SURAT

સ્કૂલ વાનના ચાલક પાસેથી લાંચ માંગી શિક્ષણ જગતને લજવતો સરસાડ શાળાનો આચાર્ય

ઝઘડિયા, ભરૂચ : ભરૂચમાં શિક્ષણ કાર્યને લજવતો ભ્રષ્ટાચારનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે, શાળાના બાળકોના ભવિષ્યના રક્ષક ગણાતા, પરંતુ વાસ્તવમાં ખિસ્સા ભરી પોતાનો પેટેનો ધંધો ચલાવનારા સરકારી માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશકુમાર બચુભાઈ પટેલે શાળા પરિવહન યોજનાને પોતાની ખાનગી કમાણીના સાધનમાં ફેરવી નાખી હતી. ઝઘડિયા તાલુકાના સરસાડ ગામની સરકારી માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશકુમાર બચુભાઈ પટેલે બાળકોને શાળામાં પહોંચાડતા સ્કૂલવાન ડ્રાઈવર પાસેથી જ લાંચની માંગણી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ‘શાળા પરિવહન યોજના’ બાળકોને શાળાએ લાવવા તથા લઈ જવા માટે નિયુક્ત કરાયેલા ડ્રાઈવરના મહેનતાણા અંગેના બીલો પાસ કરાવવા સરસાડની શાળાના ઈ.આચાર્યએ દર મહિને રૂપિયા ત્રણ હજાર કમિશન આપવાની શરત મુકી હતી. જેમાં ફરીયાદી પાસેથી ત્રણ મહિનાના કુલ 9000 માંગ્યા હતા. આ સાથે અન્ય એક ફરીયાદી વાહન ચાલક પાસેથી પણ 2024ના બીલો પાસ કરવા માટે રૂપિયા 13000 તથા 2025ના ત્રણ મહિનાના 9000 મળી કુલ રૂપિયા 31,000ની લાંચ માંગી હતી.

સામાન્ય સ્કૂલવાન ચલાવીને પેટિયું રળતા વાનચાલકો માટે આ રકમો મોટી હોય તેમણે લાંચ આપવી પોષાય તેમ ન હોવાથી આખરે તેમણે એસીબીની ટીમનો સંપર્ક કર્યો હતો. જેના પગલે એસીબીની ટીમના એમ.જે. શિંદે સહિતની ટીમે ફરીયાદીને વિશ્વાસમાં લઈ સરસાડ ગામની શાળાના પરિસરમાં જ ટ્રેપ ગોઠવી હતી. જેમાં ફરિયાદીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા 31,000 આપી જેને લાંચીયા આચાર્યએ લાંચ સ્વીકારતા તેને તરત રંગે હાથે ઝડપી પાડ્યો હતો.
બાળકોનું ભવિષ્ય બનાવતી શાળાનો આચાર્ય પોતે લાંચિયો બની વાનચાલકોના પણ મહેનતના રૂપિયા ખાવાની પેરવી કરી ભ્રષ્ટાચાર આચરવાના હિન કૃત્યને કારણે આખા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Most Popular

To Top