શ્રાવણ માસના પ્રારંભ સાથે વ્રતો-તહેવારોનો પણ પ્રારંભ થઇ જાય છે. જીવંતિકા માતાનું વ્રત ભારતીય સન્નારીઓ અને કુંવારિકાઓ રાખે છે. સૌભાગ્યવતી બહેનો પરિવારના મંગલ માટે, અખંડ સૌભાગ્ય માટે અને ખાસ કરીને બાળકોના રક્ષણ માટે તેમજ કુંવારિકાઓ મનવાંછિત પતિની પ્રાપ્તિ માટે આ વ્રત કરતા હોય છે. આ વ્રત ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રમાં વધુ ખ્યાત છે. સ્કંધ પુરાણમાં આ વ્રતનો મહિમા સવિસ્તર જોવા મળે છે. મોરબીના કલ્યાણજી દવે (દયાકલ્યાણ)એ આ વ્રત સ્કંધ પુરાણમાંથી સંશોધિત કરી લોકોના કલ્યાણાર્થે 100 વર્ષ પહેલાં પ્રચારમાં મૂકયું છે. જીવંતિકા માતાનાં મોટા મંદિરો ગુજરાતમાં બે જ જગ્યાએ છે એક રાજકોટમાં ૩, રજપૂતપરામાં અને બીજું સુરતમાં શિવશકિત સોસાયટી, તારા વિદ્યાલય સામે,ભાઠેના ખાતે છે. શ્રાવણ માસમાં કરાતા આ વ્રતની વિધિ જોઇએ.
શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે ભગવતી જીવંતિકાનું વ્રત કરવું. કંઇ અડચણ હોય કે સમયની પ્રતિકૂળતા હોય તો બીજા, ત્રીજા કે ચોથા શુક્રવારે પણ કરી શકાય છે. શકય હોય તો શ્રાવણ માસના દરેક શુક્રવારે કરો તો ઉત્તમ. પ્રાત: વહેલા ઊઠી સ્નાનાદિ બાદ પાટલા કે બાજોઠ પર માતા જીવંતિકાનો ફોટો મૂકી પ્રાર્થના કરવી કે હે મા તમારી પ્રસન્નતા માટે વ્રત કરું છું તો મને સહાય કરજો. ત્યાર બાદ કંકુ, અબીલ, ગુલાલ, ચોખા, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય જેવા ઉપચારોથી પૂજા કરવી. નૈવેદ્યમાં કંસાર (સાકર કે ખાંડનો) ધરાવવો. પાંચ દીવાની અથવા એક દીવેટના દીવાથી આરતી કરવી, જીવંતિકા માતાની કથા, ગરબા, કિર્તન-ભજનનું પઠન કરવું. વ્રતના દિવસે એકટાણું કરવું. વ્રત કરનારે લાલ વસ્ત્ર ધારણ કરવા. લીલા-પીળા માંડવા નીચેથી પસાર ના થવું કે લીલાં-પીળાં વસ્ત્રો દૂર રાખવાં, ચોખાના પાણીને ઓળંગવું નહિ. માતાજીની પૂજા દરમ્યાન માતાજીને પ્રાર્થના કરવી કે અંધારે-અજવાળે સર્વ સ્થળોએ આ તમારાં બાળકોની રક્ષા કરજો.
પૂજાંતે નૈવેદ્યમાં ધરેલ કંસાર ઘરમાં બધાને અને અડોસપડોશમાં પ્રસાદરૂપે આપવો. આ વ્રતનું ઉજવણું પાંચ, સાત કે નવ વર્ષે કરી શકાય. ઉજવણા દરમ્યાન એક સૌભાગ્યવતી, એક કુમારિકા અને એક બટુકને જમાડવા. તે દરમ્યાન કંકુ-ચોખાથી તિલક કરી ફૂલહાર પહોરાવી વસ્ત્રદાન કરવું અને સાથે પાન, સોપારી, ફળ અને શકિત મુજબ દક્ષિણા આપી વંદન કરવું. આ પ્રકારે વ્રતનું ઉજવણું કર્યા પછી પણ દર વર્ષે શ્રાવણ માસમાં વ્રત રાખી શકાય છે પણ ફરી ઉજવણું કરવાનું રહેતું નથી. પરિવારના કલ્યાણ માટે, બાળકોની રક્ષા માટે, અખંડ સૌભાગ્ય ને મનવાંછિત પતિ તથા પારિવારિક સુખ-શાંતિ માટે માતા જીવંતિકાનું વ્રત ખૂબ ફળદાયી છે. શ્રાવણ માસના દરેક શુક્રવારે રાજકોટ અને સુરત ખાતેના જીવંતિકા માતાના મંદિરે દર્શનાર્થી શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામે છે.