડ ફળિયા સહિતના મહોલ્લા આવેલા છે અને ગામમાં મુખ્યત્વે ઢોડિયા પટેલોની વસતી છે. આ ઉપરાંત હળપતિ, આહીર, હરિજન અને કોળચા સમાજના લોકો પણ વસવાટ કરે છે. કણભાઈ ગામની સીમમાંથી લોકમાતા ખરેરા નદી વહે છે અને આ નદીમાં ચેકડેમો ઉપરાંત નહેર મારફત સિંચાઈની વ્યવસ્થા હોવાથી ગામમાં મોટા ભાગના વિસ્તારમાં હરિયાળી જોવા મળે છે.
ગામના ખેડૂતો મુખ્યત્વ ડાંગર, શેરડી અને શાકભાજીની ખેતી કરતા આવ્યા છે. જ્યારે બાગાયતી પાકમાં ગામમાં આંબાવાડી પણ હોય કેરીનું પણ ઉત્પાદન થાય છે અને સમગ્ર ગામમાં મોટા પાયે સ્થાનિકો ખેતી વાડીમાંથી ઉપજ મેળવી રહ્યા છે. નાનકડા કણભઇ ગામમાં ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય મોટા પાસે વિકસિત થયો છે. ગામમાં ગાય-ભેંસ જેવા દૂધાળાં પશુઓની સંખ્યા વિશેષ છે અને ગામમાં દૂધનું વિક્રમજનક ઉત્પાદનથી પશુપાલકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે. તો બીજી તરફ છાણિયા ખાતરનો ઉપયોગ પણ ખેતીવાડીમાં ખેડૂતો કરી રહ્યા છે. કણભઇ ગામમાં વસુધારા ડેરી સંચાલિત ભવાની ફળિયા, દેસાઈ ફળિયા અને પીર ફળિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી એમ ચાર જેટલી આ સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓમાં દૈનિક 3184 લીટર જેટલું દૂધનું ઉત્પાદન થઇ રહ્યું છે.
દૂધના વિક્રમજનક ઉત્પાદન થકી પશુપાલકોને ઘરઆંગણે આવક મળી રહી છે. કણભઇ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન પદે ચંપકભાઈ મગનભાઈ પટેલ મંત્રી પદે વિમલ ઠાકોરભાઈ પટેલ, ભવાની ફળિયામાં ચેરમેન પદે સુરેખાબેન રઘુભાઈ પટેલ, મંત્રી પદે અમ્રતભાઈ લલ્લુભાઈ પટેલ, દેસાઈ ફળિયાની દૂધમંડળીના ચેરમેનપદે હિનાબેન વિજયભાઈ પટેલ, તો મંત્રી પદે ધર્મેશભાઈ આહીર અને પીર ફળિયામાં ચેરમેન પદે બકુલાબેન હર્ષદભાઈ પટેલ, મંત્રી પદે ચંદ્રકાંતભાઈ શરદભાઈ પટેલ સેવા બજાવી રહ્યાં છે. વસુધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્રભાઈ વશીના સતત માર્ગદર્શન અને પ્રોત્સાહનથી કણભઈ ગામના પશુપાલકોએ દૂધના ઉત્પાદનમાં હરણફાળ ભરી છે અને આજે વસુધારા ડેરી આમ કણભઇ ગામમાં શ્વેતક્રાંતિમાં અગ્રેસર જોવા મળી રહ્યું છે.
આંગણવાડી અને પ્રાથમિક શાળાની સુવિધા
કણભઇ ગામમાં શિક્ષણની વ્યવસ્થા પર નજર કરીએ તો બે જેટલી આંગણવાડી છે અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત જગન ફળિયામાં આઠ ધોરણની અને દેસાઈ ફળિયામાં પ્રાથમિક શાળાઓ આવેલી છે. જ્યારે પ્રાથમિક બાદ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સતાડિયા, ફડવે, અગાસી સહિતનાં ગામોમાં આવેલી હાઈસ્કૂલોમાં વિદ્યાર્થીઓ જતા હોય છે. કણભઇ ગામમાં શિક્ષકો અને અન્ય સરકારી વિભાગોમાં પણ નોકરિયાતો છે. સાથે ખાનગી કંપનીઓમાં નોકરીથી પણ લોકો રોજગારી મેળવી રહ્યા છે.
ફડવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સબ સેન્ટર પણ કાર્યરત
કણભઇ ગામમાં જિલ્લા પંચાયત નવસારીના તાબામાં આવેલું ફડવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સબ સેન્ટર પણ કાર્યરત છે. જેને પગલે સામાન્ય બીમારીઓમાં લોકોને ઘરઆંગણે આરોગ્યની સુવિધા મળી રહી છે. જો કે, ફડવેલ પ્રાથમિક આરોગ્યકેન્દ્ર પણ નજીકના અંતરે હોય લોકોને આરોગ્યની સેવા સરળતાથી મળી રહી છે.
ધાર્મિક સ્થાન
કણભઇ ગામમાં ભવાની માતા, ભૂતમામા, હનુમાનદાદા, બળિયા બાપજી, અંબામાતા, મહાદેવજીનાં મંદિરો આવેલાં છે. ગામમાં પવનપુત્ર હનુમાનજીનાં બે મંદિર છે. ગામમાં શ્રી ગણેશ મહોત્સવ, નવરાત્રિ, હોળી-ધુળેટીના પર્વે લોકો ભેગા મળી ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોય છે.
ગામમાં બોર-કૂવા પણ ઉપલબ્ધ
કણભઇ ગામના જગન ફળિયામાં ગામના યુવાનો દ્વારા ક્રેકિટનું મેદાન પણ બનાવાયું છે અને સ્થાનિક યુવાનો દ્વારા અવારનવાર નાની-મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ પણ યોજાતી હોય છે. ગામમાંથી પસાર થતી ખરેરા નદીના કાંઠે અંતિમધામની વ્યવસ્થા પણ છે. ગામના જગન ફળિયામાં તળાવ પણ આવેલું છે. કણભઇ ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે પાણી-પુરવઠા વિભાગની વિવિધ ફળિયાંમાં નાની-મોટી 25થી વધુ યોજનાઓ કાર્યરત છે. પરંતુ ગામના આંબા ફળિયા, મોટા ફળિયા અને દેસાઈ ફળિયામાં મોટી યોજનાઓ બંધ હાલતમાં છે અને આ યોજનાની ટાંકીઓ શોભાના ગાંઠિયા બની રહેવા પામી છે. જો કે, આ વિસ્તારમાં અન્ય નાની યોજનાઓના માધ્યમથી લોકોને પાણી ઉપલબ્ધ થઇ રહ્યું છે. સાથે ગામમાં બોર-કૂવા પણ હોવાથી પાણીની ખાસ સમસ્યા ગામમાં જોવા મળતી નથી.
મોટા ભાગના રસ્તા એકંદરે પાકા
કણભઈ ગામમાં માર્ચ મહિનામાં ગ્રામ પંચાયતમાં ટર્મ પૂર્ણ થતાં હાલ કણભઇ ગામમાં વહીવટદાર તરીકે તેજસભાઈ, જ્યારે તલાટી કમ મંત્રી પદે સોનલબેન ફરજ બજાવી રહ્યાં છે. ગામમાં 1292 જેટલા મતદાર છે. ગામમાં આઠ જેટલા વોર્ડ છે અને ગામમાં છેલ્લી ટર્મમાં સરપંચ પદે કલ્પનાબેન જીતુભાઈ પટેલ, જ્યારે ડેપ્યુટી સરપંચ પદે વિપુલભાઈ ગણપતભાઈ સોલંકીએ સેવા બજાવી હતી અને ગામના વિકાસ માટે તેઓ સતત સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. ગામના મોટા ભાગના રસ્તા એકંદરે પાકા જોવા મળી રહ્યા છે.